રાજકોટનું હીરાસર એરપોર્ટ બન્યું સૌરાષ્ટ્રનું એવિએશન હબ : 2025માં 7190 ફ્લાઈટ ઓપરેશન, પેસેન્જર ટ્રાફિકમાં ઐતિહાસિક વધારો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર વર્ષ 2025 દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. એક જ વર્ષમાં કુલ 11,63,094 (લગભગ 11.63 લાખ) મુસાફરોએ હીરાસર એરપોર્ટ પરથી આવન-જાવન કરતાં રેકોર્ડબ્રેક આંકડો નોંધાયો છે. સાથે સાથે વર્ષ દરમિયાન કુલ 7190 ડોમેસ્ટિક ફ્લાઈટ ઓપરેશન થયા હતા.
જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન હીરાસર એરપોર્ટ પર 3595 ફ્લાઈટનું આગમન અને 3595 ફ્લાઈટનું પ્રસ્થાન થયું હતું. હાલ ભલે ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા શરૂ થઈ નથી, છતાં ડોમેસ્ટિક ફ્લાઈટની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે રાજકોટના ઉડાન ક્ષેત્રે વધતી માંગને દર્શાવે છે.
આ પણ વાંચો :વર્ષ-2026માં દર્શકોને મળશે સસ્પેન્સ-થ્રિલરનો બૂસ્ટર ડોઝ! ધુરંધર-2- બોર્ડર-2 થી લઈને આ ધમાકેદાર ફિલ્મો થશે રીલીઝ
હાલ રાજકોટથી દિલ્હી, મુંબઈ, ગોવા, હૈદરાબાદ અને બેંગ્લોર માટે દૈનિક ફ્લાઈટ સેવાઓ ઉપલબ્ધ છે. નિયમિત રીતે દરરોજ 11થી 13 ફ્લાઈટ ઓપરેશન ચાલી રહ્યા છે. વર્ષ દરમિયાન મે મહિનામાં ઓપરેશન સિંદુરના સમયગાળામાં આશરે એક સપ્તાહ માટે કેટલીક ફ્લાઈટ રદ કરવામાં આવી હતી, તેમ છતાં સમગ્ર વર્ષનો ટ્રાફિક પ્રભાવિત થયો નથી. એક વર્ષમાં 11 લાખથી વધુ પેસેન્જરોની અવરજવર સાથે હીરાસર એરપોર્ટ હવે સૌરાષ્ટ્રનું મહત્વપૂર્ણ એવિએશન હબ બની રહ્યું છે. વધતી ફ્લાઈટ સંખ્યા અને મુસાફરોની વધતી માંગને જોતા આગામી સમયમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવાઓ શરૂ થવાની સંભાવના પણ મજબૂત બની છે.
