રાજકોટ પુરવઠા વિભાગની બેઠકમાં સાંસદ રામભાઈએ સટાસટી બોલાવી : સડેલું અનાજ લઈ પહોંચતા અધિકારીને પરસેવા વળી ગયા
રાજકોટ જિલ્લામાં સ્થાનિક પુરવઠા તંત્રની આળસુ નીતિના પાપે ગરીબ રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ – ચોખા સહિતની મફત અન્ન યોજનાનો લાભ નથી મળી રહ્યો ત્યારે શનિવારે મળેલી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ મૌકે પે ચોક્કા જેવા ઘાટ વચ્ચે ચાલુ બેઠકે જ કલેકટરની હાજરીમાં સડેલા ઘઉં, ચોખા અને ચણા સહિતની ચીજો ટેબલ ઉપર મૂકી આવું કૌભાંડ કોણ કરી રહ્યું છે તેનો જવાબ માગતા હાજર અધિકારીઓ ચકિત રહી ગયા હતા.
દર મહિને મળતી પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં ખાધું, પીધુને રાજ કર્યું જેવો ઘાટ હોય છે અને નેતાઓ તેમજ અધિકારીઓ આંકડાકીય માહિતી રજૂ કરી સરકારની યોજનાનો આટલો લાભ ગરીબોને આપ્યો આટલા રેશનકાર્ડ ધારકોને ફલાણો લાભ આપ્યો તેવા ગુણ ગાન ગાવા સિવાય કશું કરતા ન હોવાનું જગજાહેર છે ત્યારે આજે પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં હોમવર્ક કરીને આવેલા સાંસદ રામભાઈ મોકરિયાએ સટાસટી બોલાવતા કાયમ ચેમ્બરમાં જ બેસી રહેતા પુરવઠા અધિકારીને પરસેવા વળી ગયા હતા.
સાંસદ રામભાઈ મોકરિયાએ જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા ઇન્સ્પેક્ટરો ઓફિસમાં જ બેસી રહેતા હોવાનો પુરાવો કલેકટર સમક્ષ રજુ કરતા જણાવ્યું હતું કે, જુઓ સસ્તા અનાજની દુકાનેથી ગરીબ રેશનકાર્ડ ધારકોને આવા સડેલા ઘઉં, ચોખા, ચણા અને દાળ આપવામાં આવે છે. આવું અનાજ ખાઈને લોકો બીમાર પડે તો જવાબદાર કોણ ? તેમ કહી સીધા જ કલેકટરને તમામ સડેલા ઘઉં સહિતના અનાજના ઝબલા ભેટ ધર્યા હતા.
વધુમાં રામભાઈએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન ગરીબ નાગરિકોને મફત અનાજ આપી રહ્યા છે ત્યારે આવું સડેલું લોકો ખાઈ પણ ન શકે તેવું અનાજ પુરવઠા વિભાગના ગોડાઉનમા બદલાઈ જાય છે કે પછી એફસીઆઈના ગોડાઉનમાંથી જ આવું અનાજ આવે છે ? તપાસ કરો અને જવાબ આપો તેવી માંગણી કરતા જ પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીના મો સિવાઇ ગયા હતા.
