રાજકોટ જનાક્રોશથી ‘જાયન્ટ’ પોલીસ હળવી પડી : ‘સાયલન્ટ’ રીતે હેલ્મેટના ઈ-મેમો ચાલુ! હવે કેમેરા દંડશે
સોમવારની એ સવાર કે જ્યારે શહેરના 48 પોઈન્ટ ઉપર પોલીસના ધાડેધાડાએ ખડકાઈ જઈને હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હોય તેવા ટુ-વ્હીલર ચાલકને જાણે કે આતંકી કૃત્ય કર્યું હોય તે પ્રકારે 500 રૂપિયાના દંડની વસૂલાત શરૂ કરી દીધી હતી. સવારે ત્રણ કલાક અને સાંજે બે કલાક એમ પાંચ કલાક સુધી ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન 3500 લોકો પોલીસની ‘હડફેટે’ ચડી જતા લાખો રૂપિયા દંડરૂપે સરકારની તિજોરીમાં જમા થઈ ગયા હતા. જો કે પોલીસની આ કાર્યવાહી કે જેની અત્યારે કોઈ જ જરૂરિયાત ન્હોતી તેના વિરોધમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો જનઆક્રોશ ફાટી નીકળતા બીજા જ દિવસે ‘જાયન્ટ’ પોલીસ હળવી પડી ગઈ હતી અને દંડ વસૂલાત બંધ કરી દઈને ગુલાબ આપવાનું શરૂ કરી દીધું હતું.

જો કે મહત્ત્વની વાત એ છે કે હેલ્મેટ નથી પહેરી એટલે હવે પોલીસ દંડ નહીં વસૂલે તેવી મિથ્યામાં રાચવાની જગ્યાએ લોકોએ એક વાત યાદ રાખવી પડશે કે હવે પોલીસ સાક્ષાત્ નહીં બલ્કે સાયલન્સ એટલે કે તંત્રએ ગોઠવેલા કેમેરા તમને હેલ્મેટ નહીં પહેર્યું હોય તો દંડ ફટકારશે ! પ્રથમ દિવસે પેટ ભરીને દંડ વસૂલ્યા બાદ રાજકોટવાસીઓમાં અફડાતફડી મચી ગઈ હતી શાસકો તેમજ પોલીસ તંત્ર ઉપર માછલા ધોવાવાનું શરૂ થઈ જતાં આખરે પોલીસનું વલણ રાતોરાત બદલી ગયું હતું અને બીજા દિવસે સવારે પોલીસ સ્ટાફ પોઈન્ટ ઉપર ગોઠવાયો તો હતો પરંતુ દંડ વસૂલવા માટે નહીં બલ્કે ગુલાબ આપવા માટે !

વળી, મહત્તમ સમય અલિપ્ત જેવા રહેતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બીજા દિવસે એટલે કે મંગળવારે પત્રકાર પરિષદનું આયોજન પણ કરી નાખ્યું હતું અને તેમાં પોલીસ દંડ વસૂલવા માટે હેલ્મેટ ડ્રાઈવ નથી કરી રહી બલકે લોકોની સુરક્ષા માટે ફરજિયાત હેલ્મેટનું પાલન કરાવી રહી છે તેવી સૂફિયાણી વાતો પણ કરી હતી. જો કે સૌ કોઈ જાણે છે કે પોલીસ ઉપર એક દિવસ દરમિયાન જે પ્રકારે માછલા ધોવાયા હતા તેના કારણે જ પોલીસ કમિશનરે આ પ્રકારે પત્રકાર પરિષદને સંબોધન કરી મીડિયા થકી જ પોતાનો પક્ષ રજૂ કરવો પડ્યો હતો. એકંદરે હવે પોલીસ દ્વારા રસ્તા વચ્ચે ઉભા રહીને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડની વસૂલાત નહીં કરવામાં આવે પરંતુ હવે તેણે ઈ-મેમો થકી દંડ ફટકારવાનું નવું શસ્ત્ર સજાવી લીધું હોય તેના મારફતે પૈસાની ‘ઉઘરાણી’ તો યથાવત જ રહેવાની છે!
