રાજકોટ TRP અગ્નિકાંડમાં 22 મુદ્ત બાદ 15 આરોપીઓ સામે અંતે ચાર્જફ્રેમ, કેસ ઝડપથી ચાલશે
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાલતા કાયદાકીય દાવપેચમાં 22 મુદ્ત બાદ આખરે સેશન્સ કોર્ટે 15 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કર્યો છે.હવે કેસમાં 365થી વધુ સાક્ષી અને પંચના નિવેદનો નોંધવામાં આવશે. આ કેસમાં હતભાગીઓને ઝડપી ન્યાય મળી રહે તે માટે સંભવિત અઠવાડિયામાં એક વાર સુનાવણી હાથ ધરાશે તેવું પણ સામે આવું રહ્યું છે.

ગત 25 મે, 2024ના રોજ રાજકોટના નાના મવા રોડ પાસે સયાજી હોટલ પાછળ આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 27 લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે 16 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી એક આરોપી પ્રકાશચંદ હીરનનું અગ્નિકાંડમાં મોત થયું હતું. બાકીના 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાક હાલ જામીન પર છે.આ કેસમાં 22 મુદ્દત બાદ સેશન્સ કોર્ટમાં આરોપનામું ઘડવામાં આવ્યું. પોલીસે હજારો પાનાના દસ્તાવેજો અને 365 સાક્ષીઓના નિવેદનો પુરાવા તરીકે રજૂ કર્યા છે. કોર્ટે આરોપીઓને પંચનામા અને દસ્તાવેજી પુરાવા કબૂલ કરવા માટે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. જે પંચનામા કબૂલ થશે, તેના સાક્ષીઓની તપાસની જરૂર રહેશે નહીં, જેનાથી ટ્રાયલ ઝડપથી આગળ વધી શકશે.
આ પણ વાંચો : ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદોનો ધોધ, રાજકોટની 86 ફરિયાદો આવી,21 ફરિયાદોમાં તંત્ર લોકેશન જ શોધી ન શક્યું
કેટલાક આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી, જેમાં તેમણે દલીલ કરી હતી કે તેમની સામે પૂરતા પુરાવા નથી. જોકે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે રજૂ કરેલી દલીલોના આધારે કોર્ટે આ અરજીઓ નામંજૂર કરી હતી. આ કેસને ઝડપથી ચલાવવામાં આવશે. આગામી 31 જુલાઈએ પંચનામા અને દસ્તાવેજી પુરાવા કબૂલ કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે, જે બાદ ટ્રાયલનો મુખ્ય તબક્કો શરૂ થશે. આ કેસમાં ન્યાયની આશા રાખતા પીડિત પરિવારો અને સમાજની નજર કોર્ટની કાર્યવાહી પર રહેશે
આ કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પીપી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ અને એન. આર.જાડેજા રોકાયેલા છે.
