રાજકોટનું ‘રાજ’ કટ: રંગીલું શહેર મંત્રીવિહોણું, નવા મંત્રીમંડળમાં ત્રણ મહાનગરને જ ‘ભાવ’ મળ્યો
સરકારના નવા મંત્રીમંડળની રચના ઘણી મહેનત-મશ્ક્કત બાદ કરવામાં આવી છે અને તમામ 26 મંત્રીએ પોતપોતાના ખાતા પણ સંભાળી લીધા છે. નવા મંત્રીમંડળમાં સૌથી આશ્ચર્યજનક સાથે સાથે આંચકો આપનારી જો કોઈ વાત હોય તો તે ગુજરાતના ચાર મહાનગર પૈકી એક એવા રાજકોટમાંથી કોઈને મંત્રી ન બનાવવાની છે. આમ તો જ્યારથી મંત્રીમંડળ વિસ્તરણની વાત શરૂ થઈ ત્યારથી લઈ નામ જાહેર ન થયા ત્યાં સુધી રાજકોટને કશુંક મળશે તેવી વાત હતી પરંતુ આખરે તે ઠગારી નિવડી છે. નવા મંત્રીમંડળમાં અમદાવાદ, વડોદરા, સુરત જ બધુ લઈ ગયા છે તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ ન હોવી જોઈએ.
ગુજરાતમાં જ્યારે મહાનગરની વાત આવે ત્યારે વસતીની દૃષ્ટિએ અમદાવાદ, સુરત અને વડોદરા ઉપરાંત રાજકોટનું નામ લેવાય છે પરંતુ મંત્રીમંડળમાં રાજકોટ સિવાય ત્રણ મહાનગરને જ `ભાવ’ મળ્યો છે.
આ પણ વાંચો :સોનાનાં ભાવમાં બ્રેક લાગતા આજે ઘનતેરસે સોનાની ખરીદીનો ઝગમગાટ : એક દિવસમાં 25 ટન સોનાનું વેચાણ થશે તેવી ધારણા
શહેરવાઈઝ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમના પહેલાં જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદના જ હોય સરકારનું `પાવર સેન્ટર’ અમદાવાદ ગણાશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતની મજૂરા બેઠક પરથી ચૂંટાયેલા છે. જ્યારે પ્રફુલભાઈ પાનેસરિયા સુરતના કામરેજ બેઠક પરથી વિજેતા બન્યા હતા. જ્યારે મનિષાબેન વકીલ વડોદરા શહેરની બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. આ રીતે અમદાવાદને એક, સુરતને બે અને વડોદરાને એક મંત્રી મળ્યા છે જ્યારે રાજકોટનું નામું નખાઈ જવા પામ્યું છે.
આ પણ વાંચો :આજે એક કલાક સુધી રાજકોટના રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાથી બનશે ‘રંગીન’ : સાંજે 7 વાગ્યાથી આતશબાજી શરૂ થશે
હવે 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે તેમાં નવી સરકાર બન્યા બાદ રાજકોટને કંઈ મળશે કે નહીં તેની રાહ જોવી પડશે ત્યાં સુધી રંગીલું રાજકોટ `મંત્રીવિહોણું’ જ બની રહેશે.
