આજથી ‘દિવાળી કાર્નિવલ’ના રંગે રંગાશે રાજકોટ : 5 દિવસ શહેરીજનોને ‘જલ્સો’ કરાવશે મનપા,રેસકોર્સ રિંગરોડને નવોઢા જેવો શણગાર
આજથી દિવાળી પર્વનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ `દિવાળી કાર્નિવલ’નું જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. આજે બુધવારે તા.16 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન રેસકોર્સ રિંગરોડ ઉપર `સ્વચ્છ-હરિયાળુ-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ’ યોજાશે. આજે સાંજે 5ઃ30 વાગ્યાથી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એકંદરે પાંચ દિવસના આ કાર્યક્રમ પાછળ મહાપાલિકા દ્વારા 73.52 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે.

દિવાળી કાર્નિવલ અંતર્ગત રેસકોર્સ રિંગરોડને નવોઢા જેવો શણગાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને કિસાનપરા ચોક પાસે જોતાં જ ખુશ થઈ જવાય તેવો આકર્ષક એન્ટ્રી ગેઈટ ઉભો કરવામાં આવ્યો છે તો રેસકોર્સ રિંગરોડ ફરતે `એક જુઓ અને એક ભૂલો’ પ્રકારે લાઈટિંગની રોશનીનો ઝળહળાટ કરવામાં આવ્યો છે. આજે સાંસદ રામભાઈ મોકરિયાના હસ્તે દિવાળી કાર્નિવલનો પ્રારંભ કરાયા બાદ આવતીકાલે શુક્રવારે બપોરે 4 વાગ્યાથી રેસકોર્સ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધા યોજાશે. આ પછી શનિવારને ધનતેરસ નિમિત્તે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં એક-એકથી ચડિયાતા ફટાકડાની આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :PM મોદીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારને શોધવા રાજકોટ પોલીસ ધંધે લાગી : રાત્રિના સમયે કારસ્તાન કરાયાનું આવ્યું સામે

આ પાંચ દિવસ દરમિયાન આકર્ષક થીમ બેઈઝ લાઈટિંગ, ડી.જે.નું મ્યુઝિક, રંગોળી સ્પર્ધા, લેસર-શો સહિતના કાર્યક્રમ પણ યોજાશે. આ દિવાળી કાર્નિવલનો ભરપૂર લાભ લેવા માટે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતનાએ અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો :ફરી પહેલગામ જેવા હુમલાના કાવતરાની શંકા! સૈન્ય કમાન્ડર મનોજ કુમારે કહ્યું, હવે ભારતનો હુમલો અત્યંત ઘાતક હશે

રંગોળી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાને પાંચ હજારનું ઈનામ
રંગોળી સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાને પાંચ-પાંચ હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવશે જ્યારે વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ 11 વિજેતાને 5000 તો 51 રંગોળીના કલાકારોને એક હજારનું આશ્વાસન ઈનામ અપાશે. ત્રણ ભાગ્યશાળી વિજેતાને પાંચ હજારની ફટાકડા ગિફ્ટ તરીકે અપાશે. વ્યક્તિગત રંગોળી માટે મો.9228090895 ઉપર તેમજ ગ્રુપ રંગોળી માટે મો.9624025808 ઉપર વોટસએપ મેસેજ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન માટે પૂરું નામ, શહેરનું નામ અને ઉમર લખવી ફરજિયાત છે. ગ્રુપ રંગોળીમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકે પોતે કરેલી બેસ્ટ પાંચ રંગોળીના સેમ્પલ મોકલવાના રહેશે.
