મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ મગફળીની ખરીદીની મર્યાદામાં વધારો કરીને ૨૦૦ મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

મંત્રીએ કહ્યું કે, ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળીનું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ. ૨૫૦ જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ ૩.૬૭ લાખ ખેડૂતોને કુલ રૂ.૧૫૩૦ કરોડનો સીધો લાભ મળ્યો છે.
નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ ૯૮ ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. જે પૈકીના ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ૬,૬૦૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે, તેવી મંત્રી પટેલે ખાતરી આપી છે.
નોંધનીય છે કે, ગત તા. ૮ ફેબ્રુઆરી બાદ પણ કેટલાક ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ખરીદી પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તમામ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે.