કાઢી મેલે તો કાઢી મેલે !! જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલની ગૂપચૂપ ચર્ચા માઇકમાં થઈ જાહેર, જુઓ વિડીયો
જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલની ગૂપચૂપ ચર્ચા માઇકમાં જાહેર થઇ ગઇ
ઋષિકેશ પટેલે કહ્યું, મને ૯૦ હજાર વોટ મળ્યા અને હું સદસ્યતા અભિયાનમાં ૫૦ ટકાએ પહોંચ્યો
હાલમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે સદસ્યો શોધ્યા ન મળતા હોવાથી પેઈજ પ્રમુખથી લઈ ધારાસભ્યો, સાંસદ અને ખુદ રાજ્ય સરકારના મંત્રીઓ પણ સભ્યોની નોંધણી માટે ચિતિત છે ત્યારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ દરમિયાન રાજ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સદસ્યતા અભિયાનની ચિતા અને ચર્ચા કરતા હતા ત્યારે માઈક ચાલુ રહી જતા બન્ને મંત્રીઓની ગપશપનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઋષિકેશ પટેલ કહેતા જણાઈ રહ્યા છે કે કાઢી મેલે તો ભલે કાઢી મેલે.
ગાંધીનગરમાં રવિવારે મળેલી કેબિનેટ બેઠક બાદ જ્યારે પત્રકારોને સંબોધિત કરવાની તૈયારીમાં હતા ત્યારે બે મંત્રીઓ વચ્ચે થતી ચર્ચા માઈક અને કેમેરામાં કેદ થઇ જતા આ વિડીયો વાયરલ થયો છે જેમાં સદસ્યતા અભિયાનને લઇ મંત્રીઓ ચિતિત હોવાની સાથે પાર્ટી ટાર્ગેટ મુજબ સભ્યો ન થાય તો કાઢી મૂકે તો ભલે કાઢી મૂકે જેવા શબ્દ પ્રયોગો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હકીકતમાં આ ઘટનામાં પત્રકાર પરિષદ પૂર્વે મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મંચ પર બંને એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, પાર્ટી એનાલિસિસ કરતી જાય છે જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું ‘કાઢી મેલે તો, કાઢી મેલે’ વાસ્તવમાં જ્યારે આ બંને નેતાઓ વાતચીત કરતાં હતા ત્યારે તેમની પાસે મીડિયાના બૂમ માઇક પડેલા હોય કોઈએ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લીધી હતી.
ગાંધીનગરમાં પત્રકાર પરિષદની શરૂઆત પૂર્વે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સદસ્યતા અભિયાન અંગેની ચિતા અંગે વાતચીત કરવાની શરૂ કરે છે જેના અંશો નીચે મુજબ છે.
જગદીશ વિશ્વકર્મા : પીએમ સાહેબે સદસ્યતા અભિયાનનો રિપોર્ટ માંગ્યો છે, તમને કેટલા વોટ મળ્યા? તમે કેટલા સદસ્ય બનાવ્યા ?
ઋષિકેશ પટેલ : એનાથી શું સાબિત થશે? ક્નફર્મ સાબિત થશે?
જગદીશ વિશ્વકર્મા : ના…પાર્ટી ઓલ ઓવર બીજી રીતે ચેક કરે છે
ઋષિકેશ પટેલ : જે થાય એ…કાઢી મેલે તો કાઢી મેલે
જગદીશ વિશ્વર્મા: અરે એમ નથી કહેતો, પાર્ટી આખું એનાલિસિસ કરતું જાય છે…એમ કહું છું હું…મોટા ભાગની વિધાનસભાઓ ૩૦-૩૨ ટકા પહોંચી ૩૦-૩૨ ટકા, ૪૦-૫૦ ટકા તો પહોંચી છે ઉપર..
ઋષિકેશ પટેલ : હું ૫૦-૫૫એ પહોંચ્યો છું
જગદીશ વિશ્વકર્મા: તમને કેટલા વોટ મળ્યા ?
ઋષિકેશ પટેલ: મને ૯૦ હજાર જેવા મળ્યા છે
જગદીશ વિશ્વકર્મા: હાં…બસ એવી રીતે એવી રીતે