રાજકોટવાસીઓને હજુ બે મહિના ‘પીડા’ ભોગવવી પડશે : સાંઢિયો પુલ જાન્યુઆરીમાં થશે તૈયાર, 70% કામ પૂર્ણ
રાજકોટના જામનગર રોડ પર આવેલા રાજકોટના ઐતિહાસિક સાંઢિયા પુલને ફોર-લેન બનાવવાનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. માર્ચ-2023થી અહીં વાહનોની અવર-જવર બંધ કરી દેવામાં આવી છે જેના કારણે લોકોએ ભોમેશ્વરમાંથી પસાર થવું પડી રહ્યું હોય વારંવાર ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. જો કે આ `પીડા’ હજુ બે મહિના ભોગવવી પડશે કેમ કે પુલ જાન્યુઆરીના મધ્ય અથવા અંતમાં બનીને તૈયાર થઈ જવાનો દાવો ઈજનેરો દ્વારા કરવામાં આવ્યો હતો.

આ અંગે સેન્ટ્રલ ઝોનના સિટી ઈજનેર અતુલ રાવલે જણાવ્યું કે સાંઢિયા પુલને ફોર-લેન બનાવવાનું કામ સવા વર્ષથી ચાલી રહ્યું છે તેના પહેલાં ડાયવર્ઝન સહિતની પ્રક્રિયા શરૂ કરવાની હોવાથી પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પુલની ઉંચાઈ 6.25 મીટર અને પહોળાઈ 16.40 મીટર છે. પુલની માધાપર ચોકડી તરફથી લંબાઈ 298 મીટર અને હોસ્પિટલ ચોક તરફથી લંબાઈ 298 મીટરની હશે. અહીં 120 ગર્ડર મુકવામાં આવનાર છે જે પૈકી 80થી વધુ ગર્ડર મુકી દેવામાં આવ્યા છે. આ કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા માર્ચ-2026 છે પરંતુ મહાપાલિકા દ્વારા તેના પહેલાં જ એટલે કે જાન્યુઆરીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે.

તેમણે જણાવ્યું કે દિવાળી બાદ ફરી વરસાદ શરૂ થઈ જતા કામગીરીને અસર પહોંચી છે આમ છતા ઉઘાડ નીકળ્યો હોવાથી ફરી પૂરપાટ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજના બે બ્લોક રેલવેની હદમાં આવતા હોય ત્યાં બ્લોક બેસાડવા માટેની મંજૂરી પ્રક્રિયા હજુ બાકી છે પરંતુ સ્ટીલ ગર્ડર આવી ગયા બાદ તેને એસેમ્બલીંગ કરવામાં આવનાર હોય તે દરમિયાન આ મંજૂરી પણ લઈ લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ હોવાથી શાસકો પણ બરાબર જાણે કે મત અંકે કરવા માટે સાંઢિયા પુલ કારગત નિવડી શકે તેમ હોય જાન્યુઆરીમાં જ કામ પૂર્ણ કરવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. વળી, ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી જાય તે પહેલાં જ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે ત્યારે હવે બે મહિના બાદ લોકોને નવો સાંઢિયા પુલ અને તે પણ ફોર-લેન હશે તે મળી જશે તેવું હાલ લાગી રહ્યું છે.

