PM મોદીના પોસ્ટર પર સ્યાહી ફેંકનારને શોધવા રાજકોટ પોલીસ ધંધે લાગી : રાત્રિના સમયે કારસ્તાન કરાયાનું આવ્યું સામે
બુધવારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટ આવ્યા હતા અને તેમના `ગ્રાન્ડ વેલકમ’ માટે શહેર ભાજપે કાર્યક્રમ સ્થળ આસપાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની તસવીર તેમજ લખાણ સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જો કે બહુમાળી ભવન ચોકમાં લગાવાયેલા પોસ્ટરમાં કોઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટા ઉપર સ્યાહી લગાડી દેતા ભાજપમાં દોડધામ થઈ પડી હતી અને પોસ્ટરને તાત્કાલિક દૂર કરાવાયું હતું.

બીજી બાજુ આ હરકત કરનારને શોધવા માટે સવારથી જ પ્ર.નગર પોલીસ મથકની ટીમે સવારથી જ દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની હરકત રાત્રિના સમયે કોઈએ કરી હોવાનું લાગી રહ્યું છે. વળી, જ્યાં આ પોસ્ટર હતુ ત્યાં બહુમાળી ભવન ચોક આસપાસ કોઈ જ સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસે આસપાસના બિલ્ડિંગમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ચકાસવા પડ્યા હતા પરંતુ તેમાં પણ કોઈ જ સચોટ કડી ન મળતાં હાલ પોલીસ બરાબરની ધંધે લાગી ગઈ છે.
આ પણ વાંચો :ફરી પહેલગામ જેવા હુમલાના કાવતરાની શંકા! સૈન્ય કમાન્ડર મનોજ કુમારે કહ્યું, હવે ભારતનો હુમલો અત્યંત ઘાતક હશે
જ્યારે શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડૉ.ભરત બોઘરા સહિતના આગેવાનોએ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી રાકેશ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓને આ હરકત કરનારને તાકિદે ઝડપી લેવા માટે મૌખિક વાતચીત કરી હતી. ભાજપ આગેવાનોએ `વોઈસ ઓફ ડે’ને જણાવ્યું કે બુધવારે જગદીશ વિશ્વર્ક્મા રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે માત્ર પોલીસ સાથે મૌખિક વાતચીત કરાઈ છે. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આજે જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.
