વાવડીમાં બનશે રાજકોટનો પહેલો ‘સ્પોન્જ પાર્ક’: તાપમાનને ‘કાબૂ’માં રાખી શકાશે, ચોખ્ખી હવા પ્રાપ્ત થઈ શકશે,જાણો સ્પોન્જ પાર્કમાં બીજુ શું શું હશે?
રાજકોટમાં દર વર્ષે ચોમાસામાં વરસાદનું કરોડો લીટર પાણી વોંકળા મારફતે વહીને વેડફાઈ જાય છે. મહાપાલિકા દ્વારા સ્ટોર્મ વોટર ડ્રેઈન સહિતના મારફતે આ પાણી જમીનમાં ઉતરે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે પરંતુ તેમાં જોઈએ તેવી સફળતા હજુ સાંપડી નથી. જો કે હવે વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને શહેરના તાપમાનને કાબૂમાં રાખવા માટે નવર પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવ્યો છે. આગામી સમયમાં શહેરના વાવડી વિસ્તારમાં તપન હાઈટસની બાજુમાં મહાપાલિકા દ્વારા `સ્પોન્જ પાર્ક’નું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટેનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે. આ પાર્ક 28,000 ચોરસમીટર જગ્યામાં 27 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.
આ અંગે વેસ્ટ ઝોનના સિટી ઈજનેર કુંતેશ મહેતાના જણાવ્યા પ્રમાણે લોકોને લગભગ દરેક પ્રકારની સુવિધા ધરાવતો એક પાર્ક મળી રહે અને જ્યાં પાર્ક હોય ત્યાં આજુબાજુના વિસ્તારમાં બોરના તળ ઉંચા આવી શકે તે માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્પોન્જ પાર્કમાં અલગ-અલગ વિભાગ પાડવામાં આવશે જેમાં બાળકો માટે પ્લે ગાર્ડન ઉપરાંત લોકો કસરત કરી શકે, સીનિયર સિટીઝન્સ વોકિંગ કરી શકે તેવી સુવિધા તો અપાશે જ સાથે સાથે અહીં ઓર્ગેનિક ખેતી પણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. ખાસ કરીને મવડી અને વાવડી સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં લાઈન બીછાવીને તે લાઈનને પાર્ક સુધી લંબાવી દેવાશે જેથી ભરાયેલું પાણી જે તે સ્થળ ઉપર પડ્યું ન રહે અને સીધું પાર્કમાં આવીને જમીનમાં ઉતરી જાય.
આ પણ વાંચો :રાજકોટમાં ફરી જામશે ક્રિકેટ ફીવર : ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચની ટિકિટનું આ તારીખથી થશે વેચાણ,ભાવ સાંભળીને હોશ ઊડી જશે
આ પાર્ક જ્યાં નિર્માણ પામે તે વિસ્તારના તાપમાનમાં પણ અમુક ડિગ્રીનો ઘટાડો લાવી શકાય છે અને વરસાદી પાણીનો વેડફાટ પણ અટકાવી શકાય છે. આ જ કારણથી તંત્ર દ્વારા આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે જેમાં એજન્સી આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરવામાં આવશે. મહદ અંશે ચોમાસા સુધીમાં પહેલો પાર્ક તૈયાર કરી લેવાનો લક્ષ્યાંક છે. અહીં સફળતા મળ્યા બાદ અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે પાર્ક બનાવવામાં આવશે.
સ્પોન્જ પાર્કમાં શું શું હશે ?
- યોગા ગાર્ડન
- કાફેટેરિયા
- બાળકો માટેનું ગ્રાઉન્ડ
- ઝાડીઝાખરા વચ્ચે ભૂલભૂલામણી
- ખાસ કુંડ
- નાની તલાવડી કે જેના કાંઠે બેસી શકાશે
- ડેક એન્ડ ધ વોક-વે
- ઘાટ એન્ડ ધ વોક-વે
- સેન્સરી ગાર્ડન
ચીન, જર્મનીએ આ પ્રકારના પાર્કથી તાપમાન ઘણું ઘટાડ્યું
આ પ્રોજેક્ટમાં અન્ય દેશો દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્પોન્જ પાર્કથી શું શું ફાયદો થયો તેનો અભ્યાસ પણ સામેલ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ચીન, જર્મની સહિતના દેશોએ આ પ્રકારે સ્પોન્જ પાર્ક તૈયાર કરીને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે સાથે સાથે આ પ્રકારના પાર્કથી લોકોને પણ ગાર્ડન સહિતની સુવિધા અપાઈ રહી છે.
