રાજકોટ ટ્રાફિક પોલીસની મહિને 1 કરોડની કમાણી! ટ્રાફિક નિયમોનો ભંગ કરીને લોકોએ છ મહિનામાં 5.91 કરોડથી વધનો દંડ ભર્યો
રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થા સુગમ રીતે જળવાઇ રહે તે માટે દોડતી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ મહિને એક કરોડની સરકારી કમાણી કરી આપે છે. ટ્રાફિક પોલીસે જ જાહેર કરેલા આંકડાઓ મુજબ ટ્રાફિક શાખાએ છ માસમાં 1,76, 528 વાહન ચાલકોને દંડી કે કેસ કરીને રાજ્ય સરકારની તિજોરીને 5,91,87,750 રૂપિયાની કમાણી કરી આપી છે. સૌથી વધુ સોફ્ટ ટાર્ગેટ તો ટુ વ્હીલર સ્વારો જ રહ્યા. કુલ કેસમાંથી 40 ટકાથી વધુ 79, 191 કેસ દ્વીચક્રીય વાહનો પર કરાયા હતા.

ગત જાન્યુઆરી માસથી જૂન માસ (છ માસ) સુધીમાં ટ્રાફિક નિયમનના અલગ-અલગ 32 હેડ હેઠળ કુલ 1,76, 528 કેસ કરવામાં આવ્યા છે. દંડ, હાજર શુલ્ક, કયૂઆર કોડ, ઓનલાઇન થકી રાજ્ય સરકારી તિજોરીમાં 5,91,87,750 રૂપિયાની આવક ઠલવી છે. (થઈ છે.) રાજકોટ ટ્રાફિક પોલીસે મહિને સરેરાશ 29 થી 30 હજાર જેવા કેસ કરી 98 લાખથી એકાદ કરોડ સુધીની રકમની વસુલાત કરી છે.
છ માસમાં સૌથી વધુ ભૂલ કરી કે નિશાનમાં ટુ વ્હીલર ચાલકો મોખરે રહ્યા હતા. હમ નહીં સુધરેંગેની માફક ટુ વ્હીલરમાં ત્રિપલ સવારીમાં જવાનું ચલણ હજી ન ઘટયું હોય તેમ છ માસમાં 59,021 ચાલકો ઝપટે ચડ્યા હતા. જો કે દંડ સરેરાશ 100 રૂપિયા જેવો વસુલાતા ત્રિપલ સવારી કેસમાંથી 59,04,600ની આવક સરકારી તિજોરીમાં ઠલવાઈ હતી.

બીજા ક્રમે પણ ટુ વ્હીલર જ રહ્યા હતા. હેલ્મેટ વીનાના 20,170 કેસ સાથે 1,00,85,000ની કમાણી સરકારને થઈ હતી. શહેરમાં અલગ-અલગ ચિતરામણો વાળી નંબર પ્લેટો વાળા 18,904 વાહનો પકડીને ૫૬.૭૫ લાખનો દંડ, હાજર શુલ્ક વસૂલાયો હતો.
ટ્રાફિકને અડચણરૂપ કે આડેધડ વાહનો પાર્ક કરવા વાળાઓ કે ધંધાર્થીઓને પણ ટ્રાફિક પોલીસે 17,575 આવા કેસ કરીને 1,28,29,800 રૂપિયાનો શુલ્ક વસુલ્યો હતો. ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરનાર 2795 વાહન ધારકો ઝપટે ચડયા હતા અને 13.97 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. નંબર પ્લેટ વિનાના 11,674 વાહનો હાથમાં આવતા 58.37 લાખની આવક સરકારી તિજોરીને થઈ હતી. આ ઉપરાંત હેડલાઈટ, બ્લુ કાચ, લાઇસન્સ ન હોય તેવા, પીયુસી ભંગ, ભયજનક રીતે વાહન ચલાવવા, હુકમનું ઉલ્લંઘન કરવુ, વીમો ન હોવો, ટ્રાફિક સંસા ભંગ, કાન ફાડી નાખે તેવા એરહોર્ન સહિતના જુદા-જુદા હેડ હેઠળ સ્થળ પરના 1,41,140 કેસ, 35, 388 કયૂઆર કેસ મળી કુલ 1,76, 528 કેસ કર્યા હતા. 2620 વાહનો ડિટેઈન કરાયા હતા. વાહનચાલકોએ પણ નિયમો પાળવા જોઈએ, કાયદાને માન આપવું જોઇએ.
આ પણ વાંચો : લો બોલો! રાજકોટના મેટોડામાં સરપંચ પતિએ 54 લાખની સરકારી જમીન ઉપર બંગલો બનાવી નાખ્યો, વાંચો સમગ્ર મામલો
ટ્રાફિક પોલીસનો ‘ઉઘરાણી’નો આંક તો મસમોટો અલગથી હશે!
રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે છ માસ નિયમ મુજબના કેસ કરી તે સરકારી તિજોરીમાં 5.91 કરોડ રૂપિયા ઠલવી આપ્યા છે. (જો ઈ ચલણ નહીં ભર્યા હોય તે આવક અગ હશે) આ તો હતી નિષ્ઠા સાથેની ફરજના કેસની પણ કહેવત છે કે “પોદળો પડે એટલે ચપટી ધૂળ તો લે જ.” જે રીતે ટ્રાફિક પોલીસની મથરાવટી હપ્તાખોરી, ઉઘરાણા બાબતે મેલી કે આક્ષેપ ભરેલી છે. જો એ મુજબ છ માસ દરમિયાન ટ્રાફિક પોલીસે ઉપલી કમાઈ કરી હશે તો કદાચ સરકારી તિજોરીને જે આવક થઇ તેનાથી આંક વધૂ પણ હશે. કારણ કે મોબાઇલ ફોન, કાર કે વાહનને લોક કરે સાથે ડોક્યુમેન્ટસ ન હોય, કે આવા કોઇને કોઇ નિયમ ભંગ હોય તો વાહન ચાલકોને 500 થી લઇ 5000નો દંડ થતો હોય છે. આવા દંડથી બચવા સેટિંગ થતા હશે તો વાહન ધારક અને પોલીસ બંને રાજી રહે એ મુજબ રોજીંદી હજારો રૂપિયામાં પોઇન્ટથી લઇ હજારો રૂપિયામાં પોઇન્ટથી લઇ માર્ગો પર ચેકિંગમાં ગોઠવણો થતી હશે.
જે રીતે રેતી, ખનનના ડમ્પરો કે આવા કોમર્શિયલ વાહનો દોડી રહ્યા છે. તેનો જ આંક કાઢવામાં આવે તો લાખેણો આંકડો હશે. આવા જાણકારોમાં ચર્ચા છે. કારણ કે જો વોર્ડન પર બૂલેટ, કાર કે આવા વાહનો લઇને ફરજ પર આવતા હોય તો 9000 રૂપિયાનત માનદ વેતનમાં કેમ પરવડે ? જો વોર્ડનને આવી સુખશાંતિ હોય તો તેમના સાહેબને તો હોય જ. પાંચેય આંગળીઓ સરખી નથી હોતી વોર્ડન અને ઘણીખરી પોલીસ માત્રને માત્ર પગાર પર જ કામ કરતી હોય છે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડ કેસમાં કોર્ટે કાર્યવાહી બનશે ઝડપી! મનસુખ સાગઠીયા સહિત 7 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ, આ તારીખે ચાર્જફ્રેમ થવાની શક્યતા
ટાર્ગેટ કે રીયલ વર્ક? રોજિંદા 980થી વધુ કેસ
રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચે છ માસમાં કરેલી કામગીરીના આંક મુજબ સરેરાશ રોજીંદા 980થી વધુ વાહન ચાલકો સામે કેસ કરાયા છે અને રોજીંદા 3.28 લાખથી વધુની આવક સરકારને થઇ છે. જે રીતે વાહનો ટો કરવામાં આવે છે, કેસ થાય છે રકમ વસૂલવામાં આવે છે તેમા ઘણા ખરા કિસ્સાઓમાં ફરજ પરની ફિલ્ડમાં રહેલી પોલીસને ઘર્ષણ પણ થતું રહે છે. ખરેખર જે રીતે અંદાજે એકાદ હજાર વાહન ધારકો રોજીંદી ભૂલ કરી રહ્યા છે કે દંડાઈ રહ્યા છે તે પોલીસનું રીયલ વર્ક હશે કે પછી ફીકસ ટાર્ગેટ અપાયા હશે અને ટાર્ગેટ પૂરા કરવા પોલીસ ઘર્ષણ થાય તો પણ કરી નોકરી માટે ટાર્ગેટ પૂરા કરતી હશે ? કેટલાક પોલીસ કર્મીઓ તો એવુ પણ બોલતા કે ઉકળાટ કરતા હોય છે કે અમારે પણ કેસ ન કરવા હોય નાના લોકોને ન દંડવા હોય પરંતુ ટાર્ગેટ જ પૂરા કરવાના હોય તો કયાં જવું? આવા શબ્દો કદાચ જે તે કર્મીઓના નોકરીમાં આળશ કે બચાવ માટેના પણ હોઇ શકે. જો પોલીસનું રીયલ વર્ક હોય તો રાજકોટવાસીઓ, વાહન ચાલકો એ નિયમ પાલન કરવુ જોઇએ જેથી પોલીસ દંડે નહી, નહીં તો પોલીસ તો એમનું કામ કરવાની જ છે.
