રાજકોટ રૂરલ પોલીસના મૃત કર્મીઓના પરિવારો માટે અધિકારીઓ બન્યા આધાર : દિવાળીની શુભેચ્છા સાથે આપી હૂંફ
રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા રાજકોટ રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર દિવાળી પર્વમાં મૃત પોલીસ કર્મચારીઓના પરિવારોના આધાર બન્યા છે. દિવાળી પર્વ નિમિત્તે બન્ને અધિકારીઓ સ્વયં મૃત કર્મી ઓના પરિવારના ઘરે ગયા હતા અને પોલીસ પરિવારના મોભી તરીકે હૂંફ આપી હતી. મીઠાઈ આપીને તહેવારમાં પરિવારને વિરહ ન વર્તાય તે રીતે સહાનુભૂતિ આપી હતી.
રાજકોટ રેન્જમાં આવતા પાંચ જિલ્લાઓમાં બે વર્ષ કે આવા નજીકના સમયગાળા દરમિયાન અવસાન પામેલા પોલીસ કર્મીઓને ત્યાં દિવાળી પર્વ નિમિત્તે જઈને મોભીરૂપ આધાર બનવાનો રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સૂચનાથી પાંચેય જિલ્લામાં માનવીય અભિગમ અપનાવાયો છે જે અંતર્ગત રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર વિમલનગરમાં રહેતા રાજકોટ રૂરલ એલસીબીના કર્મચારી દિનેશભાઈ ગોરધનભાઈ જેતાણીના ઘરની રેન્જ આઈ.જી. યાદવ તથા એસપી ગુર્જર સ્ટાફ ટીમ સાથે મુલાકાત લીધી હતી.
બન્ને અધિકારીએ દિનેશભાઈના પુત્ર રિવારને પુરો પોલીસ પરિવાર એ તમારો પરિવાર છે, હૂંફરૂપ શબ્દો સાથે પોલીસ પરિવારના મોભીરૂપ બનીને મીઠાઈ આપી હતી અને પરિવારની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. આવી જ રીતે અન્ય મૃત કર્મચારીઓના ઘરોએ પણ અન્ય પોલીસ અધિકારીઓને મોકલીને મીઠાઈ સાથે સહાનુભૂતિ પાઠવી હતી.
