ત્રણ મહિનાથી બંધ રાજકોટનો યાજ્ઞિક રોડ આખરે 15 ઓગસ્ટથી શરૂ થશે : ગણેશોત્સવ પહેલાં તમામકામ પૂર્ણ કરી લેવાશે
બે વર્ષ પહેલાં ગણેશોત્સવ દરમિયાન સર્વેશ્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પલેક્સનો સ્લેબ ધરાશાયી થઈ જતા 18થી વધુ લોકો સ્લેબ નીચેથી પસાર થતા નાલામાં ખાબક્યા હતા. આ પછી ચોકને બંધ કરી ત્યાં વોંકળો ડાયવર્ટ કરી નવુ બોક્સ કલ્વર્ટ બનાવવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામ દોઢ કરતા વધુ વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે ત્રણ મહિના પહેલાં એટલે કે એપ્રિલ મહિનામાં રામકૃષ્ણ ડેરીથી સરદારનગર મેઈન રોડ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકોએ લાં….બી પ્રદક્ષિણા કરવી પડતી હતી. હવે જન્માષ્ટમીનો તહેવાર એકદમ નજીક આવી ગયો હોવાથી આ રસ્તો ખોલવા માટે મહાપાલિકાએ કમર કસી લીધી છે અને 15 ઓગસ્ટ પૂર્વે જ યાજ્ઞિક રોડ શરૂ કરી દેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે 15 ઓગસ્ટથી બંધ પડેલો યાજ્ઞિક રોડ શરૂ કરી દેવામાં આવશે. જન્માષ્ટમીના તહેવારમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે તેમાં હજારોની સંખ્યામાં લોકો આ રસ્તા પરથી પસાર થતા હોવાનો મુદ્દો ધ્યાનમાં રાખી 15 ઓગસ્ટ અથવા તો તેના પહેલાં રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે. આ માટે રાત-દિવસ કામગીરી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

જ્યારે મેયર નયનાબેન પેઢડિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં વોંકળો ડાયવર્ટ કરવાનું કામ હજુ 20 દિવસ ચાલનાર છે ત્યારે 21 અથવા તો 22 ઓગસ્ટ સુધીમાં તે કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે. એકંદરે ગણેશોત્સવ પહેલાં સઘળું કામ પૂર્ણ કરવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે સર્વેશ્વર ચોકથી ડૉ.યાજ્ઞિક રોડને જોડતો હયાત વોંકળો ડાયવર્ટ કરી નવું બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી દોઢ કરતા વધુ વર્ષથી ચાલી રહયું છે.
આ પણ વાંચો : 71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

નવું બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીમાં હયાત વોંકળા પાસે નવું RCC બોક્સ કલ્વર્ટ 25 મીટર લંબામાં અને૯ મીટર પહોળું તેમજ ત્રણ મીટર ઉંડું હશે.આ ઉપરાંત રિટેઈનિંગ વોલ, વિંગ વોલ તેમજ ડ્રેનેજ શિફ્ટિંગનું કામ પણ અહીં ચાલી રહ્યું છે. આ કામ માટે મહાપાલિકા દ્વારા સાડા પાંચ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
