- કચરો નાખવા બાબતે મારામારી બાદ ટાંકા લેવડાવવા માટે ત્રણ વોર્ડમાં ફરવું પડ્યું
હંમેશા વિવાદના કેન્દ્રમાં રહેવા માટે કુખ્યાત બની ગયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલે ફરી એક દર્દીને આમતેમ રઝળાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલ તો ઠીક પરંતુ ત્યાં કાર્યરત પોલીસ ચોકીનો સ્ટાફ પણ પોતાની `કામગીરી’ ભૂલી ગયો હોય તેવું પ્રકાશમાં આવતાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
શહેરના માલવિયાનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટી શેરી નં.૧માં રહેતા અનસુયાબેન પ્રફુલભાઈ દવે (ઉ.વ.૬૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત તા.૮ના સવારે નવેક વાગ્યે તેઓ તેમના ઘર પાસે તૂટી ગયેલી કુંડીમાં કચરો નાખી રહ્યા હતા ત્યારે પાડોશી ધીરૂભાઈએ વીડિયો ઉતારી લીધો હતો. આ પછી તેઓ ઘરમાં ગયા અને તેમનો મોબાઈલ લઈને બહાર આવ્યા તો ધીરૂભાઈ અને તેમની વહુએ મોબાઈલ ઝૂંટવી લઈને ઘા કરી દીધો હતો. આ પછી ધીરૂભાઈએ ફળિયામાં આવીને ઝપાઝપી કરવા લાગ્યા હતા બરાબર ત્યારે જ તેમનો દીકરો લાલો આવી ગયો હતો અને તેણે ઢીકાપાટુ માર્યા હતા. થોડી જ વારમાં લાલા બાદ કાનો આવ્યો હતો તેણે વાળ ખેંચીને માથાના ભાગે માર માર્યો હતો. આ ઉપરાંત નયનાબેન અને ગૌતમે લાકડીથી માથામાં મારતાં ચક્કર આવી જતાં અનસુયાબેન ત્યાં જ પડી ગયા હતા.
આ પછી પોલીસ આવી જતાં અનસુયાબેન તેમજ મારામારી કરનારા તમામને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા પરંતુ અનસુયાબેનની હાલત ખરાબ હોવાથી તેમને સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેમને ટાંકા લેવા પડે તેમ હોવાથી તેમણે ડરીને ના પાડતાં ડૉક્ટરે તેમને બેથી ત્રણ વોર્ડમાં સારવાર માટે મોકલ્યા બાદ અંતે ઈમરજન્સી વોર્ડમાં જ ટાંકા લીધાં હતા. ત્યાંથી સિવિલ હોસ્પિટલની ચોકીએ ફરિયાદ કરવા ગયા તો ત્યાંથી ફરિયાદ લેવાનો ઈનકાર કર્યો હતો. આ પછી માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી ધીરુ મીયાત્રા, લાલો, પૂજા, કાનો અને ગૌતમ એમ પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.