મૈત્રી કરાર હેઠળ ઘર છોડી ગયેલી રાજકોટની મહિલાનું પરિવાર સાથે પુન : મિલન, સખી વન સ્ટોપ સેન્ટરની ઉમદા કામગીરી
અનેક મહિલાઓના જીવનમાં સ્નેહ અને ખુશીઓની સુવાસ ફેલાવવા માટે રાજકોટ “સખી વન સ્ટોપ” સેન્ટર ઉમદા કામગીરી કરી રહી છે, ત્યારે ફરી એકવાર રાજકોટમાં રહેતા એક દંપતીના જીવનમાં ખુશીઓનું પુનરાગમન કરાવવામાં રાજકોટનાં સખી વન સ્ટોપ સેન્ટરે મહત્વની ભૂમિકા ભજવી છે.
વાત જાણે એમ છે કે, રાજકોટનાં એક દંપતિએ 10 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરીને પોતાનો ઘર સંસાર શરૂ કર્યો હતો. લગ્નની શરૂઆતના વર્ષોમાં પતિ તરફથી હુંફ અને સમય મળતો હતો, પરંતુ સમય જતાં પતિ તરફથી હૂંફ અને પ્રેમ ન મળતા મહિલા અરજદાર એકલતા અનુભવી રહ્યા હતા. દંપતીને બે બાળકો છે પરંતુ ટ્રાન્સપોર્ટના વ્યવસાયના કારણે પતિ ઘર – પરિવારમાં ઓછું ધ્યાન આપતા તેમજ ધીમે ધીમે તેઓ માનસિક ત્રાસ પણ આપવા લાગ્યા હતા તેમ મહિલા અરજદારે જણાવ્યું હતું.
પતિ સાથેના મનભેદના કારણે મહિલાને પુખ્ત વયના પુરુષ સાથે મિત્રતા બંધાઈ હતી અને એક મહિના પહેલા મૈત્રી કરાર કર્યા હતા. આ વાતની જાણ મહિલા અરજદારના પતિને થતાં બંને વચ્ચે ઝગડો થયો હતો અને મહિલા ઘર છોડીને પુરુષ મિત્ર સાથે રહેવા જતી રહી હતી. પરંતુ મહિલાને પોતાના સંતાનો અને પતિની યાદ આવતા અને પોતાની ભૂલ સમજાતાં ઘર પરત ફરવું હતું.
આ સ્થિતિમાં પરિવારને એક કરવા માટે સખી વન સ્ટોપ સેન્ટરના સ્થાનિક અધિકારીઓએ કાયદાકીય સહાય અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે મહિલા અરજદારના માતા અને પતિની રૂબરૂ હાજરીમાં સમજાવીને લાગણીસભર મિલન કરાવ્યું હતું. તેમજ મહિલા અરજદારે પણ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી હતી. આમ, સખી વન સ્ટોપ સેન્ટરના કારણે 10 વર્ષના દાંપત્ય જીવનમાં ફરી ખુશીઓનું પુનરાગમન થયું હતું.