કોમ્યુનિટી હોલમાં ફાયર સેફટી ફટાફટ ફિટ કરો : જિલ્લા ફરિયાદ સંકલન બેઠકમાં ધારાસભ્ય અને સાંસદોએ પ્રજાના મહત્વના પ્રશ્નો ગજાવ્યાં
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં રાજકોટના ધારાસભ્યો અને સાંસદોએ લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઉઠાવી વહીવટીતંત્રને એક્શન મોડમાં લાવવા પ્રયાસ કર્યો હતો જેમાં ધારાસભ્ય રમેશ ટીલાળાએ લગ્નસરાની સીઝનમાં હજુ પણ ફાયર સેફટીના વાંકે લોકોને કોમ્યુનિટી હોલ મળતા ન હોય પ્રશ્ન ઉઠાવી ફટાફટ ફાયર સેફ્ટિનો પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું તો ધારાસભ્ય દર્શિતાબેન શાહે ટ્રાફિક સમસ્યાથી ઘેરાયેલામાં જન્માષ્ટમીએ યોજાતા લોકમેળાને શહેર બહાર ખસેડવા માંગણી ઉઠાવી હતી.
રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પદાધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. આ તકે જિલ્લા કલેકટરે સરકારના ખેલ મહાકુંભ, ટીબી નિર્મૂલન, જળ સંચય અભિયાન, રેશનકાર્ડનું ઈ- કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરી હતી. અને ગ્રામ્ય – તાલુકા કક્ષાએ સોશિયલ મીડિયા હેંન્ડલર્સને સક્રિય કરવા સૂચના આપી હતી.
બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા, પુરવઠા અધિકારી, નાયબ વન સંરક્ષક તુષાર પટેલ, ડીઆરડીએ નિયામક એ .કે. વસ્તાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, પ્રાંત અધિકારીઓ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિરાસર એરપોર્ટ અંગે સવાલો ઉઠાવતા સાંસદ રામભાઈ મોકરિયા
સાંસદ રામભાઈ મોકરિયાએ નવા એરપોર્ટ હિરાસર ખાતે ઇમિગ્રેશન અને કસ્ટમ ડિપાર્ટમેન્ટ સહિતની સુવિધાઓ, જનાના હોસ્પિટલમાં પાર્કિંગ અને જાહેર શૌચાલય, નેશનલ હાઇવે પરના બ્રિજ અંગેની કામગીરી, શહેરના મુખ્ય વિસ્તારો અને ખાનગી પ્લોટમાં સ્વચ્છતા જાળવવા બાબતે યોગ્ય નિરાકરણ આવે તે માટે રજૂઆત કરી હતી.
લોકમેળાને શહેરની બહાર લઈ જાવ : ધારાસભ્ય દર્શિતા શાહ
ધારાસભ્ય દર્શિતાબેન શાહે રાજકોટ ખાતેના અટલ સરોવર અને ઇશ્વરીયા પાર્ક ખાતે બોટિંગ પ્રક્રિયા શરૂ કરવા, એઇમ્સ ખાતે બસ સ્ટોપની સુવિધા, જર્જરિત ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ, નવી પદ્મ કુંવરબા હોસ્પિટલમાં પાર્કિંગ વ્યવસ્થાઓ, વન કવચ મોડલ બનાવવા, જ્યુબીલી બાગથી રાષ્ટ્રીય શાળા સુધીના વિસ્તારમાં હેરિટેજ સર્કિટ બનાવવા, જ્યુબીલી ગાર્ડનને વિકસાવવા અને બાગમાં રહેલા બેન્ડ સ્ટેન્ડને રીનોવેટ કરવા તેમજ રેસકોર્ષ ખાતે યોજાતા લોકમેળાનું સ્થળ બદલાવવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી
કોમ્યુનિટી હોલમાં ફાયરસેફટીની કામગીરી ઝડપથી કરો : ધારાસભ્ય ટીલાળા
સંકલન અને ફરિયાદની બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સ્માર્ટ મીટર વીજ બિલ માટે પેમેન્ટની કામગીરી અંગેના પ્રશ્નો ઉઠાવવાની સાથે માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીના રસ્તાઓ પહોળા કરવા તેમજ ઢેબર રોડથી અટીકા સુધીના રસ્તાઓ પરની ટ્રાફિક સમસ્યા દૂર કરવા તંત્રને પગલાં ભરવા જણાવવાની સાથે રાજકોટના તમામ કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની કામગીરી ઝડપથી પૂર્ણ કરી ખુલ્લા મૂકવા અંગે રજૂઆત કરી હતી.