રાજકોટમાં BRTS કોરીડોર દુર કરવો સમયની માંગ : ફેકટ ફાઈન્ડીંગ કમિટી આ વિચારશે ? વાંચો વિશેષ અહેવાલ
કોઈ પણ શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન માટે સિટી બસ સર્વિસ ઉત્તમ ગણાય છે અને શહેર વધુ વિસ્તરતુ હોય તો જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન (JNNURM)અંતર્ગત બસ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ( BRTS)ને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. રાજકોટમાં પણ 2001 માં માધાપર ચોકડીથી ક્રિષ્ના પાર્ક ચોકડી સુધીના 150 ફૂટ રોડ ઉપર BRTS સેવા શરુ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સેવા સારી ગણાતી હતી પણ શહેરમાં વધતી જતી વસતિ અને વાહનોની સંખ્યાને લીધે આ સેવા અળખામણી બની ગઈ છે.
રાજસ્થાનના જયપુરમાં 15 વર્ષ પહેલા 6.4 કિલોમીટરનાં માનસરોવર-સિકર રોડ ઉપર BRTS કોરીડોર બનાવાયો હતો. 71 કરોડના ખર્ચે બનેલા આ કોરીડોરન ઉપર 2010થી બસનું સંચાલન થઇ રહ્યું હતું પણ ટ્રાફિકનાં સુચારુ સંચાલનમાં આ કોરીડોર બાધા રૂપ બનતો હોવાથી જુન-2024માં આ કોરીડોર દુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારની મંજુરી બાદ તાજેતરમાં આ કોરીડોર હટાવવાનું કામ શરુ થયું છે. આ સિવાય ન્યુ સાંગાનેર અને સિકર રોડ ઉપર 16 કિલોમીટરનાં રસ્તા ઉપર આવો કોરીડોર બનાવાયો હતો પણ તેને લીધે અકસ્માતો વધવા લાગતા આ કોરીડોર દુર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

આ પૂર્વે દિલ્હી અને ભોપાલમાં પણ આવા કોરીડોર હટાવાયા છે. અમદાવાદમાં પણ કેટલાક સ્થળે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વચલો રસ્તો કાઢવામાં આવ્યો છે અને BRTS રૂટ ઉપર સામાન્ય વાહનચાલકોને એન્ટ્રી આપવામાં આવે છે અને બસનું જંકશન આવે તે પહેલા તેને મેઈન રોડ ઉપર ડાઈવર્ટ કરી દેવામાં આવે છે. રાજકોટમાં પણ આવું વિચારી શકાય તેમ છે.
રાજકોટમાં હાલમાં આ રૂટ ઉપર રોજની 28 બસ દોડે છે અને આ સેવાનો લાભ રોજના 30,000 લોકો લઇ રહ્યા છે. લોકો સામાન્ય ભાડામાં એક છેડેથી બીજા છેડે અથવા પોતાના ગંતવ્ય સ્થળે જઈ શકે છે. હવે પ્રશ્ન એ થાય છે કે રોજના 30,000 માટે થઈને બીજા લાખ્ખો લોકોને જે સમસ્યા ભોગવવી પડે છે તેનુ શું ? ૧૫૦ ફૂટનો રોડ વાસ્તવમાં 150 ફૂટ રહ્યો નથી..રોડની બંને બાજુ દબાણ છે.મહાપાલિકાએ સર્વિસ રોડ બનાવ્યો છે, વોક-વે બનાવ્યો છે અને સાઈકલ ચાલકો માટે પણ જગ્યા રાખી છે પણ કમનસીબે આ એક પણ હેતુ પૂરો થયો નથી. સર્વિસ રોડ ઉપર રોડની બંને બાજુ દબાણ છે..વોક-વે ઉપર ટુ-વ્હીલર બેફામ દોડે છે અને સાઈકલ માટેની જગ્યા તો દેખાતી જ નથી.
અધૂરામાં પૂરૂ 150 ફૂટ રોડ ઉપર ઓવરબ્રીજ બની ગયા છે. આ ઓવરબ્રીજને લીધે ટ્રાફિક સમસ્યા થોડે ઘણે અંશે હળવી થતી હોય તેવું લાગતું હતું પરંતુ વાહનોની વધતી જતી સંખ્યાને લીધે આ સમસ્યા ઠેરની ઠેર હોય તેવું લાગી રહ્યુ છે.
રાજકોટમાં ગત અઠવાડિયે એટલે કે બુધવારે ઇન્દિરા સર્કલ પાસે જે જીવલેણ અકસ્માત થયો અને ચાર લોકોએ જીવ ગુમાવવા પડ્યા એ તો સિટી બસ હતી પણ BRTS રૂટ ઉપર દોડતી બસો પણ ઘણી વાર અકસ્માત સર્જી રહી છે. ઘણા ડ્રાઈવરો ચોકમાં સિગ્નલ બંધ હોવા છતાં તેની પરવાહ કર્યા વગર બસ દોડાવે છે અને બિચારા બીજા વાહનચાલકો મૂંગા મોઢે આ બાબત સહન કરે છે.
BRTS રૂટ ઉપર દોડતી બસ ઉપર કોઈ પ્રમાણિક અધિકારીનું મોનીટરીંગ નથી તેથી બધુ લોલેલોલ ચાલી રહ્યુ છે. રાજકોટની પ્રજા શાંત છે અને પ્રજાના પ્રતિનિધિઓ મૂંગા છે તેથી બધુ ચાલ્યે રાખે છે.
સ્માર્ટ સિટી વિસ્તારમાં નવો કોરીડોર તૈયાર છે
હાલના BRTS કોરીડોરને લીધે સમસ્યા થઇ રહી છે અને હજુ ભવિષ્યમાં સ્માર્ટ સિટી વિસ્તારમાં પણ આવો કોરીડોર બનાવવામાં આવ્યો છે તે પણ ચાલુ કરવાનો થશે. હજુ સ્માર્ટ સિટી વિસ્તારમાં વધુ લોકો રહેવા ગયા નથી પણ આવનારા વરસોમાં વસતિ વધશે અને બસ સેવાની જરૂર પડશે ત્યારે આ કોરીડોર શરુ કરાશે. જો કે, સ્માર્ટ સિટીના રસ્તા વધુ પહોળા છે તેથી સંભવ છે 150 ફૂર રીંગ રોડ જેવી ટ્રાફિકની સમસ્યા નહી ઉદ્ભવે.આમ છતાં આ બાબતનો અત્યારથી વિચાર કરવો જરૂરી છે.
ફેકટ ફાઈન્ડીંગ કમિટી આ વિચારશે ?
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ઇન્દિરા સર્કલની દુર્ઘટના પછી તેની તપાસ માટે અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ સૂચવવા માટે જુદા જુદા 11 અધિકારીઓની બનેલી ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીની રચના કરી છે. આ કમિટી વિવિધ પાસાઓની તપાસ કર્યા પછી ત્રણ મહીને પોતાનો રીપોર્ટ આપશે. ટ્રાફિક સમસ્યા માટે આ BRTS કોરીડોર પણ જવાબદાર છે ત્યારે આ કમિટી આ દિશામાં વિચારીને પોતાનું સુચન આપે તે જરુરી છે.