આ મહિને રેશનકાર્ડ ધારકોને ખાંડ-દાળ મળે તો મળે !! પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારોની ફાળવણીમાં 50 % કાપ મુક્યો
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના રેશનકાર્ડ ધારકોને દર મહિને આપવામાં આવતા જથ્થાની ફાળવણીમાં કાપ લાદ્યો છે, પુરવઠા વિભાગે ચાલુ મહિને ખાંડ અને દાળની 50 ટકા જ ફાળવણી કરતા રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજના દુકાનદારો વહેલા તે પહેલા ના ધોરણે જથ્થો ફાળવશે અને બાકી રહેતા રેશનકાર્ડ ધારકોને ખાંડ-દાળ વગર જ ચલાવવું પડશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચાલુ મહિને બીપીએલ અને અંત્યોદય યોજનાના ગરીબ રેશનકાર્ડ ધારકોના હીસ્સાની ખાંડ અને દાળ ઉપર તરાપ મારી ફાળવણીમાં 50 ટકાનો કાપ મૂકી દેતા રેશનકાર્ડ ધારકોમાં દેકારો બોલી ગયો છે, સૂત્રોના જણાવ્યા મુજબ પુરવઠા વિભાગ દ્વારા ગત મહિને પણ પૂરતી પરમીટ બનાવી તમામ સસ્તા અનાજના વેપારીઓ પાસે પૂર્ણ જથ્થાની રકમના ચલણ ભરાવ્યા હતા અને બાદમાં રાજકોટ સીટી અને એક તાલુકાને બાદ કરતા એક પણ દુકાનને દાળની ફાળવણી ન કરી નાણાં રિફંડ કર્યા હતા.
વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનમાં હાલમાં દાળ અને ખાંડની શોર્ટ સપ્લાય હોવાથી રેશનકાર્ડ ધારકો ઉપર ઠીકરું ફોડી ગરીબોને સરકારી યોજનાના લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જો કે, દાળ અને ખાંડની ફાળવણીમાં 50 ટકા કાપ મુદ્દે એફપીએસ સંગઠનના પ્રમુખ હિતુભા જાડેજાએ જણાવ્યું હતું કે, અમારી પાસે સ્ટોક ઉપલબ્ધ હશે ત્યાં સુધી વિતરણ કરીશું અને જથ્થો ખૂટી ગયા બાદ ગ્રાહકો માથાકૂટ કરશે તો જે તે લગત ઝોનલ કચેરી ખાતે રેશનકાર્ડ ધારકોને મોકલીશું.
