રાહુલ દ્રવિડના પુત્ર સાથે રમશે: ૨૧ સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે અને ૩૦ સપ્ટેમ્બરથી ચાર દિવસીય મેચ રમાશે
બીસીસીઆઈએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મલ્ટી ફોર્મેટ શ્રેણીના કાર્યક્રમની સાથે ભારતીય અન્ડર-૧૯ ટીમનું એલાન કરી દીધું છે જેમાં રાજકોટના ક્રિકેટર હરવંશસિંહ પંગાલિયાની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં રાહુલ દ્રવિડના પુત્ર સમિત દ્રવિડની પણ પસંદગી થઈ છે. સમિતને વન-ડે અને ચાર દિવસીય મેચ એમ બન્ને ટીમમાં પસંદ કરાયો છે જ્યારે હરવંશની પણ આ જ રીતે પસંદગી કરવામાં આવી છે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે અન્ડર-૧૯ શ્રેણીની શરૂઆત ૨૧ સપ્ટેમ્બરથી થશે. બન્ને વચ્ચે ત્રણ વન-ડે અને બે ચાર દિવસીય મુકાબલા રમાશે.
રાજકોટનો હરવંશસિંહ પંગાલિયા સૌરાષ્ટ્ર ટીમ વતી રમે છે અને વિકેટકિપરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત ટીમમાં ઉત્તરપ્રદેશના મીડલ ઑર્ડર બેટર મોહમ્મદ અમાનને ૫૦ ઓવરની ટીમનો કેપ્ટન બનાવાયો છે જ્યારે મધ્યપ્રદેશના સોહન પટવર્ધનને ચાર દિવસીય મેચ માટે ટીમની કમાન સોંપવામાં આવી છે.બન્ને ટીમ વચ્ચે ૨૧, ૨૩ અને ૨૬ સપ્ટેમ્બરે પુડ્ડુચેરીમાં વન-ડે મેચ રમાશે. આ પછી ૩૦ સપ્ટેમ્બર અને ૭ ઑક્ટોબરે ચેન્નાઈમાં ચાર દિવસીય મેચ રમાશે.