ACBના ‘રડાર’માં આવેલા રાજકોટ મહાપાલિકાના ઈજનેરનો 2.31 કરોડના ટેન્ડરમાં કી-રોલ, જાણો શું છે સમગ્ર મામલો
TRP ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાના તંત્રમાં ધરબાઈ ગયેલો ભ્રષ્ટાચાર મોઢું ફાડીને બહાર નીકળી પડ્યો હતો અને એક બાદ એક અધિકારીઓને જેલના સળિયા પાછળ જવું પડયું હતું. આ બધાની વચ્ચે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ગત ર એપ્રિલે મહાપાલિકાના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DEE) અને જે-તે સમયે ટાઉન પ્લાનિંગ વિભાગમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (ATP) તરીકે ફરજ બજાવી ચૂકેલા અજય મનસુખભાઈ વેગડ વિરુદ્ધ ૭૫.૨૧ લાખ રૂપિયાની બેનામી સંપત્તિ વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ તમામ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં જ તંત્ર દ્વારા 31 કરોડ રૂપિયાના ખર્ચે પેડક રોડને ગૌરવ પથ તરીકે વિકસાવવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેનો કી-રોલ એટલે કે ચાવીરૂપ ભૂમિકા અજય વેગડને સોંપવામાં આવતા તરેહ-તરેહના પ્રશ્નો પણ ઉપસ્થિત થવા લાગ્યા છે. તંત્ર દ્વારા અગાઉ પણ પેડક રોડને ડેવલપ કરવા માટેનું ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં સફળતા ન સાંપડતા બીજી વખત પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ ટેન્ડર પ્રક્રિયા આગળ ધપાવવાની જવાબદારી અજય વેગડને સોંપવામાં આવતા શું તંત્રને અન્ય કોઈ અધિકારી નહીં મળ્યા હોય કે આમને જ ટેન્ડર પ્રક્રિયા સોંપવી પડી તેવા સવાલ તો ઉપસ્થિત થઈ જ રહ્યા છે.
બીજી બાજુ ઉચ્ચ અધિકારીઓ પણ આ ગુના અંગે ખાસ્સા વાકેફ હોવા છતા કેમ વેગડને જ આ કામ સોંપ્યું હશે ? આ સહિતના સવાલો અત્યારે મહાપાલિકાની કચેરીમાં ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો : આજે ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળો રાઘવજી પટેલના હસ્તે ખુલ્લો મુકાશે : રૂ.8 કરોડનું વીમા કવચ, દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
અજય વેગડને સુપ્રીમ કોર્ટ તરફથી ‘રાહત’ મળી છેઃ ડે.મ્યુ.કમિશનર
આ અંગે મહાપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મનિષ ગુરવાનીએ જણાવ્યું કે અજય વેગડને સુપ્રીમ કોર્ટ તરફથી જૂલાઈના પ્રથમ સપ્તાહમાં ધરપકડ પર સ્ટે આપવામાં આવ્યો હતો. આ પછી તેમણે જામીન અરજી કરતા પાંચ ઓગસ્ટે તેમના આગોતરા જામીન પણ મંજૂર કરવામાં આવ્યા હોય હાલ તેઓ મહાપાલિકામાં ફરજ બજાવી શકે છે. રહી વાત કશી ગરબડ થવાની તો એ બિલકુલ શક્ય નહીં બને કેમ કે દરેક ટેન્ડર ઉપર કમિટી દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ એજન્સીને કામ સોંપવામાં આવશે.
ડી.એ. કેસમાં તાત્કાલિક ધરપકડ ન થઇ શકેઃ DYSP ગોહિલ
ACBના ડીવાયએસી કે.એચ.ગોહિલે જણાવ્યું હતું કે ટ્રેપની જેમ ડી.એ.કેસ મતલબ કે આવક કરતા વધુ સંપત્તિ વસાવવાના ગુનામાં તાત્કાલિક ધરપકડ ન થઈ શકે. આ જ કારણથી અજય વેગડની જે તે સમયે ધરપકડ કરવામાં આવી ન્હોતી.
