રાજકોટના લાયન સફારી પાર્કનું ‘ખોખું’ માર્ચમાં તૈયાર થઈ જશે, સિંહદર્શન મે મહિનાથી થશે: પ્રદ્યુમન પાર્કમાંથી જ એક જોડી લવાશે

રાજકોટના ડ્રિમ પ્રોજેક્ટ એવા લાયન સફારી પાર્કનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં 44 કરોડના ખર્ચે 29 હેક્ટર જગ્યામાં તૈયાર થઈ રહેલા લાયન સફારી પાર્કનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થઈ જનાર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે જેના નામથી આ પાર્ક બનાવાયો છે તે લાયન એટલે કે સિંહના દર્શન માટે બે મહિના સુધી રાજકોટવાસીઓએ રાહ જોવી પડશે. એકંદરે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું 80% કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો ઈજનેરી સૂત્રોએ કર્યો હતો.

આ પાર્કનું કામ સાત તબકકામાં શરૂ કરવામાં આવ્યું હતું જે પૈકી પાંચ તબક્કા જેમાં કમ્પાઉન્ડ વોલ, ફેન્સીંગ સહિતના કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. જ્યારે હવે બાકીના બે તબક્કા જેમાં સિંહ-સિંહણના `આરામ’ માટે બનાવાઈ રહેલા નાઈટ શેલ્ટરનું કામ એક મહિનાની અંદર એટલે કે ડિસેમ્બરના અંત સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. જ્યારે છેલ્લા તબક્કામાં એન્ટ્રન્સ પ્લાઝા સહિતનું કામ ત્રણ મહિના સુધી મતલબ કે માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આમ તો આ કામની અંતિમ મુદત જૂલાઈ-2026 છે પરંતુ મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોય તેની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં જ પાર્કનું લોકાર્પણ કરવાના ઈરાદા સાથે કામ ચાલી રહ્યું છે. સંભવતઃ માર્ચ મહિના પહેલાં આચારસંહિતા લાગુ પડે તેવી શક્યતા ન હોવાથી તેનો લાભ લઈ આ પાર્ક લોકોની સુવિધા માટે ખુલ્લો મુકવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ પણ વાંચો :બેન્ક કોઈ પણ હોય, 1 લાખ સુધીની બચત ઉપર વ્યાજ સરખુ! RBIએ તમામ કોમર્શીયલ બેન્કો માટે લાગુ કર્યા નવા નિયમો
જો કે પાર્ક તૈયાર થઈ ગયા બાદ તાત્કાલિક સિંહને અહીં રાખવા શક્ય નથી કેમ કે માર્ચમાં કામ પૂર્ણ થયા બાદ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતેથી સિંહ અને સિંહણની એક જોડીને લાયન સફારી પાર્કમાં લાવવામાં આવશે. અહીં બે મહિના સુધી તેને વાતાવરણ માફક આવે તેની રાહ જોયા બાદ જ લોકો તેને ખુલ્લામાં વિહરતા નિહાળી શકશે. હાલ પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સિંહ-સિંહણ એમ પાંચની વસતી છે જેમાંથી એક જોડીને સફારી પાર્કમાં લાવવામાં આવશે. એકંદરે મે મહિનો કે જે વેકેશનનો સમય હોવાથી એ સમયે લોકો સાસણ, દેવળિયા પાર્કની જેમ રાજકોટમાં જ સિંહ-સિંહણને ખુલ્લામાં ફરતા જોઈ શકશે.

