રાજકોટ પોલીસ કમિશનરના ફેક ID, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બીજી દુનિયામાંથી આવતી હોવી જોઈએ! વાંચો કાનાફૂસી
રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ચાર્જ સંભાળ્યો ત્યારથી લઈ આજ સુધીમાં તેમના નામના અનેક બનાવટી ફેસબુક આઈડી (ઈન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ હોઈ શકે) બની ચૂક્યા છે. ખુદ પોલીસ કમિશનર અનેકવખત કહી ચૂક્યા છે કે તેમના ધ્યાન ઉપર આવા દસથી પંદર એકાઉન્ટ બની ગયા છે અને તેમના નામ તેમજ હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ આવા વધુ બે એકાઉન્ટ સામે આવ્યા જેમાં પોલીસ કમિશનરની તસવીર, નામ અને હોદ્દાનો ઉપયોગ કરી રાજકોટ સહિત અન્ય શહેરોમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવામાં આવી છે. આવું જ કંઈક છાશવારે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં આ પ્રકારે વારંવાર ધમકી મળી ચૂકી છે. આ બન્ને મુદ્દા સાયબર ક્રાઈમ પોલીસ મથકની `મહેનત’ માંગી લેનારા છે. જો પોલીસ આ બન્ને દિશામાં ગંભીરતાથી ધ્યાન કેન્દ્રીત કરી તપાસ કરે તો ચોક્કસ આરોપી સુધી પહોંચી શકે છે પરંતુ જાણે કે પન્નો ટૂંકો પડતો હોય તે પ્રકારે હજુ સુધી આ બન્ને `હરકત’ કરનાર પકડાઈ રહ્યો ન હોય અત્યારે તો એવું જ માનવું પડે કે કમિશનરના ફેક આઈડી અને કોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવાનું કદાચ કોઈ બીજી દુનિયામાંથી ચાલતું હોવું જોઈએ. અમદાવાદ, સુરત, વડોદરા સહિતની સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ આ મુદ્દે ખૂબ જ એક્ટિવ હોવાનું લોકોને લાગ્યા વગર રહેતું નથી કેમ કે ત્યાંની બ્રાન્ચ દ્વારા મુળ સુધી પહોંચી આરોપીનો ચહેરો લોકો સમક્ષ ખુલ્લો પાડવામાં આવ્યો છે.
નેતા હોય કે પોલીસ, ક્રિકેટ મેચની ટિકિટ માટે `છેડો’ શોધવા મજબૂર બનવું જ પડે !
14 જાન્યુઆરીએ એક બાજુ રાજકોટમાં પતંગના પેચ જામશે તો બપોરે 1ઃ30 વાગ્યાથી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર ભારત-ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે ક્રિકેટરૂપી બેટ-બોલનો પેચ લાગશે. એક તો રાજકોટમાં ત્રણ વર્ષે એક વખત વન-ડે મુકાબલો આવતો હોય તેને સ્ટેડિયમમાં બેસીને નિહાળવાનો ચસ્કો પણ ક્રિકેટરસિકોમાં રહેતો હોય ટિકિટ માટે આમથી તેમ દોડધામ કરતાં દેખાયા વગર રહેતા નથી. ખેર, આ વાત સામાન્ય જનતાથી થઈ પરંતુ નેતાઓ અને પોલીસ પણ ક્રિકેટ મેચની ટિકિટનો `છેડો’ શોધવા માટે મજબૂર બન્યા હોવાની `કાનાફૂસી’ શરૂ થઈ જતાં આશ્ચર્ય પામ્યા વગર રહી શકાય તેમ નથી ! મેચ આડે હવે બે દિવસનો સમય બાકી છે ત્યારે ઘણાખરા રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ તેમના સંપર્ક `જાળવવા’ માટે મેચ ટિકિટની `વ્યવસ્થા’માં લાગેલા જોવા મળી રહ્યા છે. સામેથી ફોન આવે કે `સાહેબ, મને મેચની બે ટિકિટ જોઈએ છે, સાહેબ, મારે તો પરિવાર સાથે મેચ જોવા જવું છે. પ્લીઝ, કંઈક કરી આપજો’ આ પ્રકારની વાતચીત થયા બાદ ફોન કટ કરીને બીજો જ ફોન ટિકિટની વ્યવસ્થા કરી આપનાર વ્યક્તિને થાય છે અને `આટલી ટિકિટ તો કરવી જ પડશે નહીંતર નીચે જોવા જેવું થશે’ તેવા શબ્દો પણ મૂખમાંથી નીકળ્યા વગર રહેતા નથી ! હવે મેચ પૂરી નહીં થાય ત્યાં સુધી પોલીસ અને રાજકારણીઓને ટિકિટનું `ટેન્શન’ રહેવાનું છે. અમુક અધિકારીઓ-રાજકારણીઓ તો એવું પણ કહેતાં સાંભળવા મળ્યા કે હજુ તો વાઈબ્રન્ટનો `થાક’ ઉતર્યો નથી ત્યાં આ નવું ટેન્શન આવી ગયું. અમે તો મેચ જોવા જતાં નથી પણ જેને જવું છે એને સાચવવા માટે કાંઈક કરવું તો પડશે જ ને ? ભલે થોડું ખીસ્સું હળવું થઈ જાય પરંતુ સંબંધ સાચવવો જરૂરી છે !
