રાજકોટ : પ્રેમીકાને પૈસા આપવા આવેલા યુવકની હત્યા, પુત્રી સાથે ઘરમાં જોતાંની સાથે જ પિતા ક્રોધે ભરાયા’ને ડાબા પગમાં છરીના ઘા ઝીંક્યા
ઉપલેટાનો મુસ્લિમ યુવકને પુત્રી સાથે ઘરમાં જોતાંની સાથે જ પીજીવીસીએલના નિવૃત્ત કર્મી ક્રોધે ભરાયા’ને ડાબા પગમાં છરીના ઘા ઝીંક્યા
પરિણીતાને પૈસાની જરૂર હોય તેને મદદ કરવા આવ્યો’ને મળ્યું મોત: હત્યારાને દબોચી લેવાયો
શહેરના રેલનગર વિસ્તારમાં દર્શિત વિલા કોલોનીમાં `હેત’ નામના મકાનમાં હત્યાનો ચકચારી બનાવ બનતાં સનસનાટી મચી જવા પામી હતી. ઉપલેટાથી પ્રેમીકાને પૈસા આપવા અને મુલાકાત કરવા માટે આવેલા યુવકને પુત્રી સાથે પોતાના જ ઘરમાં જોઈ જતાં ક્રોધે ભરાયેલા પિતાએ ડાબા પગના સાથળમાં છરીના ઘા ઝીંકી દેતાં યુવકની પ્રાણપંખેરું ઉડી જવા પામ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ઉપલેટામાં રહેતો આસીફ ઈકબાલભાઈ સમા (ઉ.વ.૩૩) રેલનગરમાં રહેતી પોતાની પ્રેમિકા કિરણ જીતેન્દ્રભાઈને મળવા માટે બપોરના સમયે રાજકોટ આવ્યો હતો. પોલીસની પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે કિરણને પૈસાની જરૂર પડતાં તેણે આસિફને કહ્યું હતું જેથી તે મદદ કરવા માટે અહીં આવ્યો હતો. આસીફ રાજકોટ આવીને સીધો કિરણના ઘેર ગયો હતો જ્યાં તેને પૈસા આપીને તેની સાથે બેઠો હતો બરાબર ત્યારે જ કિરણના પિતા અને પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારી રાજેન્દ્ર રાઠોડ બીજા માળેથી નીચે ઉતર્યા હતા. આ વેળાએ પુત્રીને આસીફ જોઈ જતાં એકદમ રોષે ભરાઈ ગયો હતો અને તુરંત જ રસોડામાંથી છરી લાવીને આસીફ ઉપર તૂટી પડ્યો હતો.
આસીફ હજુ કંઈ સમજે તે પહેલાં જ તેના ડાબા સાથળમાં છરી ઝીંકી દેતાં આસિફ લોહીલુહાણ થઈ ગયો હતો. આ પછી લોહી નીંગળતી હાલતમાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ રસ્તામાં જ તેનું પ્રાણપંખેરું ઉડી જતાં ખળભળાટ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડી ગયો હતો અને હત્યારા જીતેન્દ્ર રાઠોડને સકંજામાં લઈ આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી.
પ્રેમી-પ્રેમિકા બન્ને પરિણીત: ચાર સંતાનો છે
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે મૃતક આસિફ ઈકબાલ સમા અને જેના કારણે હત્યા થઈ તે કિરણ જીતેન્દ્રભાઈ બન્ને પરિણીત છે અને બન્નેને બે-બે સંતાનો છે. કિરણનો પતિ જીતેન્દ્ર રિક્ષા ચલાવે છે જ્યારે મૃતક આસિફ અગાઉ બેન્કમાં નોકરી કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે. આસિફના પરિવારજનો રાજકોટમાં રહેતાં હોય તેમને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કિરણ અને તેના પિતા ત્રણ વર્ષ પહેલાં જ ઉપલેટાથી રાજકોટ આવ્યા’તા
એવો પણ ખુલાસો થવા પામ્યો છે કે કિરણ અને તેના પિતા રાજેન્દ્ર રાઠોડ દસેક વર્ષ સુધી ઉપલેટા રહ્યા બાદ ત્રણ વર્ષ અગાઉ રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતા. કિરણ અને આસિફ ઉપલેટામાં રહેતા હતા ત્યારે જ પ્રેમ પાંગર્યો હતો જે બન્નેના લગ્ન થઈ ગયા ત્યાં સુધી યથાવત રહ્યો હતો. જો કે આ પ્રેમનું પરિણામ હત્યાના સ્વરૂપમાં આવ્યું છે.