રાજકોટના ફઈ-ભત્રીજી અપહરણ કેસ : એકલી ‘લાપતા’ થઇ હોત તો ભાઈ પૈસા ન આપત એટલે 6 વર્ષની ભત્રીજીને ‘ઢાલ’ બનાવી !
રાજકોટના અલ્કાપુરી વિસ્તારમાંથી ગત 24 જૂલાઈએ 6 વર્ષની બાળકી સાથે ગાયબ થયેલી 44 વર્ષીય ફૈબાના પ્રકરણમાં પોલીસે લાંબી મથામણ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી કાવતરાખોર ફૈબાની ધરપકડ કરી લીધી હતી. બીજી બાજુ પોલીસના કબજામાં આવતા જ પૈસા માટે આખાયે ખેલની રચના કરનાર રિમા માખાણી નામની મહિલા ભાંગી પડી હતી અને પોતે કરેલા કૃત્ય અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન રડી પડેલી ફૈબાએ કાવતરા અંગે મોઢું ખોલતાં કહ્યું હતું કે જો તે એકલી લાપતા થઈ હોત મતલબ કે એકલીનું અપહરણ થયું છે તેવું નાટક’ કર્યું હોત તો ભાઈ પૈસા ન આપત એટલા માટે જ છ વર્ષની ભત્રીજી કે જે તેનાથી એકદમ નજીક હોય તેને ‘ઢાલ’ બનાવી હતી !

બીજી બાજુ છેક ઈન્દોર સુધી બાળકીને શા માટે લઈ જવાઈ ? તેવી પૂછપરછ કરવામાં આવતા રિમા માખાણીએ કહ્યું હતું કે છ વર્ષની બાળકી તેના પિતા રિયાઝ માખાણી, માતા સહિત ઘરમાં સૌને પ્રિય હોય તેના વગર એક દિવસ પણ રહી શકતા ન્હોતા એટલા માટે સૌથી પહેલાં વકીલ રાજવીરસિંહ ઝાલાની મદદથી ત્રણેય લોકો મોરબી ગયા હતા.
અહીંથી ભૂજ, પાટણ, સિદ્ધપુર, ડુંગરપુર એમ ગુજરાતમાં જ રોકાયા બાદ ત્યાંથી રાજસ્થાન ચાલ્યા ગયા હતા. અહીંથી રતલામ પહોંચ્યા બાદ ઈન્દોર ગયા હતા. એકંદરે પુત્રીથી પિતાનું અંતર વધે એટલે તેની ચિંતામાં પણ વધારો થઈ શકે એટલા માટે જ બાળકીને આટલી દૂર સુધી લઈ જવાઈ હતી.

જો કે જેટલા સ્થળે રોકાયા ત્યાં બાળકીને કોઈ જ પ્રકારની તકલીફ કે હાની પહોંચવા દીધી ન હોવાનું રટણ રિમા માખાણીએ કર્યું હતું. રિમાને પ્ર.નગર પોલીસે સકંજામાં લઈ લીધા બાદ એક ટીમ ઈન્દોર એડવોકેટ રાજવીરસિંહ ઝાલાનો કબજો લેવા માટે રવાના થઈ હોય આજે રાજવીરસિંહ રાજકોટ આવી ગયા બાદ તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ પર લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
એકંદરે રિમા અને એડવોકેટ રાજવીરસિંહને આમને-સામને બેસાડીને કરવામાં આવનારી પૂછપરછમાં પણ અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવી શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો : રાજકોટને હાઇકોર્ટની બેંચની માંગણી ઉપર મૌન…રાજકીય મુદ્દો નહીં પણ સર્વપક્ષીય મુદ્દો બને તો ફળદાયી પરિણામની આશા
ભાઈ પાસે એક કરોડથી વધુની ખંડણી માંગવાનું પ્લાનિંગ હતું
પોલીસ તપાસમાં એવી વિગત પણ સામે આવી છે કે બાળકીને ‘ઢાલ’ બનાવી મતલબ કે તેનું અપહરણ કરવામાં આવ્યાની વાત ભાઈને કરવામાં આવશે એટલે તે તુરંત જ પૈસા આપી દેશે. જેવી પૈસા આપવાની તૈયારી લાગે એટલે રિયાઝ માખાણી પાસે એક કરોડથી વધુની ખંડણી માંગવાનું પ્લાનિંગ રિમા માખાણીનું હતું. જો ખંડણી મળી ગઈ હોત તો પછી રિમા અને એડવોકેટ રાજવીરસિંહ વચ્ચે કેટલો ભાગ પડવાનો હતો તે અંગે પણ ટંક સમયમાં ખલાસો થશે