કાલાવડ રોડ પર ચા-પાનની અમુક હોટેલ પોલીસની ‘ક્રુર’ મજાક કરે છે !
રાજકોટમાં સામસામું ફાયરિંગ કર્યા બાદ ગેંગવોર અન્ય કોઈ ખૂંખાર ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે ટપોરીઓનો ઘડોલાડવો કરી નાખતાં ગુજસીટોક હેઠળ જેલમાં પૂરી દીધાં છે. જો કે આ પછી શહેરમાં રાત્રે 11ઃ30 વાગ્યા બાદ ખુલ્લી રહેતી ચા-પાનની દુકાન-હોટેલોને બંધ કરાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ત્રણ દિવસ પહેલાં જ કાલાવડ રોડ પર આવેલી ચા-પાનની અમુક હોટેલ પર એવા દૃશ્યો જોવા મળ્યા જે પોલીસની `ક્રુર’ મજાક હોય તેવા લાગ્યા વગર રહેતા ન્હોતા ! મહિલા કોલેજ અન્ડરબ્રિજ ચડતાં જ ચા-પાનની હોટેલ આવવાનું શરૂ થઈ જાય છે જે કેકેવી ચોક સુધી થોડા-થોડા અંતરે યથાવત રહે છે. અહીં 112ની બે બોલેરો જીપ 11ઃ30 વાગ્યા આસપાસ ફુલ ફોર્સથી સાયરન વગાડતી આવે છે, થોડીવાર હોટેલ સામે ઉભી રહીને સાયરન વગાડ્યે રાખે છે જેના કારણે નાસભાગ મચે છે. આ પછી ડ્રાઈવર સાઈડથી બે લોકો લાકડી લઈને નીચે ઉતરે છે અને ઝગમગાટ કરતી લાઈટ બંધ કરાવી દે છે. અહીંથી થોડે દૂર આવેલી બીજી હોટેલને બંધ કરાવવાનું શરૂ થાય છે. જો કે જેવી પોલીસ થોડી દૂર જાય છે કે અગાઉ બંધ કરાયેલી દુકાન ફરી શરૂ થઈ જાય છે અને લાઈટ પણ ઝગમગાટ કરવા લાગે છે. વાત આટલેથી જ પૂરી થતી નથી ! સંચાલકો એવું કહેતાં પણ સાંભળવા મળ્યા કે આ લોકોનું રોજનું થયું છે, એક વાર આવશે પછી સીધા બીજા દિવસે જ દેખાવાના છે એટલે તમતમારે હવે ચિંતા કર્યા વગર બિન્દાસ્ત ઉભા રહો ! હદ તો ત્યાં કહેવાય કે ચા-પાનની હોટેલના સંચાલકોને પોલીસની `કામગીરી’ ઉપર કેટલો વિશ્વાસ હશે !!
શું હંસલા-પોપટ માંગ્યા કરો છો, જિરાફ-હિપ્પોપોટેમસ માંગો ને !
