રાજકોટ કોર્ટના નિવૃત્ત ક્લાર્કને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.88.50 લાખ પડાવ્યા : ભાવનગરના 3 શખસો પકડાયાઃ કમ્બોડિયાની ગેંગનું કારસ્તાન હોવાની આશંકા
ડિઝિટલ અરેસ્ટ, ન્યુડ કોલથી પૈસા પડાવવા સહિતના સાયબર ક્રાઈમથી લોકોને જાગૃત કરવા માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા સુવ્યવસ્થિત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવી, સોશ્યલ મીડિયા પર જાગૃતિ લાવતા પોસ્ટર શેયર કરવા, સાયબર ક્રાઈમથી બચવા શું કરવું તેની કોલર ટ્યુન સેટ કરાવી આમ છતાં રાજકોટમાં કોર્ટના નિવૃત્ત ક્લાર્ક ડિઝિટલ અરેસ્ટનો ભોગ બની 88.50 લાખ ગુમાવી દેતાં સનસનાટી મચી જવા પામી હતી. સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ભાવનગરના ત્રણ શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

આ અંગે સાધુ વાસવાણી રોડ પર સ્વાગત રેસિડેન્સીમાં એ-9 બ્લોકમાં રહેતા અને 2013માં કોર્ટમાંથી ક્લાર્ક તરીકે નિવૃત્ત થયેલા દિનેશભાઈ જીવણભાઈ દેલવાડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત આઠ જૂલાઈએ તેમના મોબાઈલ નંબર ઉપર અજાણ્યા વૉટસએપ નંબરથી ફોન આવ્યો હતો અને તેણે પોતે ટેલિફોન ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. તેની દસ મિનિટ બાદ અન્ય એક વૉટસએપ પરથી ફોન આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે તે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલે છે અને સંદીપકુમાર નામની વ્યક્તિ કે જે ICICI બેન્કમાં મેનેજર હતા તેના વિરુદ્ધ નાણાંની હેરફેરનો ગુનો દાખલ થયો છે.
આ સંદીપકુમારે છેતરપિંડીની રકમમાંથી 10% રકમ દિનેશભાઈને આપ્યાનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે. સંદીપકુમારના ઘેર દરોડો પાડતા આઠ મિલિયન રોકડ રકમ, 180 જુદી જુદી બેન્કની પાસબુક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કૉર્ડ, ચેકબુક તેમજ મોટાપાયે ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હોય આ ગુનાના તમે પણ ભાગીદાર હોવ તમારે પણ આખી જિંદગી જેલમાં રહેવું પડશે તેવી ધમકી આપી હતી.
આ પ્રકારની ધમકીથી વૃદ્ધ ડરી ગયા હતા જેનો લાભ લઈ આરોપીઓએ તેમના પત્નીના મોબાઈલમાં વૉટસએપ મારફતે કોઈ આરોપીને પકડ્યો હોય તેવા પોલીસ સાથેના ફોટા મોકલ્યા હતા અને જો આ વાત કોઈને કરશે તો રાજકોટ આવીને પકડી પાડશે તેવી ધમકી પણ આપી હતી.
અહીંથી સાયબર માફિયાઓએ ખેલ શરૂ કર્યો હોય તેવી રીતે સૌથી પહેલાં આઠ લાખ રૂપિયા RTGS મારફતે મેળવ્યા હતા. ત્યારપછી 45 દિવસ સુધી વૃદ્ધને ડરાવ્યે રાખી કટકે કટકે કુલ 88.50લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જો કે આરોપીઓએ એમ પણ કહ્યું હતું કે તપાસ પૂર્ણ થયે આ રકમ પરત મળી જશે પરંતુ કશુંજ પરત ન મળતાં દિનેશભાઈએ તેમના પુત્ર કૃણાલને વાત કરતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વૃદ્ધે રોકડ ગુમાવી, ફિક્સ ડિપોઝીટ તોડાવી, સોના ઉપર લોન લઈને પૈસા પડાવ્યા
દિનેશભાઈ પોતે નિવૃત્ત કોર્ટ કલાર્ક અને તેમના પત્ની વિજ્ઞાન પ્રવાહના શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા હોય દંપતિએ અમુક રકમ મરણમૂડી તરીકે સાચવી રાખી હતી તે તો ગુમાવી જ હતી સાથે સાથે ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખવામાં આવી હતી. આટલેથી સાયબર માફિયાઓનું પેટ ન ભરાયું હોય તે રીતે સોના ઉપર પણ લોન લેવડાવીને પૈસા પડાવ્યા હતા. એકંદરે દંપતિએ પોતાની તમામ રકમ ગુમાવી દીધી હોવાનું સામે આવ્યું હતું.
બેંક એકાઉન્ટ ભાડે આપનાર ભાવનગરના ત્રણ શખસો પકડાયાઃ કમ્બોડિયાની ગેંગનું કારસ્તાન હોવાની આશંકા
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ડિઝિટલ અરેસ્ટ કાંડમાં તાત્કાલિક તપાસ શરૂ કરી છેતરપિંડીની રકમ જે ખાતામાં જમા થઈ હતી તે ભાવનગરના ત્રણ એકાઉન્ટ ધારકોને પકડી પાડ્યા હતા. પકડાયેલા બ્રિજેશ પરેશભાઈ પટેલ (ઉ.વ.36), મોહસીન સલીમભાઈ શેખ (ઉ.વ.33) અને મહમ્મદ સોયબભાઈ હલારીએ કમિશનની લાલચે એકાઉન્ટ ભાડે આપ્યું હતું અને તેમાં આ રકમ જમા થઈ હતી. આ કાંડમાં કમ્બોડિયાની ગેંગનું કારસ્તાન હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. તપાસમાં ખુલ્યા પ્રમાણે મોહસીન શેખના એકાઉન્ટ વિરુદ્ધ અલગ-અલગ ૧૨ રાજ્યોમાંથી ફરિયાદ નોંધાયેલી છે. જ્યારે અન્ય પાંચ એકાઉન્ટ કે જે બંગાળ, ઉત્તરભારત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના એકાઉન્ટધારકોના હોય તેમાં પણ પૈસા જમા થયાનું સામે આવતાં ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ આ મામલે સાયબર ક્રાઈમ એસીપી ચિંતન પટેલ, પીઆઈ એસ.ડી.ગીલવા સહિતના તપાસ ચલાવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટ
