૧૦ દિવસીય ગણેશોત્સવમાં ગણેશ પૂજન સાથે પર્યાવરણના જતનનો ખ્યાલ રખાયો: લોકો દ્વારા ભાવપૂર્વક પૂજન
રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા રેસીડેન્સીના પટાંગણમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને રોજેરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દસ દિવસના ઉત્સવ દરમિયાન દરરોજ સવાર-સાંજની આરતી કરવામાં આવે છે.
મહત્વનું છે કે, રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરતા, અહીં સ્થાપિત ગણેશજીની સાત ફૂટની પ્રતિમા સંપૂર્ણ માટીમાંથી (ઇકો ફ્રેન્ડલી) બનાવવામાં આવી છે. જેથી ગણેશ પૂજન સાથે પર્યાવરણનું જતન થઈ શકે.
વસુંધરા રેસીડેન્સીમાં ગણેશ ઉત્સવ ઉજવણીને પંદર વર્ષ પૂરા થયા છે અને સોળમાં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે.ગણેશ એકદંતા દાદા ગણેશજીનું સોસાયટીમાં અદકેરૂ સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરાયું હતું. સોસાયટીના ભાઈઓ અને બહેનો ઉદાત્ત ભાવથી પૂજન અર્ચન કર્યું હતું.
૧૦ દિવસીય ગણેશોત્સવ દરમિયાન અહીં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો જેવા કે, સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુસહસ્ત્રનામના પાઠ, સંગીત સંધ્યા, છપ્પન ભોગ, ભજન સંધ્યા, મહાઆરતી વગેરે જેવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
આ વર્ષે પ્રથમ વખત જ સોસાયટીના વડીલોની વંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ ગણેશોત્સવને સફળ બનાવવા માટે , શરદ દવે, દિનેશભાઈ સોમૈયા, ભરતભાઈ અગ્રાવત, રાજ રૂવાલા, નરેન્દ્ર સખીયા, જયેન્દ્ર કામદાર, ,રાકેશભાઈ મણીયાર તેજસ ચૌહાણ અને નિલેશ વોરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.