રાજકોટીયન્સ માટે ફરવા માટે સૌથી પ્રિય સ્થળ કોઈ હોય તો તે પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. અહીં મહાપાલિકા દ્વારા સિંહ-વાઘ-દિપડા-રિંછ સહિતના અનેક પ્રાણીઓ ઉપરાંત વૈવિધ્ય ધરાવતા પક્ષીઓ મુકવામાં આવ્યા છે. તાજેતરમાં જ બન્યું એવું કે મહાપાલિકાએ વડોદરાના સયાજીબાગ ઝૂ સાથે પ્રાણી-પક્ષીઓની અદલા-બદલી કર્યાની જાહેરાત કરી હતી. મહાપાલિકાએ વડોદરા ઝૂને સફેદ વાઘ, હરણ સહિતના પ્રાણીઓ આપ્યા તો સામે તેમને કાળા હંસ, પોપટ સહિતના પક્ષીઓ મળ્યા. આ અદલા-બદલી જોઈને રાજકોટના ઝૂમાં જિરાફ-હિપ્પોપોટેમસ સહિતના પ્રાણીઓ જોવા માટે તલપાપડ શહેરીજનો એવું કહેતાં સાંભળવા મળ્યા હતા કે મહાપાલિકા શું જ્યારે જોવો ત્યારે હંસલા-પોપટ જેવા પક્ષીઓ જ માંગ્યા કરે છે, શું તેમને જિરાફ, હિપ્પોપોટેમસ જેવા પ્રાણીઓ આપી શકે તેવું કોઈ ઝૂ હશે જ નહીં ? આ પ્રાણીઓ રાજકોટમાં આવે તો વિચાર કરો કે કેટલા બધાં લોકો પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાત લેશે. હવે શાસકો તેમજ અધિકારીઓએ આ દિશામાં વિચાર કરી જિરાફ-હિપ્પોપોટેમસ મળી શકે તેમ હોય તો ખરેખર માંગી લેવા જોઈએ જેથી શહેરીજનોની ઘરઆંગણે આવા મહાકાય પ્રાણીઓ જોવાની ઈચ્છા પૂરી થઈ શકે અને ઝૂની શોભામાં પણ વધારો થાય…!!
ચતુર કરો વિચાર ! દરેક મેચમાં 1500, 2000ના દરની ટિકિટ `મીસ્ટર ઈન્ડિયા’ કેમ બની જાય છે…
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બુધવારે રાજકોટમાં વન-ડે મુકાબલો શરૂ થવાનો છે ત્યારે આ મેચ જોવા માટે ટિકિટનું વેચાણ પાંચ જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે. વેચાણ ઓનલાઈન થવાનું હોવાની જાહેરાત થતાં જ ક્રિકેટરસિકો પોતાના મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર સામે ગોઠવાઈ ગયા હતા અને 1500, 2000ની ટિકિટ ખરીદવા માટે પ્રયાસ શરૂ કરી દીધા હતા પરંતુ આ શું ? જેવી ટિકિટ સેલિંગ વિન્ડો ઓપન થઈ કે આ દરની ટિકિટ `સોલ્ડ આઉટ’ મતલબ કે વેચાઈ ગઈ છે એવું લખાણ આવવા લાગ્યું હતું ! હવે સવાલ એ થાય કે ટિકિટનું વેચાણ શરૂ થતાંની સાથે જ આ દરની ટિકિટ `મીસ્ટર ઈન્ડિયા’ મતલબ કે ગાયબ કેવી રીતે થઈ ગઈ હશે ? શું કોઈએ વિન્ડો ઓપન થતાંની સાથે જ એક સાથે તમામ ટિકિટ ખરીદી લીધી હશે કે પછી કોઈ બીજું કારણ હશે ? જે પણ કારણ હોય વાસ્તવિક્તા એ છે કે બહુ ઓછા `નસીબવંતા’ ક્રિકેટરસિકો હશે જેમને ઓછા દરની ટિકિટ નસીબ થઈ હશે અને જેમને નથી મળી તેઓ મનમાંને મનમાં અને ખુલ્લેઆમ કશુંક `બબડતાં’ પણ જોવા મળ્યા હતા !!
