રાજકોટને નવી હાઇકોર્ટ બેંચ આપવા માટે રામભાઈ મોકરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર : 2023માં પણ CMને કરી હતી રજૂઆત
રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને વધુ એક વખત પત્ર લખીને રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા માંગણી કરી છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા 2015માં રાજકોટ શહેરમાં હાઇકોર્ટ બેંચ આપવા માટે રજૂઆત કરેલી તે સંદર્ભે બાર એસોસિએશન સભ્યોએ રામભાઈ મોકરીયાને પણ રાજકોટને હાઇકોર્ટ બેંચ મળે તે માટે રજૂઆત કરતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા કેન્દ્રના કાયદા મંત્રી કિરણ રિજજુ ને વિગતવાર પત્ર લખવામાં આવેલ.
આ બાબતે કેન્દ્રના કાયદા મંત્રી કિરણ રિજજુ દ્વારા તારીખ 27/10/2022ના રોજ જવાબ આવેલ કે “જેમાં મુખ્ય બેઠક સિવાય અન્ય સ્થળે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના જશવંતસિંહ કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો અને 2000ના W.P.(C)નં. 379માં સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર અને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ દરખાસ્ત ઉપર વિચારણા કર્યા પછી કરવામાં આવે છે.જેમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા અને ખર્ચને પહોંચી વળવા માટેની તૈયારીનો સમાવેશ થાય છે. સાથેસાથે સંબંધિત ચીફ જસ્ટિસ અને ગવર્નરની સમંતિ પણ જરૂરી છે”
આ પણ વાંચો : આજથી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ : દ.ગુજરાત તેમજ અમરેલી, જૂનાગઢ,ગીરસોમનાથમાં મેઘરાજા ભુક્કા કાઢશે
આ રીતે રાજ્ય સરકાર દ્વારા દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવામાં આવે તો આ બાબતે આગળની કાર્યવાહી થઈ શકે. જેથી કેન્દ્રીય કાયદામંત્રી દ્વારા મળેલ જવાબ સંદર્ભે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને તારીખ 2/3/2023 ના રોજ વિગતવાર પત્ર લખેલ જેમાં નીચે પ્રમાણે કારણો જણાવેલ છે.
(1) સૌરાષ્ટ્રના 11 જિલ્લા પૈકી છેવાડાના જિલ્લા જેવા કે પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક અને તેની આજુબાજુના ગામોથી અમદાવાદ જવા માટે અંદાજે સાડા ચારસો કિલોમીટર અંતર કાપવું પડે છે. એ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાનું ઉના તાલુકાના છેલ્લા ગામોનું અંતર 450 કિલોમીટર થાય છે તે પ્રમાણે દેવભૂમિ દ્વારકાનો છેલ્લો તાલુકો ઓખાના દૂરના ગામડાઓ નું અંતર અંદાજે 500 કિલોમીટર થાય છે એ રીતે કચ્છના છેવાડાનો તાલુકો લખપતના ગામડાઓથી અમદાવાદનું અંદાજિત અંતર 500 કિલોમીટર થાય છે. જો રાજકોટને નવી હાઇકોર્ટ બેંચ મળે તો આ દૂરના જિલ્લાના છેવાડાના ગામના લોકોને અમદાવાદ જવાને બદલે રાજકોટ જવા માટે અંદાજિત 50% જેવું અંતર ઓછું થઈ જાય. સમયનો બચાવ થાય, આર્થિક રીતે ફાયદો થાય અને ઝડપી ન્યાય મળે.
આ પણ વાંચો : સોના પછી હવે ચાંદીમાં પણ હોલમાર્કિંગ ફરજિયાત : પહેલી સપ્ટેમ્બરથી શરુ થશે અમલ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો
(2) રાજકોટ શહેર ગુજરાતના બધા જિલ્લા સાથે રોડ રેલવે દ્વારા સંકળાયેલ છે જેથી આજુબાજુના જિલ્લાના લોકોને રાજકોટ શહેર આવવું વધુ સુગમ પડે છે.
(3) ગુજરાત હાઇકોર્ટમાં કુલ પેન્ડિંગ કેસો છે. તે પૈકી અંદાજિત 40% જેવા કેસો સૌરાષ્ટ્રના પેન્ડિંગ છે. જેથી રાજકોટને હાઇકોર્ટ બેન્ચ મળે તો અમદાવાદ ખાતે હાઇકોર્ટમા કેશોનું ભારણ ઓછું થઈ જાય.
(4) ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન તથા દૂરના રાજ્યો ઉત્તર પ્રદેશ અને કર્ણાટક વગેરે રાજ્યોમાં અલગ હાઇકોર્ટ બેંચ આપવામાં આવેલ છે તે પ્રમાણે રાજકોટને હાઇકોર્ટ બેંચ આપવાની ખાસ જરૂરિયાત છે.
(5) અગાઉ રાજકોટમાં 01/05/1960 પહેલા હાઇકોર્ટ બેન્ચ કાર્યરત હતી.
(6) રાજકોટ ખાતે જામનગર રોડ ઉપર નવી સેશન કોર્ટ શરૂ કરવામાં આવી છે તેમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ છે જેથી વિશેષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો પ્રશ્ન નથી. જો ફુલ બેંચ આપવામાં ન આવે તો 15 દિવસની લીંક કોર્ટ આપવા ભલામણ છે.
(7) અત્યારે સોશિયલ અને ટેકનોલોજીના યુગમાં લોકોને ઝડપી ન્યાય મળે તે માટે ઉપર જણાવેલ રજૂઆતના વિકલ્પે video કોન્ફરન્સ દ્વારા કેસ ચલાવીનેરાજકોટને હાઇકોર્ટ બેન્ચની સુવિધા આપવા માટે ભલામણ છે.
આ બાબતે ફરીવાર ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરેલ છે તેમજ રૂબરૂમાં પણ મૌખિક રજૂઆત કરેલ છે.આ બાબતે સરકારનો હકારાત્મક અભિગમ છે.
