રાજકોટના લાખાજીરાજ રોડની બજાર ‘ફેરિયામુક્ત’ થશેઃ આજથી દબાણહટાવ કામગીરી શરૂ,3 વર્ષ બાદ વેપારીઓને સમસ્યાથી મુક્તિ મળશે
રાજકોટમાં લાખાજીરાજ રોડ સહિતની બજારોમાં પાથરણાઓનાં ત્રાસનાં લીધે બજારનાં વેપારીઓએ ગુરુવારે ઘરણાં અને અર્ધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવાની જાહેરાત કરી હતી, વેપારીઓની રજૂઆતને આંદોલન પહેલા મ્યુનિસિપલ કમિશનર સુમેરાએ સાંભળીને હવે આ ત્રાસમાંથી તેમને મુક્તિ મળશે અને વેપારીઓ શાંતિપૂર્વક વેપાર કરી શકશે તેવી ખાતરી આપતા વેપારીઓએ આંદોલન પરત ખેચ્યું છે.

રાજકોટની અલગ અલગ બજારના વેપારી એસોસિએશનના સભ્યોએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલારા, મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની હાજરીમાં આ પ્રશ્ન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે પણ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : આજે શીતળા સાતમથી શ્રાવણનાં તહેવારોનો પ્રારંભ : મહિલાઓએ શીતળા માતાજીના મંદિરે શ્રીફળ-ચૂંદડી ચડાવી કરી પૂજા
રાજકોટ હોલસેલ મર્ચન્ટ એસોસિએશનનાં પ્રમુખ હિતેશ અનડકટ અને હોદ્દેદારોએ જણાવ્યું હતું કે ફરી એક વખત અધિકારીઓ પર અમે વિશ્વાસ રાખીને આંદોલન પરત ખેંચ્યું છે.જો આગામી દિવસોમાં પાથરણાવાળાનો ત્રાસ શરૂ થશે તો અમે આગળની લડત માટેની રણનીતિ ઘડીશું. છેલ્લા 3 વર્ષથી વેપારીઓ વેપાર કરી શકતા નથી, જ્યારે તહેવારો આવે ત્યારે આ પાથરણાવાળા દુકાન આગળ જ અડિંગો જમાવી દે છે.

જેના કારણે ખરીદી કરવા આવતાં લોકો દુકાન કે શો રૂમ સુધી પહોંચી શકતાં નથી. અનેક વખત તો ગુંડાગિરી કરતાં હોવાના તો ચોરી જેવી ઘટનાઓ પણ બની હતી. હાલમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી છે કે વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે અને આજથી દબાણ હટાવ શાખા દ્વારા કોઈપણ ફેરિયાઓને રોડ પર બેસવા દેવામાં આવશે નહીં. આ માટે મહિલા પોલીસ સ્ટાફ પણ મુકાશે.
આ પણ વાંચો : કાશ્મીર ટુરિઝમને વેગ આપવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આજે અમદાવાદમાં: રાજયનાં ટ્રાવેલ ઓપરેટરોને મળશે
રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપ્યા બાદ લાખાજીરાજ રોડ એસોસિએશનના વેપારીઓએ આજે બજાર બંધનું એલાન આપ્યું હતું તે પરત ખેંચ્યું છે અને 15 દિવસનું અલ્ટીમેટમ તંત્રને આપ્યું છે જો આગામી 15 દિવસમાં તંત્ર ચોક્કસ કાર્યવાહી નહિ કરે તો વેપારીઓ ફરીથી આંદોલન કરશે તેવું પ્રમુખ હિતેશ અનડકટે જણાવ્યું હતું. આ રજૂઆત વખતે વેપારી મંડળના મહેશભાઈ મહેતા, જયેશભાઈ ધામેચા સહીત 20 જેટલા વેપારી અગ્રણીઓ હાજર રહ્યા હતા.