જમીન-મકાનમાં મંદીની વાતો વચ્ચે રહેણાંક મકાનની કિંમત આસમાને : છેલ્લા 8 વર્ષમાં મકાનના ભાવમાં 34 ટકાનો ઉછાળો
એક તરફ રીયલ એસ્ટેટ ક્ષેત્રે મંદી છવાયેલી છે તેવી વાતો સંભળાતી હોય છે પરંતુ બીજી તરફ રહેણાંક મકાનના ભાવમાં છેલ્લા ઘણા સમયથી વધારો થતો રહે છે. આજે મકાનના એટલા હદે વધી ગયા છે કે, સામાન્ય મધ્યમ વર્ગ માટે પણ ખરીદી કરવી મુશ્કેલભરી બની છે. મકાનના ભાવ સતત વધી રહ્યા છે એ બીજું કોઈ નહી પરંતુ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (GujRERA)ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે. આ અહેવાલ અનુસાર, 2017-18થી 2024-25 દરમિયાન ઘરોના સરેરાશ ભાવમાં 34% વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે રહેણાંક મકાનોની કિંમતોના વધારા પાછળ કોવિડ પછીની માગ અને બાંધકામ ખર્ચમાં વધારો મુખ્ય કારણ છે. આ અહેવાલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિનું વિશ્લેષણ અને રાજ્યના રિયલ એસ્ટેટ બજારની સ્થિતિને રજૂ કરે છે.
આ પણ વાંચો : સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ, 3 નવી શાકમાર્કેટ,ઑક્સિજન પાર્ક હજુ ‘કાગળ’ ઉપર : RMCના બજેટમાં જાહેર કરેલી 20માંથી 12 યોજનાના કોઈ ઠેકાણા નથી

અહેવાલ અનુસાર, 2017-18માં રહેણાક એકમોનો સરેરાશ ભાવ ચોરસ મીટર દીઠ 40,231 રૂપિયા હતો, જે 2023-24માં ભાવ 54187 રૂપિયા સુધી પહોંચી હતી. જે સૌથી વધુ ભાવ હતા. જ્યારે 2024-25માં વધીને 54,139 રૂપિયા થયો. આ વધારો એપાર્ટમેન્ટ, બંગલા અને રો-હાઉસ જેવી વિવિધ રહેણાંક શ્રેણીઓમાં જોવા મળ્યો. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જમીનના ભાવ અને બાંધકામ ખર્ચમાં થયેલા વધારાએ આ ભાવ વધારવામાં મોટો ભાગ ભજવ્યો છે.નિષ્ણાંતો મત પ્રમાણે જમીન અને બાંધકામ ખર્ચમાં વધારો થયો હોવા છતા ડેવલપર્સ બાંધકામનું ભારણ ગ્રાહકો પર નાખી શક્યા નથી. જેના કારણે નફામાં ઘટાડો થયો છે.

બાંધકામ ખર્ચ પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. 2017-18માં ચોરસ મીટર દીઠ 26,677 રૂપિયાનો ખર્ચ 2024-25માં 40,691 રૂપિયા થયો, આ કિંમતો 2023-24માં 41,895 રૂપિયાની હતી જે સૈથી વધુ હતી. અહેવાલમાં જણાવાયું છે કે શહેરીકરણ, રો મટીરીયલના ભાવ અને મજૂરી ખર્ચના કારણે આ વધારો થયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ભાવમાં વધઘટ પણ જોવા મળી, જે બજારની પરિપક્વતા અને માગના પ્રતિભાવને દર્શાવે છે.