અનેક ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચાણના રજીસ્ટ્રેશન રદ : રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેનના ગામમાં જ દેકારો બોલી ગયો
રાજકોટ સહિત સૌરષ્ટ્રભરમાં ઓણસાલ મોટાપ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે ત્યારે ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી માટે નિયમોનુસાર રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી હોવા છતાં જિલ્લાના અનેક ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે, ગઈકાલે જસદણ બાદ ગુરુવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમનેના વતન એવા કણકોટ, રામનગર અને વાગુદળ ગામના ખેડૂતોને તમારા વાડી -ખેતરમાં મગફળીનું વાવેતર સેટેલાઇટ સર્વેમાં દેખાતું ન હોય રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યાના મેસેજ મળતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025માં ખરીફ સીઝનમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશ ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ કરતા તા. 18 સપ્ટેમ્બર સુધીમાં રાજકોટ જિલ્લામાં 1,71,094 ખેડુતોએ મગફળી માટે, 13777 ખેડૂતોએ સોયાબીન માટે, 300 ખેડૂતોએ અડદ માટે તેમજ 184ખેડૂતીએ મગ માટે ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી છે.જો કે, ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ અને ડિજિટલ કોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં અનેક ખેડૂતોના સર્વે નંબરમાં મગફળીનો પાક જોવા મળ્યો ન હોવાનું જણાવી રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હોવાના મેસેજ મળતા ખેડૂતો ચોકી ઉઠ્યા છે.
રાજકોટની ભાગોળે આવેલ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના વતન કણકોટ ગામમાં જ ગુરુવારે 15થી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યા હોવાના મેસેજ મલ્યા છે. કણકોટ રામનગર ગામના ખેડૂત રમેશભાઈ ખૂંટે જણાવ્યું હતું કે, તેઓએ તમામ આધાર પુરાવા સાથે ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં તેમના અલગ અલગ ત્રણ સર્વે નંબર પૈકી બે સર્વે નંબરમાં મગફળીની ઇમેજ આવી છે પરંતુ સાત વીઘાના વાવેતર વાળા ખેતરની ઇમેજ ન આવતા મગફળીનું વાવેતર નહી દેખાતું હોવાથી રજીસ્ટ્રેશન રદ્દ કરાયું હોવાનું જણાવાયું છે. આ મામલે તેઓએ ગ્રામ સેવકને જાણ કરતા ગ્રામસેવકે ફરી નવેસરથી પુરાવા આપવા જણાવ્યું છે. રમેશભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં ખેતીની સીઝન હોય અમને નવરાશ મળતી નથી તેવામાં ફરી પુરાવા આપવા માટે અમારે દોડધામ કરવી પડશે.
ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી : ખેતીવાડી અધિકારી
સેટેલાઇટ ઇમેજ ન આવવાથી ટેકાના ભાવે મગફળી વેચાણના રજીસ્ટ્રેશન રદ્દ થવા અંગે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તેનો એક જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પુરાવા તરીકે રાખવાનો અનુરોધ કરવામાં આવે છે. જે ખેડૂતોએ નોંધણી કરાવેલા સર્વે નંબરમાં મગફળીનું જ વાવેતર કર્યું હોય, તેવા ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી. આવા ખેડૂતો પાસેથી ખરાઈ કર્યા બાદ જ ટેકાના ભાવે જથ્થાની ખરીદી કરવામાં આવશે.
