- કોટડાસાંગાણી મામલતદાર ઓફિસમાં ઘૂસી બે શખ્સોએ ધમાલ મચાવતા પોલીસે ગુનો નોંધ્યો
કોટડાસાંગાણી મામલતદાર ઓફિસમાં આધાર કાર્ડ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી પર બે શખ્સોએ આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા બાબતે હુમલો કરી માર મારતા પોલીસે કાર્યવાહી કરી છે.
વિગત અનુસાર કોટડાસાંગાણીમાં રહેતાં શક્તિસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભરત ઉર્ફે ભુરો જગદીશ અને એક અજાણ્યાં શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તે કોટડાસાંગાણીમાં મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ વિભાગમાં નોકરી કરે છે.ગત તા.30 ના બપોરના સમયે તે મામલતદાર કચેરીએ આધાર કાર્ડ વિભાગમાં આધાર કાર્ડ કાઢવાનું કામ કરતો હતો ત્યારે કોટડાસાંગાણીનો ભરત અને અજાણ્યો શખ્સ તેમની પાસે આવેલ અને કહેલ કે, ‘તમે આ ભાઈના આધાર કાર્ડમાં કેમ જન્મ તારીખ સુધારી દેતા નથી’.જેથી તેઓને કહેલ કે, તમે જન્મ તારીખનો દાખલો લેતા આવો પછી હું તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારી આપીશ કહેતા ભરત ઉશ્કેરાયો હતો.અને ગાળો આપી માથાકૂટ કરવા લાગ્યો હતો.તેમજ ઢીકા પાટુનો માર મારી કામર્ચારીના ગળાના ભાગે બટકું ભરી મોઢાના અને છાતીના ભાગે નખથી ચટકા ભરી લીધા હતાં. દરમિયાન કચેરીના માણસો આવી જતા ભરત મારી નાખવાની ધમકી આપી નાશી ગયો હતો.જેથી આ મામલે કોટડાસાંગાણી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધ્યો છે.