રાજકોટ મનપા ઇલેક્શન રોટેશન: એક જ ચર્ચા, કોઇના વોર્ડ બદલાશે તો કોઈ વ્યક્તિ જ કપાશે? વાંચો વિશેષ અહેવાલ
રાજ્યના ચૂંટણીપંચ દ્વારા મહાપાલિકાઓની બેઠકો પર જાહેર કરેલા રોટેશનમાં રાજકોટ મહાપાલિકાના 14 વોર્ડમાં બદલાવ તો આવ્યો સાથે સાથે અનેક એવા જૂના જોગીઓ, વર્તમાન નગરસેવકો, પદાધિકારીઓ અથવા તો આપડો આ ટર્મમાં તો ચાન્સ આવશે જ ની આશાઓમાં હશે તેઓની આશાઓ પર પાણીઢોળ થઈ પડશે.
જો પાર્ટીલાઈનમાં હશે મજબૂત હશે અને પાર્ટી અનુભવી કેટલાક ચહેરા રિપીટ કરવાની મુડમાં હશે તો આવા કદાવર અગ્રણીઓએ પોતાના વોર્ડ બદલવા પડશે કે વોર્ડ બદલાશે. કેટલાકને લાયક છતાં રોટેશનના કારણે નમતું જોખીને કપાવાનું નિશ્ચિત જેવું ચિત્ર બન્યું છે. જો કે આખરી નિર્ણય તો હાઈકમાન્ડનો રહેશે તેવા શબ્દો પણ વોર્ડ બદલાવ કે કપાવાના હશે તો બોલવા પડશે. બદલાયેલા રોટેશનમાં ક્યાં વોર્ડમાં, કોને કેવી અસર થાય તેના પરનો એક ચિતાર અત્રે પ્રસ્તુત છે.
વોર્ડ નં.1 : તો વર્તમાન નગરસેવક ખિમાણિયાને વોર્ડ બદલવો પડશે
ગત ટર્મમાં વોર્ડ નં. 1ની સ્થિતિ જોઈએ તો એક મહિલા અનામત ઉપરાંત ત્રણ બેઠક સામાન્ય હતી. આ સામાન્ય બેઠક પરથી OBC ચહેરા અને એ સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હિરેન લાભુભાઈ ખીમાણીયાને લડાવવામાં આવ્યા હતા. આ વખતે નવા રોટેશનમાં સ્ત્રીની એક બેઠક OBC થઈ છે. જો હવે ફરી આ જ વોર્ડમાંથી હિરેનભાઈ લડે તો સ્ત્રી અને પુરૂષ બે બેઠક OBC થાય. આ ફેક્ટર જોતા કદાચ હિરેન ખીમાણીયાને હવે લડવું હોય તો વોર્ડ બદલવો પડે તેવું ગણિત થઈ ગયું છે.
વોર્ડ નં.2: ચારમાંથી બે બેઠક બદલાતા ઠાકર, રાડિયાની જોડી તૂટશે?
વોર્ડ નં.2માં ગત ટર્મમાં સ્ત્રી અને પુરૂષની ચારેય બેઠક સામાન્ય હતી અને ચારેય બેઠક પર સવર્ણ ચહેરાઓ લડ્યા હતા. હવેના ઈલેક્શનમાં એક બેઠક અનુસૂચિત સ્ત્રી અને પુરૂષ એક બેઠક પછાત વર્ગની થઈ છે. જે જોતા વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમીન ઠાકર, શાસકપક્ષના નેતા મનિષભાઈ રાડિયા બન્ને ધારે તો પણ એક વોર્ડમાંથી લડવું હવે શક્ય નથી. જો લડવું હોય તો બન્નેમાંથી કોઈ એકે વોર્ડ બદલાવો ફરજિયાત થઈ પડશે અથવા તો પાર્ટીનો આખરી આદેશ શિરોમાન્ય રાખવો પડશે. આવી રીતે એક સ્ત્રી સામાન્ય બેઠકમાં કઈ જ્ઞાતિને લડાવવી તે પણ એક મુદ્દો બનશે.
આ પણ વાંચો : 72માંથી માત્ર 22 બેઠક સવર્ણ વર્ગની રહી, દાવેદારોમાં ગણગણાટ કે આમાં પણ ભાગ પડશે તો? જાણો રાજકોટના કયા વોર્ડમાં કસોકસનો જંગ જામી શકે ?
