હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ
ગરવી ગુર્જરીએ આ વર્ષે વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો
ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આ વાતનું પ્રમાણ, રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરી એ સર્જેલા વેચાણના રેકૉર્ડથી મળે છે.
નિગમે આ વર્ષે વેચાણનો છેલ્લા 50 વર્ષનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. નિગમ દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીના સ્ટૉલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે. આ ગરવી-ગુર્જરીમાં હાથશાળ-હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હસ્તકલા અને હાથશાળની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા, તેને ટકાવી રાખવા અને તેના વિકાસના મુખ્ય ઉદ્દેશ સાથે ગુજરાત સરકારના સાહસ તરીકે છેલ્લાં 50 વર્ષથી ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ કાર્યરત છે.
આ નિગમ દ્વારા, ગુજરાતના ભવ્ય અને ભાતીગળ હાથશાળ-હસ્તકલાના વંશપરંપરાગત વારસાને જીવંત રાખનાર તથા હાથશાળ હસ્તકલાની શ્રેષ્ઠ કૃતિઓનું સર્જન કરનાર રાજ્યના અંતરિયાળ ગામોમાં વસતાં કારીગરો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોના વેચાણમાં વૃદ્ધિ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું. આ પગલાં થકી વર્ષ 2023-24 દરમિયાન છેલ્લાં 50 વર્ષનાં ઇતિહાસમાં સૌથી મહત્તમ ₹25 કરોડથી વધારેના વેચાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવી. આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે.
આ ઐતિહાસિક સિદ્ધિ અંગે નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું કે આ મહત્વની સફળતા પાછળ, જી-20 બેઠકો અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો નોંધનીય ફાળો રહ્યો છે,
લલિત નારાયણ સિંહ સાંદુએ જણાવ્યું, “અમને આ માઇલસ્ટોન પર ખૂબ જ ગર્વ છે કે જે અમારી ટીમના સમર્પણ અને સખત મહેનત, કેન્દ્ર અને રાજ્ય સરકારની સતત સહાય અને અમારા કારીગરોની અજોડ કારીગરીનો પુરાવો છે.
જ્યારે અમે આ નોંધપાત્ર સફળતાની ઉજવણી કરીએ છીએ, ત્યારે સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા અને ટકાઉ આજીવિકા વધારવાની સાથે સાથે ગુજરાતના સમૃદ્ધ હાથશાળ અને હસ્તકલા વારસાને જાળવવાના અમારા મિશન માટે અમે પ્રતિબદ્ધ છીએ.