સાતમ-આઠમનાં મીની વેકેશનમાં વિદેશ પ્રવાસ માટે રાજકોટવાસીઓ તૈયાર : સિંગાપોર-મલેશિયાનાં બુકીંગ વધુ
સાતમ આઠમ હોય,દિવાળી હોય કે સમર વેકેશનમાં રાજકોટવાસીઓ દેશ-વિદેશમાં ફરવા માટે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે,આ વખતે પહેલગામ હુમલાની ઘટના બાદ હરવા ફરવાનાં શોખીનોએ બ્રેક લગાવી હતી.ત્યારે આ વખતે જન્માષ્ટમીના વેકેશનમાં ડોમેસ્ટિક ની તુલનામાં ઇન્ટરનેશનલ ટ્રીપ અને પેકેજનાં બુકીંગ શરૂ થયા છે.

દર વખતની સરખામણીમાં આ વખતે સાતમ આઠમની રજામાં 40 ટકા પેકેજ બુકીંગ ઓછા થશે તેવું રાજકોટ ટ્રાવેલ એજન્ટોનું માનવું છે.ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપ મસરાણીએ જણાવ્યું હતું કે, દર વખતે સમર વેકેશન પૂરું થતાની સાથે જન્માષ્ટમીની રજામાં ફરવા માટેના પેકેજ ને ઇન્કવાયરી શરૂ થઈ જાય છે.
જ્યારે આ વખતે કાશ્મીરમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ લોકોએ હજુ મન મનાવ્યું હતું ત્યારે જ અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ધીમે ધીમે ફરવા માટેનો મૂડ બનાવી રહ્યા છે. આ વેકેશન એટલે કે સાતમ આઠમના મીની વેકેશનમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ પેકેજ બુક થઈ ગયા છે. જેમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ,મકાઉ, ચાઇના,બાલી,વિયેટનામ, શ્રીલંકા તરફ ફરવા જવાના લોકો મૂડમાં હોવાથી 7 થી 8 દિવસના પેકેજ બુક કરાવ્યા છે.

જ્યારે આ વર્ષે હિમાચલ, ઉત્તરાંચલ અને કાશ્મીર માટે બુકીંગ નહિવત છે,અત્યારે ત્યાં ભારે વરસાદ અને પહેલગામ એટેક બાદ હજુ કાશ્મીર માટે લોકોનું મન માનતું નથી.દિલીપભાઈના જણાવ્યા મુજબ આ વર્ષે અમરનાથ યાત્રા માટે પણ 15 ટકા જેટલું બુકીંગ થયું હતું.જ્યારે અમારી ધારણા એવી છે કે,જુલાઈ અંત સુધીમાં ઘસારો જોવા મળશે.જો કે સાઉથ તરફ સહેલાણીઓ ઉમટશે તેવી આશા છે.
આ જન્માષ્ટમીએ ફલાઈટનાં ભાડા નથી વધ્યા પણ હોટેલમાં 10 ટકાનો વધારો
આ વખતે અમદાવાદની દુર્ઘટના બાદ એરટ્રાફિક સાવ ઘટી ગયો હોવાના કારણે એરલાઈન કંપનીઓ દ્વારા ફલાઈટનાં ભાડા નથી વધ્યા,પણ હોટેલમાં 10 ટકા જેટલો વધારો થયો છે.જ્યારે પેકેજમાં નજીવો વધારો થયો હોવાનું ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પાણીવેરો ભરવાનો, ટેન્કરથી પાણી પણ મંગાવવાનું : રાજકોટના 258 બિલ્ડિંગના લોકોને ત્રાસ
ક્યાં પેકેજનાં કેટલા ભાવ..?
સિંગાપુર-મલેશિયા માટે 1.45 લાખ, સિંગાપુર-મલેશિયા અને થાઈલેન્ડ માટે 1.70 લાખ, હોંગકોંગ-મકાઉ માટે 95,000 જો આ પેકેજમાં સેનઝન ઉમેરો તો 1,20,000 સાથે અને શ્રીલંકા માટે 95,000 તો વિયેતનામ માટે 1,30,000 ના પેકેજ ભાવ છે.