વોર્ડ નં.3 : કોઈ ફેરબદલ થઇ નથી
વર્તમાન ચારમાંથી કોઈ ઉમેદવારો બદલાશે કે કેમ ? તે જ્યારે નામાવલી જાહેર થાય ત્યારે જ કોનું નસીબ ખૂલ્યું તે બહાર આવશે.
વોર્ડ નં.4: જો લડવું હોય તો કુંગસિયાએ નવું સ્થાન શોધવું પડે!
વોર્ડ નં.4માં ગત ટર્મમાં જે સ્થિતિ હતી તે મુજબ જ કોઈ ફેરબદલ થઈ નથી. એક સ્ત્રી પછાત અને અન્ય ત્રણ બેઠક સામાન્ય હતી. આ ચારેય બેઠકો પરથી સ્ત્રી પછાતમાં ઉપરાંત સામાન્ય બેઠક પરથી પણ પછાત વર્ગના પુરૂષ ઉમેદવારને ભાજપે લડવાની તક આપી હતી અને એક સામાન્ય બેઠક કપાઈ હતી. આ વખતે ભાજપ દ્વારા રોટેશન મુજબ એક OBC મહિલા ઉપરાંત ત્રણ સામાન્ય ઉમેદવારને લડાવવામાં આવશે ? જો ત્રણ બેઠક સામાન્ય તરીકે લડાવવામાં આવે તો વર્તમાન નગરસેવક કાળુભાઈ કુંગશિયાને વોર્ડ બદલવો પડે અથવા લડવાનું મોકૂફ રાખવું પડે.
વોર્ડ નં.5: અનુસૂચિત પુરૂષ ચહેરો કપાશેઃ OBCને તક મળશે
વોર્ડ નં.૫ની ગત ટર્મની સ્થિતિમાં પુરૂષ અનુસૂચિત જાતિ બેઠક બદલાઈને પછાત વર્ગની થઈ છે. અન્ય ત્રણ બેઠક સામાન્ય રહી છે. વોર્ડ નં.૫ના વર્તમાન ચાર કોર્પોરેટરમાં અનુસૂચિત જાતિ પુરૂષ ઉપરાંત સામાન્ય મહિલા બેઠક પરથી OBC મહિલાને લડાવાયા હતા અને વિજયી બન્યા હતા. આગામી ચૂંટણીમાં ભાજપ આ વખતે ઘટેલી સામાન્ય બેઠકો વધુ ઘટે નહીં તે ધ્યાને રાખશે તો ગત ટર્મમાં સામાન્ય બેઠક પર OBC મહિલા ચહેરાને મળેલી તક કપાશે. રોટેશન મુજબ ઉમેદવાર ઉભા રખાશે તો પછાત પુરૂષ ઉપરાંત ત્રણ સામાન્ય બેઠક રહેશે.
વોર્ડ નં.6: બે બેઠકો બદલાઈ, સમિકરણો પણ ફરશે
વોર્ડ નં.6માં ગત ટર્મમાં ચારેય બેઠક સામાન્ય હતી જે આ વખતે મહિલા અનુસૂચિત જાતિ અને પુરૂષ પછાત વર્ગની બે બેઠક સામાન્ય રહી છે. ગત ટર્મમાં સામાન્ય બેઠક હોવા છતાં ભાજપે બે OBC મહિલા અને એક OBC પુરૂષને લડાવ્યા હતા. એક બેઠક પર સામાન્ય સવર્ણને અપાઈ હતી. હવેના નવા ફેરબદલમાં બે બેઠક તો રોટેશન મુજબ OBC અને અનુસૂચિત જાતિની થઈ ગઈ છે જેથી આ નવા બદલાયેલા સમિકરણમાં વોર્ડ નં.6માં વર્તમાન નગરસેવકોમાંથી કોને તક મળે અને કોણ કપાય ? તે યાદી બોલશે.
વોર્ડ નં.7: પુરૂષ બેઠક બદલાતા માંકડ, શુક્લમાંથી કોણ?
વોર્ડ નં.7માં અનુસૂચિત જાતિ સ્ત્રી બેઠક નવા રોટેશનમાં પછાત કરાઈ છે અને સાથે પુરૂષની બે સામાન્ય બેઠકમાંથી એક બેઠક અનુસૂચિત આદિ જાતિની કરી નખાતા વોર્ડ નં.7માં બેઠકો બદલાયા સાથે સાથે ઘણું બધું બદલાશે તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. વર્તમાન બે નગરસેવકો ભાજપના પૂર્વ મહામંત્રી દેવાંગ માંકડ અને ભાજપ પરિવારના જ એક સમયના મોભી ચીમનભાઈ શુક્લના પુત્ર નગરસેવક નેહલ બન્ને જો આ વોર્ડમાંથી લડવા માગતા હોય તો કોઈપણ એક ચહેરો જ લડી શકશે અથવા તો જો લડવું હોય તો વોર્ડ બદલાવો પડશે. આખરે તો પાર્ટી જે નક્કી કરે તે શિરોમાન્ય રાખવું પડશે.
