પોતાને કલ્કી અવતાર ગણાવી ચર્ચાસ્પદ બનેલા રાજકોટના રમેશ ફેફરનો ઘરે ફાંસો ખાઈને આપઘાત : બાબા બાગેશ્વરને ઢોંગી ગણાવ્યા’તા
રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતા અને એક સમયે પોતાને કલ્કી અવતાર ગણાવી ચર્ચાસ્પદ બનેલા રમેશ ફેફરનો ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગઇકાલે મોડી રાત્રે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. એક્લવાયા જીવનથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસે બનાવ સ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
પોતાને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર ગણાવતા અને પોતાના નિવેદનોથી વિવાદમાં રહેતા રમેશ ફેફરે આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું હતું. શહેરના યુનિવર્સિટી રોડ પર શારદાનગરમાં પાસે બંસરી સોસાયટીમાં રહેતા અને સિંચાઈ વિભાગના નિવૃત્ત ઈજનેર રમેશચંદ્ર હરજીભાઇ ફેફર (ઉ.વ.60)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી છે.
આ પણ વાંચો :વિકી કૌશલ-કેટરિનાના ઘરે પારણું બંધાશે : બોલીવુડના પાવર કપલ લગ્નના 4 વર્ષ બાદ બનશે માતા-પિતા, બેબી બમ્પ સાથેની તસવીર કરી શેર
રમેશચંદ્ર ફેફર પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા
રમેશચંદ્ર ફેફર પોતાના નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતા હતા. પોતાને અનેક વખત ભગવાન વિષ્ણુનો કલ્કિ અવતાર ગણાવતા અને વિવાદમાં પણ આવતા હતા હજુ થોડા સમય પહેલા જ રમેશચંદ્ર ફેફરે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું અને જગદંબાનો મને આદેશ આવ્યો છે કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. આ ઉપરાંત ઓશોને પણ દુઃશાસનનો અવતાર ગણાવ્યો હતો.
એક્લવાયા જીવનથી કંટાળીને આપઘાત કર્યો હોવાની શક્યતા
રમેશચંદ્ર ફેફર સિંચાઈ વિભાગમાં ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેમજ ઘરકંકાસ બાદ પત્ની અને પુત્ર લંડન રહેવા જતા રહ્યા હતા. પોતે એકલા જ બંગલામાં રહેતા હતા. ત્યારે એકલવાયા જીવનથી કંટાળી પગલું ભરી લીધાની શક્યતા સેવાઈ રહી છે. તેઓ પોતાના નિવેદનથી સમાજના લોકોના રોષનો ભોગ બનતા હતા. ત્યારે કયા કારણોસર આપઘાત કર્યો એ પોલીસ તપાસમાં સામે આવી શકે છે.
આ પણ વાંચો :ટ્રમ્પ નીતિ સામે ડ્રેગનનો માસ્ટર સ્ટ્રોક : 1 ઓક્ટોબરથી આપશે સરળ K વિઝા, વૈશ્વિક ટેકનોલોજી રેસમાં USને મ્હાત કરવાની વ્યુહરચના
બનાવ અંગે પરિવારના સભ્યોને જાણ થતાં 108ને જાણ કરવામાં આવી હતી ત્યારે 108 ઇએમટીએ બનાવસ્થળે પહોંચીને સ્થળ પર જ રમેશચંદ્ર ફેફરને મૃત જાહેર કર્યા હતા તેમજ બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને કરતા સ્થળ પર પહોંચી પોલીસે બનાવસ્થળે પહોંચીને મૃતકના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડીને જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી.
