9 લોકોને વડાપ્રધાન કરતાં પણ વધુ પગાર ચૂકવી ‘વિકાસ’ કરાવશે રાજકોટ મહાપાલિકા,જાણો કોને કેટલો પગાર ચૂકવાશે
રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મની શાસકીય બોડીનું વિસર્જન થવા આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને સંભવતઃ એપ્રિલ સુધીમાં ચૂંટણી જાહેર થઈ જવાની છે તે પહેલાં અધિકારીઓ પોતાનું ધાર્યું કરાવી રહ્યા હોય તે પ્રકારે બે મહિના પહેલાં નામંજૂર કરાયેલી દરખાસ્ત કોઈ પણ પ્રકારના સુધારા વગર જ મંજૂરી કરી લેવાતાં સૌના આશ્ચર્યનો પાર રહ્યો ન્હોતો. મહાપાલિકામાં પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની સ્થાપના કરી તેમાં ફરજ બજાવનારા નવ લોકોને વડાપ્રધાન કરતાં પણ વધુ પગાર ચૂકવી `વિકાસ’ કરાવવાની દરખાસ્ત આખરે મંજૂર થઈ જતાં હવે બે વર્ષ સુધી તંત્રની તિજોરીમાંથી 7.67 કરોડનો માતબર ખર્ચ થવો નિશ્ચિત બની ગયો છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા ગત 11-11-2025ના પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની સ્થાપના કરવા અને તેના પાછળ થનારા ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવી હતી. એ સમયે શાસકોએ એમ કહીને દરખાસ્ત નામંજૂર કરી હતી કે આ યુનિટની સ્થાપના પાછળ ખર્ચ વધુ થઈ રહ્યો છે. જો કે બે મહિનાની અંદર જ શાસકોનું હૃદય પરિવર્તન થઈ ગયું હોય તે પ્રકારે નામંજૂર કરાયેલી દરખાસ્તમાં કોઈ જ પ્રકારનો ખર્ચઘટાડો કર્યા વગર જ મંજૂરી કરી દેવામાં આવી હતી.
પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની વાત કરવામાં આવે તો તેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર (પીએમયુ) હેડને તંત્ર દ્વારા 24 મહિના સુધી 3,48,101 રૂપિયાનો પગાર ચૂકવશે. આ રીતે બે વર્ષની અંદર તેમને 83.54 લાખનું ચૂકવણું કરવામાં આવશે. આ જ પ્રકાર પાંચ પ્રોજેક્ટ મેનેજર-અર્બન મેનેજર, બે ટેક્નીકલ સપોર્ટ સ્ટાફ અને એક સપોર્ટ સ્ટાફ મળી બે વર્ષમાં કુલ 7.67 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યુનિટ શહેરમાં ચાલી રહેલા બ્રિજના કામ, રસ્તા કામ સહિતના ઉપર નજર રાખશે સાથે સાથે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેનું સતત ધ્યાન રાખશે. આ યુનિટનો કોન્ટ્રાક્ટ ડેલોઈટ ટચ થોમાત્સુ ઈન્ડિયા એલએલપીને આપવામાં આવશે. રાજકોટ મહાપાલિકા દ્વારા ઇજનેરોની ફોજને તોતિંગ પગાર ચૂકવાય છે. વર્ષે કરોડો રૂપિયાનો પગાર અપાય છે છતા બહારની એજન્સીઓ રાખી નાણાનું આંધણ થશે કે સદઉપયોગ તે સમય બતાવશે.

કમિશનરના મતે PMUની જરૂરિયાત શા માટે છે અને તેનો હેતું શું છે ?
શહેરના વિકાસકામોનું અગ્રતાક્રમ મુજબનું આયોજન (કામની વિગત)
- સમયસર કામ પૂરું કરવા માટે જરૂરી દેખરેખ
- ખર્ચનો યોગ્ય અહેવાલ અને નાણાકીય નિયંત્રણ
- ટેક્નીકલ માર્ગદર્શન
- સરકાર અને અન્ય જુદા જુદા વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરો વચ્ચે જરૂરી સંકલન
- અધિકારીઓ-કર્મચારીઓ માટે જરૂરી ટેક્નીકલ મદદ
કમિશનરે દરખાસ્તમાં શું કહ્યું ?
મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્તમાં જણાવાયું છે કે કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ માટે મળતી ગ્રાન્ટમાંથી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ જેવા કે રસ્તા નેટવર્ક, ડ્રેનેજ નેટવર્ક, પાણી પૂરવઠા નેટવર્ક, સ્ટોર્મ વોટર, વિવિધ બિલ્ડિંગ અને ઉદ્યાનો, સ્વચ્છતા અંતર્ગતના પ્રોજેક્ટ સહિતના કામ કરવામાં આવે છે. આ કામ માટે ગ્રાન્ટ મંજૂરી અર્થે ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) જે-તે લગત વિભાગમાં રજૂ કરવાનો હોય છે ત્યારબાદ ગ્રાન્ટ મંજૂર થયેલીથી જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. હાલમાં મહાપાલિકાના ત્રણેય ઝોનમાં અનેક પ્રોજેક્ટસના કામ માટે ડીપીઆર અગાઉથી તૈયાર થયા ન હોય, પ્રોજેક્ટસ માટે જગ્યાની ફાળવણી બાકી હોય, જગ્યા ક્લિયર ન હોય, વિવિધ વિભાગની મંજૂરી મેળવવામાં સમય વ્યતિત થતો હોય સહિતના કારણોથી પ્રોજેક્ટમાં વિલંબ થાય છે અને આર્થિક ભારતમાં પણ વધારો થાય છે સાથે સાથે સમયસર કામ પૂર્ણ ન થવાના કારણે ગ્રાન્ટનો પણ પૂરો ઉપયોગ થઈ રહ્યો નથી. આ ઉપરાંત સ્ટાફની ઘટ હોવાથી તેમણે પોતાની મુળ કામગીરી ઉપરાંત અન્ય ચાર્જને કારણે સાઈટ વિઝ અને પ્રોજેક્ટ મોનિટરિંગ ઉપર સમય આપી શકતા ન હોય તેની ગંભીર અસર પડે છે.