વોર્ડ નં.8: એક પુરૂષ બેઠક પછાત થતાં ગણિત પણ ફરશે
વોર્ડ નં.8ની ચારેય બેઠકો ગત ટર્મમાં સામાન્ય હતી જેમાં આ વખતે ફેરબદલ સાથે પુરૂષની એક બેઠક પછાત વર્ગને આપવામાં આવી છે. આ નવું બદલાયેલું ચિત્ર વર્તમાન બે પુરૂષ નગરસેવકોને અસરકારક બની જશે. બન્ને પાટીદાર નગરસેવકો પૈકી જો બન્ને લડવા માગતા હોય તો એકે જતું કરવું પડશે અને જો બન્નેને પાર્ટી પડતા મુકીને કોઈ નવા ચહેરાને તક આપશે તો પણ સામાન્ય રીતે પાટીદારની ગણતરી એક બેઠક પર કાપ આવશે.
વોર્ડ નં.9: બે બેઠકો બદલાઇ, બીજી બન્ને બેઠક પાટીદારને?
વોર્ડ નં.૯ની બે સ્ત્રી બેઠક સામાન્ય હતી જેમાંથી એક બેઠક પછાત વર્ગની કરાઈ છે. જ્યારે પુરૂષ પછાત વર્ગની બેઠક બદલીને અનુસૂચિત જાતિની કરવામાં આવી છે. ફેરફારને લઈને આ વખતે બે બેઠક સામાન્ય રહેશે. વર્તમાન નગરસેવક જીતુ કાટોડિયા લડવા ઈચ્છતા હશે તો પણ પછાત બેઠક બદલાઈ જતાં તેઓને વોર્ડ બદલાવો પડે. આ વોર્ડમાં તક ન મળે અથવા તો આખરે પાર્ટી પડતા મુકવાનો નિર્ણય કરે તો તે પણ સ્વીકારી લેવો પડે. આવી જ રીતે જ્ઞાતિ સમિકરણો બેલેન્સ કરવા બન્ને સામાન્ય બેઠક પર પાટીદાર ચહેરા જ લડાવાશે કે અન્ય સવર્ણ જ્ઞાતિને તક મળશે ?
વોર્ડ નં.10: પુરૂષ બેઠક પછાત કરી નખાતા ઘણું ઉલટ-સુલટ થશે
ગત ટર્મમાં મહિલા પછાત વર્ગ બેઠક હતી તે બદલીને આ વખતે પુરૂષ પછાત વર્ગની બેઠક કરી નખાઈ છે. જેને લઈને હવે લડવા ઈચ્છુકોમાં પણ ઘણું ઉલટ-સુલટ થશે કે કરવું પડશે. વર્તમાન નગરસેવકોમાં સ્ત્રી અને પુરૂષની એક-એક બેઠક પર લેઉવા તથા કડવા પાટીદાર અને એક બેઠક પર ક્ષત્રિય છે. જ્ઞાતિના સમિકરણો અને વોટ બેન્કને ધ્યાને લઈને ટિકિટની ફાળવણી કરાશે તો પણ એક સવર્ણ પુરૂષ નગરસેવક કપાશે એ નિશ્ચિત છે જેથી આગામી ચૂંટણીમાં લડવા સપના જોનારા પુરૂષોએ તક મળે તો પોતાના પરિવારની મહિલાને લડાવીને રાજી રહેવું પડશે.
વોર્ડ નં.11: સામાન્ય બેઠકના ગણિત જાળવવા એકનું કપાવું નિશ્ચિત!
