રાજકોટની કટારિયા ચોકડી બંધ: 4 મહિના સુધી ચાલશે આઈકોનિક બ્રિજનું કામ, વાહનો માટે ‘ફોગટફેરા’ શરૂ,3 ડાયવર્ઝન રૂટ અપાયા
રાજકોટની કટારિયા ચોકડી ખાતે મહાપાલિકા દ્વારા આઈકોનિક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જેનું ખાતમુહૂર્ત 26 માર્ચે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આઠ મહિના સુધી અહીં પરચુરણ કામ જ ચાલ્યા બાદ હવે મુળ કામ શરૂ થતાં જ ચોક બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહનચાલકો માટે ત્રણ ડાયવર્ઝન રૂટ શરૂ કરવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા ગોંડલ રોડ તેમજ જામનગર રોડ તરફના માર્ગોમાં વાહન માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ અમલમાં મુકવામાં આવ્યો હતો.
કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે બન્ને દિશાના વાહનો માટે ડાયવર્ઝન રૂટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તે મુજબ વાહનોને વૈકલ્પિક માર્ગ પર પસાર થવાની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે કાલાવડ રોડથી મેટોડા જતો માર્ગ હાલ પૂરતો ચાલુ રાખવામાં આવ્યો છે જેથી તે દિશામાં આવતા-જતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે.
મહાપાલિકા દ્વારા જણાવાયા પ્રમાણે 150 ફૂટ રિંગરોડ-2, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા માટે એકવાકોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલ ત્યાંથી કાલાવડ રોડ થઈ કોસ્મોપ્લોક્સ સિનેમા પહેલાં સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્સ સિનેમા થઈ 150 ફૂટ રિંગરોડ-2 ઉપર આવી શકાશે.
આ જ રીતે જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જવા માટે 150 ફૂટ રિંગરોડ-2 થઈ એલેક્ઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ થઈ કોરાટવાડી મેઈન રોડ અને ત્યાંથી ધ વાઈબ રોડ થઈને 150 ફૂટ રિંગરોડ-2 ઉપર જઈ શકાશે. જ્યારે જામનગર રોડથી કાલાવડ રોડ થઈ 150 ફૂટ રિંગરોડ-2, ગોંડલ રોડ તરફ જવા માટે 150 ફૂટ રિંગરોડ-2થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તે થઈ કાલાવડ રોડ-કણકોટ ચોકડીથી વીર-વીરુ તળાવ 24 મીટરવાળા રસ્તે થઈ 150 ફૂટ રિંગરોડ-2 જઈ શકાશે.
