રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
રાજકોટ મહાપાલિકામાં ભાજપ શાસિત બોડીનું શાસન તા.11-3ને બુધવારે પૂર્ણ થયું છે. નવી ચૂંટણી ન યોજાય, નવા શાસકો ન નિમાય ત્યાં સુધી હવે વહીવટદાર શાસનના યુગનો આજથી આરંભ થયો છે. રાજકોટ મનપાના વહીવટદાર તરીકે રાજકોટના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન તા.12ને ગુરૂવારના રોજ ચાર્જ સાંભળ્યો છે. હવે મહાપાલિકાનો વહીવટ વહીવટદાર કરશે તેમનો વટ ચાલશે.
11મા વહિવટદાર તરીકે રેમ્યા મોહને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો
રાજકોટ મહાનગરપાલિકાના 11મા વહિવટદાર તરીકે રેમ્યા મોહને આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. મનપા કચેરી ખાતે પહોંચતા જ તેમણે મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરો તેમજ સિટી ઇજનેરો સાથે બેઠક યોજી અને શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આજે તેમણે વહિવટદાર તરીકે જવાબદારી સંભાળી છે અને આગામી સમયમાં રાજકોટ શહેરમાં રોડ-રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા રેમ્યા મોહનની વહિવટદાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેઓ સવારે 10 વાગ્યે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મનપાના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સીધા મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. અગાઉ જ્યાં મેયર બેસતા હતા તે ચેમ્બરમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યાં પહોંચ્યા બાદ તેમણે મ્યુનિસિપલ કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી અને શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.
રેમ્યા મોહન હાલમાં ગાંધીનગરમાં નગરપાલિકાઓના વહીવટી કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમને રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ સપ્ટેમ્બર 2019થી રાજકોટના 49મા જિલ્લા કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન તેમની કામગીરી નોંધપાત્ર રહી હતી. જિલ્લા કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે તેમણે સઘન પગલાં લીધા હતા. રસીકરણ અભિયાન અને લોકડાઉન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ જોડાયેલા રહ્યા છે.
રેમ્યા મોહને જણાવ્યું હતું કે, આજથી તેમણે તેમની નવી જવાબદારી સંભાળી છે અને આવનારા સમયમાં જનહિતને ધ્યાનમાં રાખીને જરૂરી નિર્ણયો લેવામાં આવશે. સાંઢિયા પુલ અને જંગલેશ્વર વિસ્તારના પડતર પ્રશ્નો અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, વિવિધ પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કર્યા બાદ વહીવટી પ્રક્રિયા મુજબ યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. રાજકોટની જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર પૂર્ણ સહયોગ સાથે કામગીરી કરશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે શોર્ટ ટર્મમાં સ્ટોપગેપ વ્યવસ્થા તરીકે જે કામો કરવાની જરૂર પડશે તે અંગે તમામ વિભાગો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. હાલ કોઈ ચોક્કસ પ્રોજેક્ટ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી, પરંતુ પ્રાથમિકતા મુજબ કામગીરી આગળ વધારવામાં આવશે. ખાસ કરીને પીવાનું પાણી, રોડ-રસ્તા અને સફાઈ જેવી પાયાની સુવિધાઓમાં જનતાને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. શહેરી વિકાસ વિભાગમાં કાર્યરત હોવાથી તેઓ રાજકોટની પરિસ્થિતિથી સારી રીતે પરિચિત છે. તેમણે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે અને આગામી સમયમાં પ્રજાલક્ષી કાર્યોને વધુ વેગ આપવામાં આવશે.
અડધી સદીમાં 11મી વખત વહિવટદારની નિમણૂંક
રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાથી અત્યાર સુધી અનેક અધિકારીઓએ વહિવટદાર તરીકે જવાબદારી સંભાળી છે. વર્ષ 1974-75 દરમિયાન એન.એમ. બ્રિજલાણી, સી.સી. ડોક્ટર અને કે.ઓ. વરદને શાસન સંભાળ્યું હતું. ત્યારબાદ 1980-81માં આર. રામભદ્રન, 1993થી 1995 દરમિયાન અશોક કોશી અને અશોક નારાયણની નિમણૂંક થઈ હતી. વર્ષ 2000માં પી.એન. રોય ચૌધરી અને 2005માં જી.આર. અલોરીયાએ આ પદ પર સેવા આપી હતી. 2020થી 2021 દરમિયાન ઉદિત અગ્રવાલ બાદ હવે વર્ષ 2026માં રેમ્યા મોહન આ યાદીમાં સામેલ થયા છે. શહેરવાસીઓ આશા રાખી રહ્યા છે કે તેમના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સુધીના સમયગાળામાં શહેરની પ્રાથમિક સુવિધાઓ યથાવત્ રહેશે.
રાજકોટમાં વહીવટદારનું શાસન ચાલશે
જનમતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરસેવકો હવે આ ટર્મમાં નિવૃત્ત (પૂર્વ) થયા છે. જો આગામી ચૂંટણીમાં ટિકિટ મળે ને ફરી રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા ચલાવવા મળે તો અલગ વાત પરંતુ તારીખ 11ને બુધવારથી તમામની ખુરશી અને પદ છૂટ્યા અને હવે એક જ પદ વહીવટદારનું શાસન ચાલશે.
અત્યાર સુધી રાજકોટના વિકાસ કે અન્ય રેગ્યુલર વર્ક માટે 2021થી પાંચ વર્ષ સુધી ભાજપના 68 અને કોંગ્રેસના માત્ર ચાર કોર્પોરેટર ફાંફડી બહુમતી સાથે એકચક્રી શાસન સાથે અબજો રૂપિયાના કામોનો સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મંજૂરી સાથે વહીવટ ચાલ્યો હતો અને હવે તમામ કોર્પોરેટર ભૂતપૂર્વ બની ગયા છે.
રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં પણ વહીવટદારનું શાસન આવી ગયું છે. હવે નવી બોડી ન આવે ત્યાં સુધી વહીવટદારોએ કમિશનરો સાથે મળી વિકાસ કે અન્ય કામો માટે સરકારમાં સંકલન સાધીને મહાપાલિકાઓમાં શાસન ચલાવવાનું રહેશે. રાજકોટ મહાપાલિકાના ઈતિહાસમાં દસમી વખત વહીવટદાર લાગુ પડયું છે.
