અરજદારોને કચેરીમાં ‘ફોગટફેરા’ કરાવતી રાજકોટ મનપા : કાર્યક્રમ યોજવામાં ઉસ્તાદ મહાપાલિકા લોકોને સામાન્ય સુવિધા આપવામાં વામન
રાજકોટમાં કોઈ મોટો કાર્યક્રમ આયોજિત કરવાનો હોય એટલે હંમેશા અવ્વલ રહેતી મહાપાલિકા તેની જ કચેરીમાં આવતા અરજદારોને સામાન્ય સુવિધા આપવામાં વામણી પૂરવાર થઈ રહી છે. હજારોની સંખ્યામાં આવતા અરજદારોને કચેરીમાં કારણ વગર `ફોગટફેરા’ કરાવવામાં આવી રહ્યા હોય દેકારો બોલી જવા પામ્યો છે. આ દોડાદોડી બીજા કોઈ કારણ નહીં બલ્કે સાવ સામાન્ય કહી શકાય તેવા લીફ્ટ બંધ રાખવાને કારણે થઈ રહી છે.
એસ.ટી.બસ પોર્ટ પાસે આવેલી સેન્ટ્રલ ઝોન કચેરીમાં બે લિફ્ટ આવેલી છે જેમાં એક લિફ્ટ સુરક્ષા વિભાગથી થોડે દૂર અને બીજી લિફ્ટ ફાયર વિભાગ આવેલી છે. જો કે ફાયર વિભાગ પાસે આવેલી લિફ્ટ છેલ્લા 25 દિવસથી બંધ કરી દેવામાં આવતા જેમના ધ્યાન બહાર આ વાત રહી ગઈ હોય તે અરજદારોએ ત્યાંથી સામેનું બિલ્ડિંગ કે જ્યાં લિફ્ટ ચાલુ છે ત્યાં સુધી લાંબું થવું પડે છે. સૌથી વધુ તકલીફ દિવ્યાંગ તેમજ વૃદ્ધ અરજદારોને થઈ રહ્યાનું ધ્યાન પર આવ્યું હતું.
આ પણ વાંચો :IPL : પ્રશાંત-કાર્તિકની જેમ જ રાતોરાત કરોડપતિ બન્યા, અત્યારે કરિયર બચાવવા ઝઝૂમી રહ્યા છે આ ચાર ખેલાડીઓ
નવી લિફ્ટ એક મહિનામાં આવી જશેઃ બી.ડી.જીવાણી
આ અંગે રોશની વિભાગના એડિશનલ સિટી ઈજનેર બી.ડી.જીવાણીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ત્રણેય ઝોનમાં નવી લિફ્ટ મુકવામાં આવનાર છે. સેન્ટ્રલ ઝોનની વાત કરતા ઉમેર્યું કે આ લિફ્ટ છેલ્લા 25 દિવસથી બંધ કરવામાં આવી છે કેમ કે નવી લિફ્ટ ફિટ કરવામાં આવનાર છે. નવી લિફ્ટ એક મહિનામાં આવી જશે. આ લિફ્ટ આવી ગયા બાદ સેન્ટ્રલ ઝોન કચેરીમાં બીજી લિફ્ટ બંધ કરી તેના સ્થાને નવી મુકાશે.
કમિશનર સુધી પહોંચવાનો રસ્તો કાયમી બંધ

સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ સુધી જવા માટે એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હાલ કમિશનર રજા ઉપર હોવાથી સ્ટાફ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે આમ તો આ રસ્તો કાયમી બંધ જ રાખવામાં આવી રહ્યો છે છતા કોઈના ધ્યાન પર આ મુદ્દો નથી આવતો !
