દિવાળીનો અજવાસ: રાજકોટમાં રહેતા કિશોરભાઈ આંખે પાટા બાંધી 1 મિનિટમાં બનાવે છે 14 દીવા, ‘ઓપરેશન સિંદૂર’ના દીવડા આકર્ષણનું કેન્દ્ર
દિવાળી એટલે પ્રકાશનું પર્વ,અંધકાર પર પ્રકાશનો વિજય, આનંદ અને આશાનો ઉત્સવ. દરેક ઘરમાં અજવાસ પાથરતા માટીનાં દીવડાઓ હવે માર્કેટમાં ચમકવા લાગ્યા છે. આ પ્રકાશ પાછળ મહેનત છે એવા કારીગરોની, જેઓની આંગળીઓ માટી સાથે વાત કરે છે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ લાઠીયા એવા અનોખા કુંભાર છે, જેઓ આંખે પાટા બાંધીને ચાકડા પર દીવા બનાવે છે. ખાસ વાત એ છે કે કિશોરભાઈ એક મિનિટમાં 14 દીવા બનાવી શકે છે. ચાર વર્ષથી તેઓ આ રીતે દીવા બનાવે છે અને તેમની પ્રેરણા એક સુરદાસ કારીગરની સંઘર્ષગાથા પરથી મળી છે. મશીનના યુગમાં પણ કિશોરભાઈ પરંપરાગત ચાકડાંને છોડ્યા નથી.

કિશોરભાઈ કહે છે,દિવાળી વખતે લોકોના ઘરમાં અજવાસ થાય એ આનંદ છે. આંખે પાટા બાંધીને દીવો બનાવું છું એટલે મારું મન અને માટી વચ્ચે સીધુ જોડાણ બને છે.મશીનોના યુગમાં પણ કિશોરભાઈ જેવા કારીગરોએ ચાકડાં પર માટીની પરંપરા જીવંત રાખી છે. તેમની આ લાગણી અને શ્રદ્ધા પ્રકાશના આ પર્વને વધુ ઉજ્જવળ બનાવે છે.દિવાળીનો પ્રકાશ ફક્ત ઘરોને જ નહીં, પણ આવા કારીગરોના જીવનને પણ ઉજાસથી ભરપૂર કરે છે કારણ કે આ દીવા જ છે જે “અંધકારથી પ્રકાશ તરફ” લઈ જાય
માટીનાં દીવા: સ્વદેશી પ્રકાશની નવી ચમક
ક્રિષ્ના મિટી કુલ નામથી કુંભારીકામ સાથે સંકળાયેલા કિશોરભાઈ લાઠીયા કહે છે, “એક સમય એવો આવ્યો હતો કે ચાઈનીઝ લાઈટની માંગ વધી ગઈ હતી. લોકો દીવો ફક્ત પરંપરા પૂરતો લેતા હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓના ઉપયોગ પર ભાર મૂક્યા બાદ માટીનાં રંગીન અને કલા સાથે કંડારેલા દીવડાઓની માંગ ફરી વધી ગઈ છે.રાજકોટ શહેરમાં દર વર્ષની દિવાળી દરમિયાન આશરે 40 લાખ જેટલાં દીવડાઓનું વેચાણ થાય છે. આ વેચાણ દેવદિવાળી સુધી ચાલુ રહે છે.
ચાકડાંથી મશીન સુધીની સફર પણ પરંપરા હજુ જીવંત
આજના સમયમાં કુંભારીકામમાં પણ ટેકનોલોજીનો પ્રવેશ થયો છે. મશીનથી એક સાથે 300 દીવા બનાવી શકાય છે, તો ચાકડા પર કારીગરના હાથે એક મિનિટમાં 14 દીવા તૈયાર થઈ શકે છે. દીવડાઓમાં પણ નવીનતા આવી છે ,5, 7 અને 9 કોડિયા સાથેના દીવા ઉપરાંત 36 અલગ અલગ કાંઠા અને ડિઝાઇનવાળા દીવા તૈયાર થાય છે.કિશોરભાઈ કહે છે, આજના ગ્રાહકોને નવીનતા ગમે છે. તેથી અમે પરંપરાને જાળવી રાખીને ડિઝાઇનમાં આધુનિક ટચ આપીએ છીએ. રંગ, ઘાટ અને આકારમાં વિવિધતા લાવી દીવા વધુ આકર્ષક બનાવીએ છીએ.
આ પણ વાંચો :તિરુપતિથી લઈ દ્વારિકાધીશને અર્પણ થતાં સોનાના આભૂષણો બને છે રાજકોટમાં : સોની બજારમાં બારેય માસ બને દેવોના આભૂષણો
100થી વધુ ડિઝાઇન સાથે ચમકતી માર્કેટ
રાજકોટની માર્કેટમાં હાલમાં 100થી વધુ પ્રકારનાં ઘાટ અને ડિઝાઇનવાળા દીવડા ઉપલબ્ધ છે. માટીકામનું કામ સામાન્ય રીતે નવરાત્રિ સુધી પૂર્ણ થાય છે. ત્યારબાદ દીવડાઓને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે અને પછી તેમાં રંગ, પોલિશ અને ડિઝાઇનિંગનું કામ શરૂ થાય છે.ચમકદાર ઇલેક્ટ્રિક લાઈટ્સની વચ્ચે માટીનાં દીવડાઓનો પ્રકાશ એક નૈસર્ગિક શાંતિ અને પરંપરાની સુગંધ લઈને આવે છે. દરેક દીવો માત્ર માટીનો ટુકડો નથી, તે એક કારીગરની લાગણી, કળા અને સમર્પણનું પ્રતિક છે.
