સ્વચ્છતામાં (ઉલ્લુ બનાવવામાં) રાજકોટ 19મા ક્રમે : લોકોના ફિડબેક લેવામાં રમાઇ ‘રમત’ !? આવતાં વર્ષે ટોપ-5માં રાજકોટ હશે તેવો દાવો
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં દર વર્ષની જેમ ગત વર્ષે પણ સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 4589થી વધુ શહેરોએ ભાગ લીધો હતો. આ સર્વેક્ષણમાં રાજકોટ 19મા ક્રમે આવ્યાનું જાહેર થતાં જ અધિકારીઓ ફૂલ્યા સમાતાં ન્હોતા કેમ કે 2023માં હતું ત્યાંથી 19 સ્થાન ઉપર ચડીને 2024માં 19મા ક્રમે આવ્યું છે. એકંદરે આ પ્રકારની જાહેરાત થતાં જ શાણા નાગરિકો કહેવા લાગ્યા હતા કે સ્વચ્છતાના નામે ઉલ્લુ બનાવવામાં રાજકોટનો 19મો ક્રમ આવ્યો છે તેમ કહેવું જોઈએ !!

મહાપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિગતો પ્રમાણે 2024-25ના સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રાજકોટને ગુજરાતમાં ત્રીજો અને દેશના 4589થી વધુ શહેરોમાં 19મો ક્રમ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત શહેરને થ્રી-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી તેમજ વોટર પ્લસ સિટી સર્ટિફિકેટ પણ મળેલું છે. સિટીઝન ફિડબેકમાં રાજકોટે ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.
રાજકોટે કુલ 12500 માર્કસમાંથી 10634 માર્કસ મેળવ્યા છે જેમાં સર્વેક્ષણની કેટેગરી હેઠળ 10,000માંથી 8634 માર્કસ તો સર્ટિફિકેશનની કેટેગરી હેઠળ 2500માંથી 2000 માર્કસ મેળવેલ છે. તંત્ર દ્વારા રિપોર્ટકાર્ડ પણ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રહેણાક વિસ્તારની સફાઈમાં 100%, વોટર બોડીઝની સફાઈમાં 100%, વેસ્ટ જનરેશન એન્ડ પ્રોસેસિંગમાં 100%, ડમ્પસાઈટ રેમીડીએશનમાં 100%, માર્કેટ એરિયાની સફાઈમાં 97%, ડોર ટુ ડોર કલેક્શનમાં 95%, જાહેર શૌચાલયની સફાઈમાં 90%, સોર્સ સેગ્રીગેશનમાં 78% પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળાનો વિવાદ : ઘીના ઠામમાં ઘી પડી જશે! ગાંધીનગર ગયેલા ભાજપના શાસકોને મુખ્યમંત્રીએ આપી બાહેંધરી
લોકોના ફિડબેક લેવામાં રમાઇ હતી ‘રમત’
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો ક્રમ સુધારવામાં સફાઈ બાબતે લોકોના ફિડબેકનો પણ સિંહફાળો રહ્યો છે પરંતુ આ ફિડબેક ઈમાનદારીથી ન લેવામાં આવ્યાનું પણ સામે આવ્યું છે. ઓફિસરોને જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા મોલ સહિતના સ્થળે રૂબરૂ જઈ લેવાના બદલે મોલના મેનેજર સહિતનાને પોઝિટીવ ફિડબેક આપવા કહેવામાં આવ્યું હોવા સહિતના મુદ્દા મ્યુનિ.કમિશનરના ધ્યાન પર આવી જતાં તેમણે આ ‘રમત’ પકડી પાડતાં વોર્ડ ઓફિસરો દોડતાં થઈ ગયા હતા.
આ પણ વાંચો : રાઇડ્સ સંચાલકોના કારણે રાજકોટનો લોકમેળો ચકડોળે ચડયો : રાઇડ્સ સંચાલક લોબીએ SOP હળવી કરવા પોલિટિકલ દબાણ શરૂ કર્યું
શા માટે રાજકોટનો ક્રમ 37માંથી 19 આવ્યો?
>> ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શન સિસ્ટમ સુદૃઢ બની
» સોર્સ સેગ્રીગેશનને મહત્ત્વ આપવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારો જેમાં રેસિડેન્ટ સોસાયટી, કોમર્શિયલ વિસ્તારોમાં ટ્રેનિંગ અને વર્કશોપનું આયોજન
>> સુકો-ભીનો કચરો અલગ રાખવા નાગરિકોને તાલીમ આપવી
>> કન્સ્ટ્રક્શન વેસ્ટના પ્રોસેસિંગ માટે પ્લાન્ટનું સેટઅપ કર્યું
>> લોકો ઘરમાં જ વેસ્ટ ટુ કમ્પોસ્ટ કરી શકે તે માટે તાલીમ અપાઈ
>> સફાઈ અંગે લોકો પાસેથી ફિડબેક મેળવ્યા
>> નાકરાવાડી ખાતે કચરાનું પ્રોસેસિંગ કરી ખાતર ઉત્પન્ન કર્યા બાદ તેના થકી 30 એકર જમીન પર 2,25,000 વૃક્ષોનું વાવેતર કર્યું
>> ત્રણેય ઝોનની લાયબ્રેરીમાં આરઆરઆર સેન્ટર સેટઅપ કર્યું
દર વખતની જેમ આ વખતે પણ નાકરાવાડીએ જ નાક કાપ્યું
સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દર વખતે ધારણા પ્રમાણેનો ક્રમ મેળવી શકતું નથી તેના પાછળ નાકરાવાડી ડમ્પીંગ સાઈટ કે જયાં આખા રાજકોટનો કચરો એકઠો કરવામાં આવે છે તે જવાબદાર છે. અહીં 7500 કિલો જેટલો કચરો એકઠો થઈ ગયો હોય તેનો વ્યવસ્થિત નિકાલ ન થઈ રહ્યો હોવાને કારણે દર વર્ષે માર્કસ કપાઈ રહ્યા છે.