નિવડેલા જગદીશ બાંગરવાને હવે પુરા રાજકોટ શહેરની જવાબદારી : નવા 3 DCP પૈકી બે હૈદરાબાદ ટ્રેનિંગમાં
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ ઓફિસર્સની કરાયેલી બદલીઓમાં રાજકોટ શહેરના ત્રણ DCP બદલાયા છે. જ્યારે નિવડેલા વર્તમાન DCP જગદીશ બાંગરવાને રાજકોટમાં જ યથાવત રખાયા છે પરંતુ તેમને ઝોનમાંથી મુક્ત કરી રાજકોટ DCP ક્રાઈમ તરીકે મુકવામાં આવતા હવે કડક અને શુધ્ધ છાપ ધરાવતા DCP બાંગરવાની કાયદો– વ્યવસ્થા જાળવણી શહેરીજનોની સુરક્ષા માટે હવે પુરા શહેરની જવાબદારી રહેશે. અન્ય ત્રણ નવા મુકાયેલા DCP પૈકી ઝોન-1 DCP હેતલ પટેલ તથા DCP ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજા હૈદરાબાદ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ રાજકોટ નવા પોસ્ટીંગ પર હાજર થશે. જયારે DCP ઝોન-2તરીકે રાકેશ દેસાઈ ત્રણેક દિવસમાં નવો ચાર્જ સંભાળશે.

ટીઆરપી કાંડના આકરા સમયે DCP ઝોન-2 તરીકે જગદીશ બાંગરવાનું પોસ્ટિંગ
રાજકોટ શહેરમાં ગત વર્ષે ટીઆરપી કાંડના આકરા સમયે DCP ઝોન-2 તરીકે જગદીશ બાંગરવાનું પોસ્ટિંગ થયું હતું. એક વર્ષથી વધુ સમયગાળામાં બાંગરવાની ફરજને ધ્યાને લઈને તેમજ જો એક સાથે ચારેય DCP ચેન્જ થાય તો શહેરમાં ચારેય નવા જ ચહેરા આવે જેથી રાજકોટમાં બાંગરવાને DCP ક્રાઈમ બનાવીને યથાવત રખાયા છે. બાંગરવાને હવે શહેરભરમાં ક્રાઈમ કન્ટ્રોલ કરવા કે ડિટેક્શન માટેની જવાબદારી રહેશે. મહત્વની ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, એસઓજી તથા સ્પેશિયલ બ્રાન્ચ DCP ક્રાઈમની અન્ડર હોવાથી આ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફની કામગીરી પર ‘બાજ નજર’ રાખવી પડશે.

રાજકોટ ઝોન-1 DCP તરીકે DCP હેતલ પટેલની નિમણૂંક
રાજકોટ ઝોન-1 DCP તરીકે સુરત સિટી સ્પેશિયલ બ્રાન્ચ DCP હેતલ પટેલની નિમણૂંક થઈ છે. સરળ સ્વભાવના અધિકારી મનાતા DCP હેતલ પટેલએ ‘વોઈસ ઓફ ડે’ની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ તેઓ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગમાં હોવાથી ટ્રેનિંગ આગામી માસે 12 સપ્ટેમ્બરે પૂર્ણ થશે ત્યારબાદ રાજકોટ ચાર્જ સંભાળશે.
આ પણ વાંચો : રાજકોટનો ‘કચરામેળો’: 93000 કિલો કચરો કાઢ્યો છતાં હજુ ઢગલાં યથાવત, રેસકોર્સ ફરતે ચીતરી ચડી જાય તેવો કચરો
રાજકોટ DCP ટ્રાફિક તરીકે મુકાયેલા ડો. હરપાલસિંહ જાડેજાએ હૈદરાબાદ ટ્રેનિંગમાં
જ્યારે રાજકોટ DCP ટ્રાફિક તરીકે મુકાયેલા ડો. હરપાલસિંહ જાડેજાએ પણ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ આગામી સપ્તાહે પૂર્ણ થશે ત્યારબાદ મંથ એન્ડમાં તા.26 આસપાસ રાજકોટ ફરજ પર હાજર થશેનું ‘વોઈસ ઓફ ડે’ને જણાવ્યું હતું. ખીજડિયાના વતની હરપાલસિંહ જાડેજા અગાઉ ગોંડલ DYSP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ પણ વાંચો : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં હવે તીડનો ત્રાસ! પેસેન્જર લોન્જમાં અંદરના ભાગે અસંખ્ય તીડ ઉભરાઈ પડયા મુસાફરોને ભારે હાલાકી
જ્યારે અગાઉ ગોંડલ DYSP ઉપરાંત રાજકોટ સેન્ટ્રલ જેલ DYSP રહી ચૂકેલા હાલ ગાંધીનગર આઈ.બી. એસ.પી. રાકેશ દેસાઈનું રાજકોટ સિટી DCP ઝોન-2તરીકે પોસ્ટિંગ થયું છે. જેઓ ત્રણેક દિવસ બાદ ચાર્જ સંભાળશે તેવું જણાવ્યું હતું.