ચાર બેઠકમાં ગત ટર્મમાં પુરૂષ એક બેઠક અનુસૂચિત અને ત્રણ બેઠક સામાન્ય હતી જે પૈકી અનુસૂચિત બેઠક આ વખતે પછાત પુરૂષ બેઠક કરી નખાઈ છે. ગત ત્રણ સામાન્ય બેઠક પરથી એક સ્ત્રી બેઠક પર OBC મહિલાને ભાજપે લડાવ્યા હતા અને વિજેતા બન્યા હતા. આ વખતે પુરૂષ પછાત વર્ગ થઈ જતાં જો હવે આગામી ટર્મમાં સામાન્ય બેઠકની સંખ્યા ન તૂટે અને અન્ય જ્ઞાતિના મત બેલેન્સને ધ્યાને રાખીને ભાજપ ટિકિટની ફાળવણી કરશે તો વર્તમાન નગરસેવિકા લીલુબેન જાદવનું કપાવું નિશ્ચિત જેવું છે.
વોર્ડ નં.12: કદાચ પૂર્વ મેયરનો માર્ગ મોકળો થશે?
ગત ટર્મમાં આ વોર્ડમાં પછાત મહિલા અને ત્રણ સામાન્ય બેઠક હતી આમ છતાં બે પુરૂષ સામાન્ય બેઠક પૈકી એક બેઠક પરથી OBC ચહેરો પૂર્વ મેયર પ્રદીપ ડવ લડ્યા હતા. વિજેતા બનીને મેયર સુધી પદ પામ્યા હતા. આ વખતે હવે નવા રોટેશનમાં જ સામાન્ય પુરૂષને બદલે એક સીટ પછાત (OBC) થઈ ગઈ છે અને પછાત સ્ત્રીની બેઠક સામાન્ય કરાઈ છે. આ ફેરબદલ જોતા ગત વખતે સામાન્ય બેઠક પર લડેલા પ્રદીપ ડવને લડવું હશે અથવા પાર્ટી તક આપશે તો તેના માટે OBC બેઠક હોવાથી માર્ગ મોકળો થઈ જશે.
વોર્ડ નં.13: બદલાવ નહીં, કોણ લડે તે જોવું રહ્યું
નવા રોટેશનમાં વોર્ડ નં.13 પણ આબાદ રહ્યો છે. કોઈ બદલાવ થયો નથી. સ્ત્રી OBC ઉપરાંત અન્ય ત્રણ સીટ સામાન્ય હતી. OBC મહિલા બેઠક પર લડતા જયાબેન તેમના પતિ હરિભાઈ ડાંગર પણ આ વોર્ડમાંથી નગરસેવક રહી ચૂક્યા છે. આવનારી ટર્મમાં જયાબેન રિપીટ થશે કે કોઈ OBC નવા મહિલા ચહેરાને તક મળશે ? જ્ઞાતિના સમિકરણો ધ્યાને રાખીને ચારેચાર વર્તમાન કોર્પોરેટર દંડક સુરેન્દ્રસિંહ વાળા, નીતિન રામાણી અને સોનલબેન સેલારા સહિતનાને રિપીટ કરાશે? કે પછી એક-બે ચહેરાને રિપીટ કરીને નવાને તક મળી શકશે ? તેવું વોર્ડ નં.13માં લડવા ઈચ્છુકોમાં પણ આંતરિક રીતે ગણગણાટ ચાલી રહ્યો છે.
વોર્ડ નં.14: મહિલા બેઠક OBC થતાં હવે કોનું ગજ વાગશે?
આ વોર્ડમાં ગત ટર્મમાં મહિલા બેઠક અનુસૂચિત જાતિની હતી તે આ વખતેપછાત વર્ગની થઈ ગઈ છે. ગઈ વખતે ત્રણ બેઠક સામાન્ય હતી છતાં એક બેઠક પરથી OBC પુરૂષને તક અપાઈ હતી અને વિજેતા બન્યા હતા. નવા રોટેશનમાં સ્ત્રી બેઠક OBC થઈ ગઈ હોવાથી બે-બે સીટ કદાચ OBCને ન આપવામાં આવે તો વર્તમાન નગરસેવક સેનિટેશન ચેરમેન નિલેશ જળુએ લડવું હોય તો વોર્ડ બદલવો પડે અથવા તો પરિવારના કોઈ સ્ત્રી માટે ટિકિટની માગણી કરવી પડશે. જ્ઞાતિ ફેક્ટર મુજબ વોટરવર્કસ ચેરમેન કેતન ઠુંમર પણ દાવેદારી કરી શકે.
વોર્ડ નં.15: બે બેઠક પછાતવર્ગની થતા હવે સાગઠિયા કે દાઉદાણી?
