હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ તારીખથી યુ.એન.મહેતાની ઓપીડી થશે શરૂ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હૃદયરોગના દર્દીઓ માટે રાહતના અને આનંદના સમાચાર છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગુરુવારથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલનું સેટેલાઇટ યુનિટ કાર્યરત થવા જઈ રહ્યું છે. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રથમ તબક્કે ઓપીડી શરૂ કરવામાં આવશે, આ નવી સુવિધા શરૂ થવાથી હૃદયરોગના દર્દીઓને સ્થાનિક સ્તરે અદ્યતન સારવાર મળી શકશે, જેનાથી તેમને અમદાવાદ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે.

હૃદયરોગની સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું સેટેલાઇટ યુનિટ કાર્યરત કરવા એમઓયુ સહિતની પ્રક્રિયા પૂર્ણ થતા આગામી ગુરુવારથી યુ.એન.મેહતા સેટેલાઇટ યુનિટની ઓપીડી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મેહતા સેટેલાઇટ યુનિટની ઓપીડી શરૂ થતા દર્દીઓને હાર્ટ સંબંધિત બીમારીઓનું નિદાન અને પ્રાથમિક સારવાર સરળતાથી ઉપલબ્ધ થશે. આ ઓપીડીમાં અનુભવી કાર્ડિયોલોજિસ્ટ્સ દ્વારા તપાસ અને સલાહ આપવામાં આવશે. આ સુવિધા ખાસ કરીને રાજકોટ અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે ફાયદાકારક રહેશે.

આ પણ વાંચો : PPF સહિત નાની બચત યોજનાના વ્યાજ દરને લઈ મોટું અપડેટ : સરકારે મધ્યમ-નબળા વર્ગને આપી રાહત
ઉલ્લેખનીય છે કે, છેલ્લા લાંબા સમયથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજિસ્ટની કાયમી નિમણુંકના અભાવે આધુનિક કેથલેબ સહિતના સાધનો નકામા થઇ પડવાની સાથે ગરીબ દર્દીઓને હૃદયરોગને લગતી સારવાર સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી ખાનગી હાસ્પિટલો અને તબીબોને તડાકો બોલી ગયો હતો. જો કે, હવે સિવિલ હોસ્પિટલમાં ગુરુવારથી યુ.એન.મહેતા હોસ્પિટલની ઓપીડીની સેવાઓ નિયમિત રીતે શરૂ થતા જ અનેક હોસ્પિટલના લીંબુડા સોંઘા થશે જેમાં શંકાને કોઈ સ્થાન નથી. સાથે જ ગરીબ દર્દીઓને પણ સુપર સ્પેશ્યાલિટી સેવાઓ મળતી થવાથી દર્દીઓને પણ રાહત થશે. ઓપીડી સેવા શરૂ થવાની સાથે જ ટૂંક સમયમાં જ અહીં આઇપીડી સેવા પણ શરૂ કરવામાં આવશે જેથી રાજકોટના હૃદયરોગના દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળશે.
