આગામી પાંચ દિવસમાં ધીમે-ધીમે ગરમીમાં ઘટાડો થશે, રાજકોટમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન
રાજકોટ : રાજ્યમાં ત્રણ દિવસ સુધી હિટવેવની સ્થિતિ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયા બાદ ગુરુવારથી ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસમાં ધીમે-ધીમે ગરમીમાં રાહત મળશે. જો કે, રાજ્યભરમાં આજે ગરમીમાં ઘટાડો થવા છતાં સૌથી ઉંચુ તાપમાન રાજકોટમાં 41 ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુરુવારે રાજકોટમાં પવનની ઝડપ વધીને 18 કિલોમીટર પ્રતિકલાક સુધી પહોંચી હતી. જો કે, ત્રણ દિવસના હીટવેવ બાદ રાજ્યમાં ગુરુવારે મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસમાં ધીમે-ધીમે ગરમીમાં રાહત મળશે અને મહત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી જશે. બીજી તરફ ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ હતી. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી, કંડલામાં 40.5, અમરેલીમાં 40.4, અમદાવાદમાં 39.6, ડીસામાં 39.1, વડોદરામાં 39.0, સુરતમાં 38.4, પોરબંદરમાં 37.4, ભાવનગરમાં 37.2 અને નલિયામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.