રાજકોટ : બસમાં ભીડ શોધતી ટ્રાફિક પોલીસ લાયસન્સ ચેક કરવામાં નબળી પડી !
- હેલ્મેટ, સીટબેલ્ટ, PUCની જેમ જ ઓવરલોડ સિટી બસ સામે ઝુંબેશ અત્યંત જરૂરી
- જો આ જ ટ્રાફિક પોલીસે દંડ વસૂલવાની સાથે જ ડ્રાઈવરનું લાયસન્સ ચેક કર્યું હોત તો ચાર લોકોના મોત ન થાત
રાજકોટના ઈન્દીરા સર્કલ પાસે સિટી બસને પૂરપાટ ઝડપે ચલાવીને ચાર લોકોને કચડી નાખનાર ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાનું લાયસન્સ એક્સપાયર થઈ ગયાને બે મહિના વીતી ગયા છતાં કોઈના ધ્યાન ઉપર આ વાત આવી ન્હોતી. બીજી બાજુ ટ્રાફિક પોલીસ પણ સિટી બસમાં ભીડ હોય તો માત્ર દંડ વસૂલી રવાના થઈ જતી હોય તેના ધ્યાન ઉપર લાયસન્સ વગર બસ હંકારતા ચાલકો આવી રહ્યા નથી ત્યારે એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી કે બસમાં ભીડ શોધતી ટ્રાફિક પોલીસ લાયસન્સ ચેક કરવામાં રીતસરની ઉણી ઉતરી છે !
સિટી બસમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફર ભર્યા હોય તો તેને દંડ કરીએ છીએ : DCP પૂજા યાદવ
આ અંગે DCP (ટ્રાફિક) પૂજા યાદવનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા દર પંદર દિવસે ડ્રાઈવ કરીને સિટી બસમાં ઘેટાં-બકરાંની જેમ મુસાફરો ભરવામાં આવ્યા હોય તો તે બસને દંડ ફટકારવામાં આવે છે. જો કે પાછલા ચાર મહિનામાં કેટલી બસ સામે આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી તેનો સચોટ જવાબ તેમની પાસે ઉપલબ્ધ ન્હોતો !
ટ્રાફિક પોલીસે નૈતિક ફરજ બજાવવાની તાતી જરૂર અન્યથા ‘ઈન્દીરાસર્કલવાળી’ થતી જ રહેશે
અત્રે યક્ષપ્રશ્ન એ પણ છે કે ટ્રાફિક પોલીસ શા માટે બસમાં ઓવરલોડ મુસાફરો ફર્યા હોય તો તેની સામે માત્ર ઓવરલોડિંગનો જ દંડ વસૂલે ? ડ્રાઈવર પાસે અપ ટુ ડેટ લાયસન્સ છે કે નહીં, બસનું પીયુસી છે કે નહીં તે સહિતનું ચેકિંગ શા માટે કરવામાં આવતું નથી ? જો ટ્રાફિક પોલીસે પોતાની નૈતિક ફરજ બજાવીને જે બસે અકસ્માત કર્યો તે બસ નં.GJBZ-0466નું ચેકિંગ કર્યું હોત તો 100% તેના ચાલક શિશુપાલસિંહ રાણા પાસે રહેલું લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું છે તે ધ્યાન પર આવી ગયું હોત પરંતુ માત્ર દંડ વસૂલાય જાય તેમાં જ ભલું માનતી ટ્રાફિક પોલીસ માત્ર ભીડ શોધવામાં જ વ્યસ્ત રહી હતી. જો ટ્રાફિક પોલીસ દ્વારા દરેક સિટી બસના લાયસન્સ ચેકિંગ સહિતની કાર્યવાહી સઘન રીતે કરવામાં નહીં આવે તો ઈન્દીરાસર્કલવાળી થતી જ રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
દર ચોથી બસમાં અત્યારે ચીક્કાર ભીડ હોય છે, RTO-પોલીસ બન્ને નિદ્રામાં
જાણવા મળેલી વિગત પ્રમાણે સિટી બસમાં 40 પેસેન્જરની સિટીંગ વ્યવસ્થા હોય છે. આ તમામ સીટ પર મુસાફર બેસી જાય એટલે વધારાના 12 મુસાફરોને ઉભા રહેવા દેવાની મંજૂરી આપવામાં આવે છે. આ રીતે કુલ બાવન મુસાફર બસમાં બેસી શકે છે પરંતુ અત્યારે દર ચોથી સિટી બસમાં બાવન કરતાં વધુ મુસાફરો ભરેલા હોય છે અને આવી બસ સડસડાટ દોડતી હોય છે છતાં આરટીઓ કે ટ્રાફિક પોલીસ કોઈનું ધ્યાન જતું નથી જે રાજકોટવાસીઓનું દૂર્ભાગ્ય ગણાશે.
રતનપર રૂટ પર દોડતી બસને દંડ ફટકારવાનું શરૂ
74 જેટલી સિટી બસની હડતાલ પાડી દેનારા અને તેમાં રતનપર રૂટ ઉપર દોડતી બસના ડ્રાઈવરને ગુરૂવારે સાંજે ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ પેસેન્જર ભરવા બદલ દંડ ફટકારવામાં આવ્યા ઉપરાંત અન્ય આવી ચારેક જેટલી બસ સામે દંડરૂપી કાર્યવાહી કરવામાં આવતાં આ અંગેની ફરિયાદ પણ લાગુ અધિકારીઓને કરવામાં આવી હતી પરંતુ નિયમ પ્રમાણે ચાલવું બધા માટે જરૂરી હોય આ ફરિયાદ ધ્યાન પર લેવાઈ ન્હોતી.