મહિલાની એક બેઠક અનુસૂચિત આદિજાતિ હતી. અન્ય ત્રણ બેઠક સામાન્ય હતી. હવે એક મહિલા, એક પુરૂષ બે બેઠક પછાત વર્ગની બેઠક કરાઈ છે. આ વોર્ડ અત્યારે કોંગ્રેસના કબજામાં છે અને અનુસૂચિત આદિ મહિલા કોમલ ભારાઈ ઉપરાંત ત્રણ સામાન્ય બેઠક પરથી મહિલા OBC ભાનુબેન સોરાણી, અનુસૂચિત જાતિના વશરામભાઈ સાગઠિયા અને લઘુમતી મકબૂલ દાઉદાણી લડયા હતા. હવે બે બેઠક ફરજિયાત પછાત વર્ગની થઈ જતાં સામાન્ય પુરૂષ બેઠક પરથી લડવું હોય તો વશરામ સાગઠિયા અથવા મકબુલ દાઉદાણી લડી શકે. અન્ય એકે વોર્ડ બદલાવો પડે.
વોર્ડ નં.16: મહિલા-પુરૂષની બે બેઠક પર બદલાવ કોને નડશે?
વર્તમાન ચારેય બેઠક સામાન્ય હતી. નવા રોટેશનમાં સ્ત્રીની એક બેઠક પછાત અને પુરૂષની એક બેઠક અનુસૂચિત જાતિ થઈ ગઈ છે. આ ફેરબદલાવ થતાં વર્તમાન ભાજપના ચારેય નગરસેવકો પૈકી વધુ અસર નરેન્દ્ર ડવને પડી શકે. કારણ કે, તેઓ OBC હોવાથી ભાજપ એક OBC મહિલાને લડાવે તો સામે જ્ઞાતિના સમિકરણો બેલેન્સ કરવા OBC પુરૂષને ટિકિટ કદાચ ન આપવાનું નક્કી કરે તો નરેન્દ્ર ડવે લડવું હોય તો વોર્ડ બદલાવો પડે અથવા તો તેમના કોઈ મહિલા સભ્ય માટે ટિકિટના પ્રયાસ કરવા પડે.
વોર્ડ નં.17: રોટેશનમાં કોઈ ફેર નથી, ટિકિટ કોણ લઇ આવે તે જોવું રહ્યું!
વોર્ડ નં.17 નવા રોટેશનમાંથી આબાદ રહી ગયો છે. કોઈ બદલાવ નથી. ગત વખતની માફક બે સ્ત્રી સામાન્ય, એક પુરૂષ પછાત અને એક પુરૂષ સામાન્ય છે. જો કે ભાજપે આ બેઠકમાં એક OBC મહિલાને સામાન્ય બેઠક પરથી લડાવ્યા હતા. નવા રોટેશનમાં સામાન્ય બેઠકોમાં આમેય ઘટાડો થયો હોવાથી જો સામાન્ય બેઠક પર OBC મહિલાને તક ન અપાય તો આ વખતે અનીતાબેન ગોસ્વામીએ વોર્ડ બદલવો પડે અથવા તો લડવાનું પડતું મુકવું પડે. વર્તમાન નગરસેવિકા કીર્તિબા રાણા, OBC રવજીભાઈ મકવાણા અને વિનુભાઈ ધવા ફરી ટિકિટ મેળવી શકશે કે કોઈ નવા ચહેરા આવશે ?
વોર્ડ નં.18: પુરૂષ અને સ્ત્રીની બે બેઠક અનામત થતાં કોણ કપાશે?
ગત ટર્મમાં ચારેય બેઠકો સામાન્ય હતી. નવા રોટેશનમાં સ્ત્રીની એક બેઠક પછાત થઈ અને પુરૂષની એક બેઠક અનુસૂચિત જાતિને ફાળવાઈ. બે બેઠક સામાન્ય રહી છે. આ વોર્ડમાં વર્તમાન કોર્પોરેટરને મહિલા સામાન્યમાં ભારતીબેન પરસાણા રિપીટ થાય તો સંજયસિંહ રાણા અને સંદીપ ગાજીપરા જો લડવા ઈચ્છુક હોય તો બન્નેમાંથી એકે પડતું મુકવું પડે અથવા જે વધુ જોર કરી શકે તે ટિકિટ લઈ શકે અથવા તો કોઈ નવાને પણ તક મળી શકે. જ્ઞાતિના સમિકરણ બેલેન્સ કરવા વર્તમાન પુરૂષ નગરસેવકને કાપીને કોઈ મહિલાને આપવાની થાય તો ભારતીબેનની સીટ કપાઈ શકે.
