માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : બે વર્ષના માસુમનું 7 માં માળેથી પટકાતા નીપજ્યું મોત
સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે. રૂંવાટા ઉભા કરી દેનારી ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે જેમાં જોઈ શકાય છે કે બે વર્ષનું માસૂમ બાળક 7 માં માળેથી પટકાતા મોતને ભેટયું હતું. માતા કામ કરી રહી હતી ને માસૂમ દીકરાનું પટકાતા મોત નીપજ્યું છે. ત્યારે 2 વર્ષના બાળકે જીવ ગુમાવતા પરિવાર શોકનો માહોલ છવાયો છે.
ઘણી વખત માતા-પિતા પોતાના કામમાં એટલા વ્યસ્ત થઇ જતા હોય છે કે બાળક શું કરી રહ્યું છે તેનો ખ્યાલ જ રહેતો નથી ત્યારે સુરતના પાલ વિસ્તારમાં આજ રોજ આવી જ એક ઘટના બની હતી. જેમાં પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગના સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું મોત નીપજતા અરેરાટી મચી જવા પામી છે. ત્યારે બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પાલ શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડીંગમાં હાઉસકીપિંગનું કામ કરતી માતા બેવર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી ત્યારે માતા કામ કરી રહી હતી તે દરમિયાન બાળક રમતા રમતા સાતમા માળેથી નીચે પટકાયું હતું. સાતમા માળેથી બાળક નીચે પટકાતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે રેલીંગ પાસે રમી રહ્યો હતો તે દરમિયાન સાતમા માળેથી નીચે પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સિવિલના તબીબોએ બાળકના મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકના મોતને લઈને પરિવારમાં ગમગીની છવાઈ છે. ત્યારે આ મામલે પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે.