રાજકોટનું હીરાસર એરપોર્ટ નવા પાયલોટ માટે આશીર્વાદ સમાન: દરરોજ 5 થી 7 ટ્રેનિંગ ફલાઈટની પ્રેક્ટિસ
રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટએ નવા પાયલોટ માટે દિશા ખોલી છે.એર ટ્રાવેલ પોઇન્ટની સાથે નવા પાયલોટસ માટે હબ બની રહ્યું છે,આજે 24 કલાક એરપોર્ટ ચાલુ રહેતાં દરરોજ 5 થી 7 ટ્રેનિંગ ફલાઇટ રાજકોટ એરપોર્ટ પર ટ્રેનિંગ લે છે.અત્યારે મહેસાણા, અમરેલી અને ભાવનગરની ફ્લાઈંગ એકેડેમીએ એપ્રોચ કરીને હીરાસર એરપોર્ટ પર નવા પાયલોટને તાલીમ આપવાનું શરૂ કરતાં ભવિષ્યમાં હીરાસર એરપોર્ટમાં પાયલોટ તાલીમ એકેડમી શરૂ થાય તેવા ઉજળા સંજોગો બની રહ્યા છે.

ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટની ટેક્નિકલ સુવિધાઓ અને 24×7 કામગીરીને કારણે પાયલોટસ માટે આ એરપોર્ટ પ્રથમ પસંદગીમાં આવી રહ્યું છે.ટેક્નિકલ વિશેષતાઓ સાથે તાલીમ માટે પરિપૂર્ણ માળખું જેમ કે 3040 મીટરનો લાંબો અને આધુનિક સગવડ સાથેનો રન વે, નવી ટેક્નિકથી સજ્જ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ(ILS),ઇમરજન્સી બ્રેકીંગ,ડીચેંગ પ્રેક્ટિસ તેમજ નાઈટ લેન્ડિંગની સગવડ હોવાને કારણે તાલીમ માટે અનુકૂળ રહે છે.

આ વિશે મળતી વિગતો મુજબ મહેસાણાથી ગુજરાત ફ્લાઈંગ કલબ, અમરેલીથી વિઝન ફ્લાઈંગ ઇન્સ્ટિટયૂટ,ભાવનગરનું ડ્યુન્સ એર એકેડમીનાં તાલીમી પ્લેન રાજકોટનાં એરપોર્ટ અને નેવિગેશન રૂટ પર ટ્રેનિંગ લે છે.આ ઉપરાંત ભુજ અને જામનગર એરફોર્સથી પણ અનેક વખત પ્રેક્ટિસ માટે એર ક્રાફ્ટ આવતા હોય છે. રાજકોટ એરપોર્ટ પરથી ડેઇલી 11 ફલાઈટની ઉડાન હોય છે જેમાં ક્યારેક એકાદ બે ફલાઇટ કેન્સલ થતાં 9 થી 10 ફલાઇટ ઉડાન ભરે છે.

હમણાં સવારની એરઇન્ડિયાની મુંબઈ ફલાઇટ બંધ છે એટલે સવારે આ તાલીમી ફલાઈટનો અભ્યાસ ચાલુ હોય છે આ ઉપરાંત સવારે 10.30 થી 12.30 અને ત્યારબાદ બપોરે 3 થી 4 વચ્ચે આ ટ્રેનિંગ પ્લેન આવે છે.ટીમનાં જણાવ્યા મુજબ ખાસ કરીને અહીં લેન્ડિંગ અને ટેકઓફની તાલીમ સાથે એરપોર્ટ ગ્રાઉન્ડ બેઇઝ નેવિગેશન અને લેન્ડિંગ ઇકવિપમેન્ટ વિશે નિરીક્ષણ સાથે અભ્યાસ કરે છે.આ ટ્રેનિંગ માટે એરપોર્ટ ઓથોરિટીને એક ફલાઇટનાં રૂ.600 થી 800 ભાડું ચૂકવે છે.

ટ્રેનિંગ માટે હીરાસર એરપોર્ટની કેમ પસંદગી..?
લાંબું અને આધુનિક રનવે (3040 મીટર): લાંબુ રનવે નવીન પાયલોટ્સને નાઇટ લૅન્ડિંગ, ઈમર્જન્સી બ્રેકિંગ અને ડિચેંગ પ્રેક્ટિસ માટે અનુકૂળ બની રહ્યું છે.
એવિએશન ગ્રેડ નાઇટ લાઇટિંગ સિસ્ટમ (CAT-I ILS):
અદ્યતન ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) નું માળખું નવાં પાયલોટ્સને પણ પ્રતિકૂળ વાતાવરણમાં લેન્ડિંગની તાલીમ માટે મદદરૂપ છે.
ન્યૂનતમ એર ટ્રાફિક:
હીરાસર એરપોર્ટમાં હાલમાં કોમર્શિયલ ફ્લાઈટ ઓપરેશન ઓછું છે, જેના લીધે તાલીમી વિમાનો માટે સ્પેસમળે છે. ફ્રી રનવે અને ઓપન એર સ્પેસ પાયલોટને જરૂર મુજબ સતત પ્રેક્ટિસ માટે સમય આપે છે.
આ પણ વાંચો : ટ્રમ્પે 69 દેશો પર નવા ટેરિફ કર્યા જાહેર : બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા, જાણો કયા દેશે કેટલો ટેરિફ ચૂકવવો પડશે?
ટેક્નિકલ મેન્ટેનન્સ એપરોન:
વિમાનોના ટાઈમલી મેન્ટેનન્સ માટે ઓપન સ્ટેન્ડ સાથે એપરોન સ્પેસ ઉપલબ્ધ છે, જે ટ્રેનિંગ એકેડમી માટે આવશ્યક છે.
ફાયર એન્ડ સેફ્ટી સિસ્ટમ:
AAI દ્વારા તૈયાર કરાયેલ ફાયર રિસ્પોન્સ યુનિટ 2 મિનિટમાં રનવે સુધી પહોંચી શકે તેવી છે, તાલીમ દરમિયાન ઈમર્જન્સી રિસ્પોન્સ શીખવા માટે ઉત્તમ માળખું.
આ પણ વાંચો : ભારત પર અમેરિકી ટેરીફ લાગુ ન થયા : એક અઠવાડિયાની મુદ્દત, ભારત સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખતું ટ્રમ્પ તંત્ર
જો ટ્રેનિંગ એકેડમી બને તો…?
જો પાયલોટ ટ્રેનિંગ એકેડમી હીરાસર ખાતે સ્થાપાય, તો ગુજરાતના યુવાઓ માટે નવીન કારકિર્દી સર્જાશે.
-કેન્દ્ર સરકારના વિઝન મુજબ વર્ષ 2030 સુધીમાં ભારતને એવિએશન ટ્રેનિંગ હબ બનાવવાની યોજના છે – હીરાસર એમાં મહત્વનું યોગદાન આપી શકે છે.
-આગામી સમયમાં અહીં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પણ ઉમેરાશે,કાર્ગો ફલાઇટ પણ ઉડાન ભરશે જે વધુ પાયલોટસ અને ટ્રેનિંગ ફ્રીક્વન્સી લાવશે.