રાજ્યની તમામ હોસ્પિટલોને રજિસ્ટ્રેશનનો આદેશ
અત્યારે ૫૦ બેડથી નીચેની તમામ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન જ બાકી છે
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર સફાળી જાગી
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ ૧૨ માર્ચ સુધીમાં નોંધણી કરાવવી પડશે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી રાજ્ય સરકારે એક મહત્વના આદેશમાં રાજ્યની તમામ નાની-મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. સરકારના આદેશ અનુસાર, તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એકટ મુંજબ રજીસ્ટ્રેશન થતું હતું પણ આ કાયદો ચાર વર્ષ પહેલા નાબુદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત ૫૦ બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજીસ્ટ્રેશન કર્યું હતું પરંતુ આ ઘટના પછી સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે.
આ સુત્રોએ એવી પણ માહિતી આપી હતી કે, રાજ્યમાં અંદાજે ૬૦ થી ૭૦ ટકા હોસ્પિટલો હાલમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટર થઇ નથી પરંતુ હવે તમામે આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એક ડોકટરે કહ્યું હતું કે, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓન લાઈન છે પણ તે એક વખત થઇ ગયા પછી રાજ્યસરકારનું ઇન્સ્પેકશન આવશે અને દર્દીઓ માટેની સુવિધાઓ અને અન્ય બાબતોની ચકાસણી કરવામાં આવશે.
રાજ્ય સરકારના આ આદેશ બાદ હવે રાજ્યની ૬૦ થી ૭૦ ટકા નાની નાની હોસ્પિટલોએ કાયદા અનુસાર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. કોઈ ડેન્ટીસ્ટ હોય, આયુર્વેદિક ડોક્ટર હોય કે પછી હોમીયોપેથિકના ડોક્ટર હોય તમામે આ પ્રક્રિયા કરવી પડશે.