રાજકોટ TRP અગ્નિકાંડના આરોપી નીતિન લોઢાનું હાર્ટ એટેકથી મોત : 22 નવેમ્બરે જ જેલમાંથી છૂટ્યો હતો
રાજકોટ સહિત સમગ્ર દેશને હચમચાવી દેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને ગેમઝોન મેનેજર નીતિન લોઢા જામીન પર છૂટ્યાના એક મહિનો પણ ન થયો ત્યાં વતન રાજસ્થાનમાં હાર્ટ એટેકને કારણે મોત થયું છે.
નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત તારીખ 25 મે, 2024ના ભીષણ આગ લાગતા 27 નિર્દોષ લોકોના મોત થયા હતા.આ કેસમાં પોલીસે કુલ 16 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ગેમઝોનના ભાગીદારો, મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસરો (TPO) અને ફાયર વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.એક આરોપી પ્રકાશ હીરનનું આ ઘટનામાં જ મોત થઈ ગયું હતું.લાંબો સમય જેલમાં રહ્યા બાદ આરોપી નીતિન મહાવીરપ્રસાદ લોઢા (ઉંમર 41) ગત 22 નવેમ્બર, 2025ના રોજ જ સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તે વતન રાજસ્થાનમાં હતો.
આ પણ વાંચો :વાઇબ્રન્ટ સમિટમાં એકલા ઉર્જા વિભાગના જ 3 લાખ કરોડના MOU થશે! રીન્યુએબલ એનર્જીના વપરાશ ઉપર મુકાશે ભાર
મૃતક નીતિની લોઢા રાજકોટના યુનિવર્સીટી રોડ પર જલારામ-2 માં રહેતો હતો. તેને સંતાનમાં 1 પુત્રી છે. જામીન મુક્ત થયા બાદ નીતિન રાજસ્થાનના ભીમ ગામે જતો રહ્યો હતો. જે તેનું મુળ વતન છે. ત્યાં તેને હાર્ટ એટેક આવી જતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી નીતિન સામેનો કેસ હવે એબેટ થવાની કાર્યવાહી પણ થવાની સંભાવના છે.
